SURAT

સિવિલમાં એક જ દિવસમાં જન્મથી મૂકબધિર બે બાળકોને ‘વાણી-શ્રવણ’ અને નવી જિંદગીની ભેટ

સુરત: રાજ્ય સરકારના ‘રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ’(RBSK) અંતર્ગત સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે આજે એક જ દિવસમાં જન્મથી મૂકબધિર ચાર વર્ષની વયના બે બાળકોની ‘કોક્લિયર ઈમ્પ્લાન્ટ’ની વિનામૂલ્યે સફળ સર્જરી કરવામાં આવી છે. સુરત સિવિલના ઈએનટી વિભાગના વડા ડો.જૈમિન કોન્ટ્રકટર તથા ડો. રાહુલ પટેલ દ્વારા શહેરના ઉમરવાડા વિસ્તારમાં રહેતા ચાર વર્ષીય આયેશા અબ્દુ રઉફ શેખ તથા અમરોલી ખાતે રહેતા ચાર વર્ષીય હાર્દિક મોતીભાઈ બેરડીયાની સર્જરી કરવામાં આવી હતી. જન્મથી મૂકબધિર (બોલી અને સાંભળી ન શકતા) બન્ને બાળકોને ‘વાણી-શ્રવણ’ અને નવી જિંદગીની ભેટ મળી છે. આ સાથે નવી સિવિલ હોસ્પિટલ દ્વારા 7મુ અને 8મુ સફળ ‘કોક્લિયર ઈમ્પ્લાન્ટ’ થયું છે.

નોંધનીય છે કે, પ્રાઈવેટ હોસ્પિટલમાં જે સર્જરીનો અંદાજે રૂ. 10 થી 12 લાખ જેટલો ખર્ચ થતો હોય છે, જેમાં ઓપરેશન પહેલા કે દરમિયાનની સ્ક્રિનિંગ, ટેસ્ટ, ઓપરેશન, વેક્સીનેશન તેમજ રિહેબિલીટેશનના તમામ ખર્ચનો સમાવેશ થાય છે, જે સંપૂર્ણપણે સરકારની ‘રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ’RBSK યોજના અંતર્ગત નિ:શુલ્ક આપવામાં આવે છે. આ પહેલા નવી સિવિલ દ્વારા 6 બાળકોની સર્જરી થઈ ચૂકી છે. વધુ બે બાળકોની સર્જરી થતા કુલ 8 સફળ ઈમ્પ્લાન્ટ થયા છે.

‘કોક્લિયર ઈમ્પ્લાન્ટ’ વિષે સિવિલના ENT વિભાગના ડો. રાહુલ પટેલે જણાવ્યું હતું કે, આ સર્જરીમાં ચારથી પાંચ કલાક ઓપરેશનમાં સમય લાગે છે. નાની વય હોય તો સફળતા વધુ મળે છે. આ પધ્ધતિ વિશે જણાવ્યું કે, બાળકના કાનની ચામડીના અંદરના ભાગમાં સર્જરી કરીને ઈલેકટ્રોડ મશીન ફીટ કરવામાં આવે છે, પછી ત્રણ અઠવાડિયા બાદ ટાંકાઓ ખોલી મશીનની સ્વીચ ઓન કરવામાં આવે છે. આ બાળકોની સંપૂર્ણ રિકવરી માટે ઓપરેશન બાદ પણ 1 થી 2 વર્ષ સુધી બાળકોને ‘ઓડિટરી વર્બલ થેરેપી’(AVT) માટેની જરૂરી ટ્રેનિંગ પણ લેવી પડે છે. જેથી ધીમેધીમે બાળક સાંભળતુ અને બોલતુ થાય છે.

બોટાદ જિલ્લાના વતની અને સુરતમાં રહેતા હાર્દિકના માતા રંજનીબેન બેરડીયાએ જણાવ્યું કે, અમારા પરિવારની પરિસ્થિતિ સામાન્ય છે. મારા પુત્રનું ઓપરેશન વિનામૂલ્યે થયું છે, અને તે સાંભળતો-બોલતો થઈ જશે એની ખુશી છે, રાજ્ય સરકારનો આભાર માનીએ એટલો ઓછો છે.

નવી સિવિલના તબીબી અધિક્ષક ડો.ગણેશ ગોવેકરના માર્ગદર્શન હેઠળ ઈ.એન.ટી. વિભાગના વડા ડો. જૈમિન કોન્ટ્રકટર તથા ડો.રાહુલ પટેલ, બે રેસિડેન્ટ ડોકટરો તથા એનેસ્થેટીસ્ટ ટીમના ડો.હેમાંગિની પટેલ તથા ડો.તેજલ ચૌધરીના સહયોગથી બન્ને સફળ ‘કોક્લિયર ઈમ્પ્લાન્ટ’ સર્જરી પાર પાડવામાં આવી હતી. સર્જરીમાં નર્સિંગ સ્ટાફ, ઓ.ટી.સ્ટાફ અને સહાયક કર્મચારીઓએ પણ સફળ સર્જરીમાં પોતાનું યોગદાન આપ્યું હતું.

Most Popular

To Top