Madhya Gujarat

કઠલાલમાં બળવાખોર સભ્યને ઉપપ્રમુખ પદ મળ્યું

કઠલાલ : કઠલાલ નગરપાલિકામાં છેલ્લા દોઢેક મહિનાથી ચાલતા હાઈડ્રામામાં શુક્રવારે અલ્પ વિરામ આવ્યો છે. પખવાડિયા પહેલા જ ભાજપના ઉમેદવાર હર્ષદ પટેલનો વિરોધ કરી બળવાખોરોએ સમાજવાદી પાર્ટીના સભ્યોનો ટેકો લઇ પ્રમુખ અને ઉપપ્રમુખપદે મેળવી લીધું હતું. આ ઘટનાના રાજકીય વર્તૂળમાં ઘેરા પડઘા પડ્યાં હતાં. પાર્ટીએ પણ સાંજ સુધીમાં તમામને સસ્પેન્ડ કર્યાં હતાં. બાદમાં પાછલા બારણે ચાલતી સમાધાન પ્રક્રિયામાં બન્નેએ સપ્તાહમાં જ રાજીનામું ધરી દીધું હતું. આથી, પ્રમુખ – ઉપપ્રમુખની ચૂંટણી શુક્રવારે યોજાઇ હતી. પ્રમુખ – ઉપપ્રમુખની ચૂંટણી નિર્વિઘ્ને પૂર્ણ થઇ હતી. પરંતુ બળવોકરી પ્રમુખ બનેલા પ્રશાંત પટેલના ભાગે ઉપપ્રમુખપદ આવ્યું હતું.

કઠલાલ નગરપાલિકામાં પખવાડિયા પહેલા પ્રમુખ – ઉપપ્રમુખની બીજી ટર્મની ચૂંટણીમાં પક્ષ દ્વારા નો- રિપીટ થિયરી પડતી મુકી પ્રથમ ટર્મના ઉપપ્રમુખ હર્ષદ પટેલને પ્રમુખ બનાવવા મેન્ડેટ જાહેર કર્યું હતું. જેને લઇ હર્ષદ પટેલ સામે અગાઉ સપામાંથી ભાજપમાં આવેલા પ્રશાંત દિલીપભાઈ પટેલે પ્રમુખપદની ઉમેદવારી નોંધાવી હતી. જ્યારે ભાજપ તરફી ઉપપ્રમુખ પદ માટે જીગ્નેશ હર્ષદભાઈ ભાવસાર બિનહરીફ થયાં હતાં. પરંતુ પ્રમુખની લડાઇમાં સમાજવાદી પાર્ટીમાં 9 અને ભાજપના 5 સભ્યોએ હર્ષદ પટેલનું મેન્ડેટ ફગાવી પ્રશાંત પટેલ તરફી મતદાન કરતાં તેઓ પ્રમુખ તરીકે જાહેર કરાયાં હતાં. આ ક્રોસ વોટીંગની મોવડી મંડળે ગંભીર નોંધ લીધી હતી અને તાત્કાલિક અસરથી 5 સભ્યોને સસ્પેન્ડ કર્યાં હતાં.

અલબત્ત, પાછલા બારણે સમાધાન રાહે કામ કરતાં સામ, દામ, દંડની નીતિ અપનાવવામાં આવી હતી. આખરે કોઇ મુદ્દે સહમતી સધાતા થોડા દિવસમાં જ બળવો કરી પ્રમુખ અને ઉપ પ્રમુખ બેનલા પ્રશાંતભાઈ પટેલ અને જીજ્ઞેશભાઈ ભાવસાર દ્વારા અંગત કારણોસર રાજીનામુ ધરી દીધું હતું. જેને કઠલાલમાં રાજકીય ગરમાવો વધ્યો હતો. પ્રમુખ અને ઉપપ્રમુખના રાજીનામાંને લઈ 29મી સપ્ટેમ્બરના રોજ ફરી ચૂંટણી યોજવામાં આવી હતી. અલબત્ત, આ હાઈડ્રામા હજુ પણ ચાલુ જ રહ્યો હતો.

આ રાજીનામાં બાદ અજય બ્રહ્મભટ્ટ દ્વારા પાલિકાના સભ્યોની સેન્સ લેવામાં આવી હતી. તે સમયે પણ સભ્યો દ્વારા હર્ષદ પટેલનો વિરોધ નોંધાવ્યો હતો. જેથી જીજ્ઞેશ ભાવસારને પ્રમુખ અને પ્રશાંત પટેલને ઉપપ્રમુખ બનાવવા સહમતી પણ દર્શાવાઈ હતી. પરંતુ પ્રશાંત પટેલ સાથે વધુ એક વખત ભાજપ દાવ કરવાની પેરવી કરતી હોવાની ગંધ આવતા 14 સભ્યો સાથે પ્રશાંત પટેલ છેલ્લા ચાર દિવસથી કઠલાલની બહાર નિકળી ગયા હતા. જેથી ભાજપ દ્વારા પણ સત્તાનું પૂરું જોર મારી તમામને ચૂંટણીના આગલા દિવસે નડિયાદ ભેગા કરાયા હતા.

આખરે ભાજપે હર્ષદ પટેલ અને તેમની પેનલને કાપી અને અન્ય લોકોને હોદ્દા આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. શુક્રવારે બપોરે 12 કલાકે પાલિકા ખાતે યોજાયેલી ચૂંટણીમાં ભાજપ દ્વારા પ્રમુખ તરીકે ગૌતમસિંહ ચૌહાણ અને ઉપપ્રમુખ પદે પ્રશાંત પટેલના નામનું મેન્ડેડ જાહેર કરવામાં આવ્યું હતું. જ્યારે સમગ્ર ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ હર્ષદ પટેલ પાલિકામાંથી બહાર નિકળી ગયા હતા. સમગ્ર ચૂંટણીને લઈ જિલ્લા ભાજપ પ્રમુખ તેમજ સ્થાનિક ધારાસભ્ય રાજેશભાઈ ઝાલા સહીત પાર્ટીના હોદ્દેદારોએ ખાસ હાજરી આપી હતી.

આ છે અંદરનું રાજકારણ..
એકતરફ પ્રશાંત પટેલના ગ્રુપને જીજ્ઞેશ ભાવસારને પ્રમુખ બનાવવા અને પ્રશાંત પટેલને ઉપપ્રમુખ બનાવવા માટે ભાજપ તરફથી ઓફર કરાઈ હતી. પરંતુ અંતિમ સમયે ભાજપ દ્વારા ખેલ પાડવામાં આવે અને બંનેના પત્તા કાપવામાં આવે તેવી આશંકાઓ હતી. જેથી પ્રશાંત પટેલ સાથે વધુ એક વખત ભાજપ દાવ કરવાની પેરવી કરતી હોવાની ગંધ આવતા 14 સભ્યો સાથે પ્રશાંત પટેલ છેલ્લા ચાર દિવસથી કઠલાલની બહાર નિકળી ગયા હતા. જેથી ભાજપ દ્વારા પણ સત્તાનું પૂરું જોર મારી તમામને ચૂંટણીના આગલા દિવસે નડિયાદ ભેગા કરાયા હતા અને આખરે ભાજપે હર્ષદ પટેલ અને તેમની પેનલને કાપી અને પ્રશાંત પટેલના ગ્રુપમાં હોદ્દા આપવા માટે મન બનાવ્યુ હતુ.

લોકપ્રિયતા સામે ઉચ્ચ હોદ્દેદારોનું ન ચાલ્યુ
કઠલાલના રાજકીય પંડીતોના જણાવ્યા મુજબ પ્રશાંત પટેલના તરફે 14 સભ્યો હતા. પ્રશાંત પટેલ કઠલાલમાં સત્તા અને વિપક્ષ બંનેમાં લોકપ્રિય ચહેરો છે. પ્રજામાં પણ તેમની ખાસ્સી પકડ છે. જો કે, તેઓ સમાજવાદી પાર્ટીમાંથી આવ્યા હોય અને જિલ્લાના નેતૃત્વ સાથે સીધા સબંધો અને પકડ નથી. પરીણામે જિલ્લા નેતૃત્વ સહિત કઠલાલ ભાજપના આગેવાનો પ્રશાંત પટેલ પ્રમુખ ન બને તે માટે મહેનત કરી રહ્યા હતા. પરંતુ તેમની લોકપ્રિયતાના કારણે ઉચ્ચ હોદ્દેદારોએ પણ નબળા સાબિત થયા છે અને પ્રશાંત પટેલના ગ્રુપમાં જ તમામ હોદ્દા આપવાની ફરજ પડી છે.

Most Popular

To Top