Top News

More Posts

   The Latest

Most Popular

ભારતની સ્ટાર મહિલા ગોલ્ફર અદિતિ અશોકે (Aditi Ashok) એશિયન ગેમ્સમાં (Asian Games) ઈતિહાસ રચ્યો છે. તેણે રવિવારે 1 ઓક્ટોબરના રોજ સિલ્વર મેડલ (Silver Medal) કબજે કર્યો હતો. અદિતિ એશિયન ગેમ્સના ઈતિહાસમાં ગોલ્ફમાં મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા ખેલાડી છે. ટૂર્નામેન્ટની આ આવૃત્તિમાં ગોલ્ફમાં (Golf) ભારતનો આ પ્રથમ મેડલ છે. તે ચોક્કસપણે ગોલ્ડ જીતવાથી ચૂકી ગઈ હતી પરંતુ તેણે એક મોટી સિદ્ધિ પોતાના નામે નોંધાવી હતી.

અદિતિ રવિવારે મહિલા ગોલ્ફ સ્પર્ધાના છેલ્લા દિવસે પોતાની લય જાળવી શકી ન હતી અને તેણે 73નું નિરાશાજનક કાર્ડ રમીને સિલ્વર મેડલ જીત્યો હતો. અદિતિએ ત્રીજા રાઉન્ડ બાદ ટેબલમાં ટોચ પર સાત શોટની જંગી લીડ મેળવી હતી. તેણીએ એક બર્ડી સામે ચાર બોગી અને એક ડબલ બોગી બનાવીને આ લીડ ગુમાવી અને બીજા સ્થાને સરકી ગઈ. અદિતિ ગોલ્ડ મેડલ જીતવાથી ચૂકી ગઈ પરંતુ બે વખતની ઓલિમ્પિયક ખેલાડીએ તેના પ્રદર્શનથી સૌને પ્રભાવિત કર્યા હતા. તે ટોક્યો ઓલિમ્પિકમાં પણ ચોથા સ્થાને રહી હતી. ત્યાં પણ તે થોડા અંતરથી પાછળ રહી ગઈ હતી.

ભારતીય મહિલા હોકી ટીમ સેમી ફાઇનલમાં પહોંચી
રવિવારે એશિયન ગેમ્સની મહિલા હોકી ટીમ ઈવેન્ટમાં ભારત અને દક્ષિણ કોરિયા વચ્ચે રમાયેલી મેચ 1-1થી ડ્રોમાં સમાપ્ત થઈ હતી. આ પરિણામ બાદ ટીમ ઈન્ડિયા સેમીફાઈનલમાં પહોંચી ગઈ છે. તેઓ ત્રણ મેચ બાદ ગ્રુપમાં ટોપ પર છે. તેના ત્રણ મેચમાં સાત પોઈન્ટ છે. જ્યારે કોરિયાના પણ ત્રણ મેચ પછી સમાન પોઈન્ટ્સ છે પરંતુ ગોલ તફાવતમાં ખૂબ પાછળ છે. ગ્રુપમાં ભારતની છેલ્લી મેચ હોંગકોંગ સામે થશે. ત્રણ મેચમાં તેના ઝીરો પોઈન્ટ છે.

અવિનાશે સ્ટીપલચેઝમાં ગોલ્ડ જીત્યો
એથ્લેટિક્સમાં ભારતે વધુ એક ગોલ્ડ જીત્યો છે. ભારતના સ્ટાર એથ્લેટ અવિનાશ સાબલે 3000 મીટર સ્ટીપલચેઝ ઈવેન્ટમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. ભારતે 50 કિગ્રા બોક્સિંગ કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. ભારત તરફથી નિખત ઝરીને આ મેડલ જીત્યો હતો. તેમને સેમિફાઈનલ મેચમાં થાઈલેન્ડના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો.

ભારતે શોટ પુટમાં ગોલ્ડ જીત્યો
ભારતીય એથ્લેટ તેજિન્દર પાલ સિંહ તૂરે ભારત માટે શોટ પુટમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. એશિયન ગેમ્સમાં ભારતનો આ 13મો ગોલ્ડ મેડલ છે. તેજિન્દર પાલ સિંહ તૂરે 20.36 મીટરના થ્રો સાથે આ મેડલ જીત્યો છે.

ભારતને એશિયન ગેમ્સના પ્રથમ દિવસે પાંચ, બીજા દિવસે છ, ત્રીજા દિવસે ત્રણ, ચોથા દિવસે આઠ, પાંચમા દિવસે ત્રણ, છઠ્ઠા દિવસે આઠ અને સાતમા દિવસે પાંચ મેડલ મળ્યા હતા. આજે ભારત મેડલની અડધી સદી પૂરી કરી શકે છે.
ભારત પાસે આટલા મેડલ
ગોલ્ડ: 13
સિલ્વર: 16
કાંસ્ય: 16
કુલ: 45

To Top