Gujarat

બે વર્ષમાં 10 કરોડનું ડ્રગ્સ મંગાવ્યું, 4 કરોડ ક્રિપ્ટો કરન્સીથી ચૂકવાયા

છેલ્લાં કેટલાંક વર્ષોમાં ગુજરાતમાં ડ્રગ્સનું દૂષણ વધ્યું છે. ડ્રગ માફિયાઓ ભારતમાં ડ્રગ્સ ઘૂસાડવા માટે ગુજરાતના લાંબા દરિયા કિનારાનો ઉપયોગ કરી રહ્યાં છે. અમદાવાદ, પોરબંદર, દ્વારકા, સુરત સહિત અનેક શહેરોમાં યુવાનોમાં ડ્રગ્સનો વપરાશ પણ ચિંતાજનક હદે વધ્યો છે. મુંબઈ અને પંજાબ બાદ ગુજરાતમાં પણ ડ્રગ્સનૂ દૂષણ વધી રહ્યું હોય ગુજરાત સરકાર અને ગુજરાત પોલીસ દ્વારા નો ડ્રગ્સ કેમ્પેઈન ચલાવવામાં આવી રહ્યું છે અને છેલ્લાં કેટલાંક મહિનાઓમાં ડ્રગ્સ પકડી પાડવા માટે પોલીસ દ્વારા સતત સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યાં છે ત્યારે અમદાવાદમાં ડ્રગ્સ સાથે પકડાયેલા આરોપીઓની પૂછપરછમાં એક ચોંકાવનારી માહિતી બહાર આવી છે. આરોપીઓ ઓનલાઈન વેબસાઈટની મદદથી કુરિયર મારફતે ડ્રગ્સ મંગાવતા હતા અને તેના પેમેન્ટ પણ ક્રિપ્ટો કરન્સીથી કરતા હતા, જેથી તેઓ પકડાઈ નહીં શકે, પરંતુ અમદાવાદ પોલીસે તેઓને ઝડપી પાડ્યા અને આખાય કૌભાંડ પરથી પર્દાફાશ કર્યો છે.

વિદેશોમાંથી વેબસાઈટ દ્વારા ઓનલાઇન કાર્ગો કુરિયર મારફત ડ્રગ્સ મંગાવવાના મામલે છેલ્લા બે વર્ષમાં આરોપીઓ દ્વારા 300થી વધુ પેકેટ્સમાં 10 કરોડથી વધુનું ડ્રગ્સ મંગાવવામાં આવ્યું હોવાનું તેમજ ચાર કરોડથી વધુની ચુકવણી ક્રિપ્ટો કરન્સી દ્વારા થઈ હોવાનું બહાર આવ્યું છે. અમદાવાદ શહેરના એસ.ઓ.જી ટીમ દ્વારા તાજેતરમાં જ વિદેશોમાંથી ઓનલાઈન કાર્ગો કુરિયર દ્વારા ડ્રગ્સ મંગાવવાના કેસમાં ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ કેસની વધુ તપાસમાં પોલીસે સઘન પૂછપરછ કરતા આરોપીઓ વિદેશોમાં ડ્રગ્સ ડીલરોનો સંપર્ક કરીને વિદેશોમાંથી જુદા જુદા વ્યક્તિઓના નામ સરનામા ઉપર અત્યાર સુધીમાં 300 વધુ જુદા-જુદા ડ્રગ્સના પેકેટ મંગાવી ડીલીવરી મેળવી ચૂક્યા છે. છેલ્લા બે વર્ષમાંવિદેશોમાંથી મંગાવેલા ડ્રગ્સની કિંમત અંદાજે 10 કરોડથી વધુની થવા જાય છે. જેમાંથી ચાર કરોડ રૂપિયાની ચૂકવણી ક્રિપ્ટો કરન્સી મારફતે કરવામાં આવી હોવાના વ્યવહારો પોલીસને હાથ લાગ્યા છે. પોલીસે અત્યાર સુધીમાં આરોપી વિપુલ ગોસ્વામી, જીલ પરાતે, વંદિત પટેલ સહિત ચાર આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top