Business

હેટ ક્રાઈમને અટકાવવા માટે અમેરિકામાં રહેતા મૂળ ભારતીયોએ જ લડવું પડશે

એક સમય હતો કે જ્યારે જે તે દેશના નાગરિકો ધંધા-રોજગાર માટે વિદેશ જતાં હતા. ભારતમાં પણ આવી જ રીતે અનેક પ્રજાતિઓ આવી અને ભારતીયો દ્વારા તેનો સ્વીકાર પણ કરવામાં આવ્યો. ભારતીયો દ્વારા પણ વેપાર-ધંધા માટે વિદેશનો માર્ગ અપનાવવામાં આવ્યો હતો. ભૂતકાળમાં જે તે દેશમાં વિદેશીઓને આવકારવામાં આવતા હતા પરંતુ છેલ્લા કેટલાક સમયથી ભારતીયોની વિરૂદ્ધમાં વિદેશમાં ઝેર ફેલાવવામાં આવી રહ્યું છે. ભારતીયો વિદેશોમાં મહેનત કરીને કમાણી કરીને ધનવાન બની રહ્યા હોવાથી વિદેશીઓ ઈર્ષા કરી રહ્યા છે અને તેને પરિણામે ભારતીયોની વિરૂદ્ધમાં હેટ ક્રાઈમ વધી રહ્યા છે. અન્ય દેશોની વાત બાજુ પર રાખીએ તો એકમાત્ર અમેરિકામાં જ ભારતીયો સાથેની હેટ ક્રાઈમની ઘટનામાં 40 ટકાનો વધારો થઈ ગયો છે.

અગાઉ ટ્રમ્પના સમયમાં ભારતીયોની સામે હેટ ક્રાઈમની ઘટનાઓ વધી હતી. બાઈડનના પ્રમુખપણા વખતે આ ઘટનાઓ ઘટી ગઈ હતી. પરંતુ હાલમાં ટ્રમ્પ દ્વારા ફરી દાવેદારી કરવામાં આવતાં ભારતીયો સામેના હેટ ક્રાઈમ અને હુમલાની ઘટનામાં વધારો થઈ ગયો છે. છેલ્લા બે વર્ષમાં ભારતીયો પર હુમલાની ઘટનાઓ વધી રહી છે અને તેમાં પણ છેલ્લા એક વર્ષમાં અમેરિકામાં ભારતીયો વિરૂદ્ધના હેટક્રાઈમ અને હુમલાના 520 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. અગાઉના વર્ષમાં આ હુમલાની સંખ્યા 375 હતી. આ હુમલાઓને કારણે છેલ્લા 4 સપ્તાહમાં 4 ભારતીયોના મોત પણ થઈ ચૂક્યા છે. જ્યારે 24થી પણ વધુ ભારતીયો ઘાયલ થયા છે. હાલમાં જ ન્યુયોર્કમાં એક ભારતીય વૃદ્ધની હત્યા કરી દેવામાં આવી હતી. જ્યારે એક ભારતીય વિદ્યાર્થીને ચાકુ મારી દેવામાં આવ્યું હતું.

કાર્નેગી એન્ડોમેન્ટ સ્ટડીના રિપોર્ટ પ્રમાણે, અમેરિકામાં રહેતા ભારતીયો પૈકી 50 ટકાએ તેમની સાથે રંગભેદ થતો હોવાનું જણાવ્યું છે. આની પાછળના કારણો એ છે કે અમેરિકન માને છે કે ભારતીયો અમેરિકામાં આવીને તેમના લાભ પોતે લઈ રહ્યા છે. તેમની આર્થિક તકોને પડાવી રહ્યા છે.  અમેરિકાનો દ્વારા ભારતીયોની વિરૂદ્ધમાં ‘ગ્રેટ રિપ્લેસમેન્ટ’ થિયરી અપનાવવામાં આવી રહી છે. આ થિયરી પાછળ એવું ગણિત છે કે અમેરિકામાં જેટલા મહત્વના હોદ્દા છે તેની પર જે ભારતીયો છે તેને ખસેડીને ત્યાં અમેરિકનોને બેસાડવા. એક તરફ બાઈડન વધુને વધુ ભારતીયોને અમેરિકામાં વસાવવા માટે પ્રયત્નશીલ છે.

બાઈડનના વહીવટી તંત્રએ અમેરિકામાં 130 જેટલા મહત્વના હોદ્દાઓ પર મૂળ ભારતીય લોકોને બેસાડ્યા છે. જે અમેરિકન ગોરાઓને ખટકી રહ્યું છે. હકીકત એ છે કે અમેરિકાની વસતીમાં ભારતીયોની સંખ્યા એક ટકો જેટલી છે પરંતુ જો અમેરિકામાં ટેક્સનું યોગદાન જોવામાં આવે તો તેમાં ભારતીયોનું ટેક્સ યોગદાન 6 ટકાનું છે. ભારતીયો દ્વારા દર વર્ષે એક ટ્રિલિયન યોગદાન એટલે કે અમેરિકાના પ્રતિ 26 ડોલરમાંથી 1 ડોલરનું યોગદાન ભારતીયોનું હોય છે.

આંકડાઓ કહે છે કે ભારતીયોની સરેરાશ આવક દર વર્ષે એક લાખ ડોલરની છે. જ્યારે અમેરિકનોની આવક સરેરાશ 7 હજાર ડોલરની જ છે. અમેરિકા ફોર્ય્યુન-500માં સામેલ 600 જેટલી કંપનીઓના સીઈઓ ભારતીય છે. આ જ કારણે અમેરિકનો ભારતીયોની ઈર્ષ્યા કરી રહ્યા છે અને તેમની પર હુમલા કરી રહ્યા છે. અમેરિકામાં આ સ્થિતિ હોવા છતાં પણ દર વર્ષે અમેરિકામાં ઘુસવા માટે હજારો ભારતીયો પ્રયાસો કરે છે.

અમેરિકામાં આર્થિક તકો વધારે હોવાથી ભારતીયો જવા માટે ઈચ્છી રહ્યા છે પરંતુ તેની સામે હેટ ક્રાઈમ મોટો ખતરો છે. અમેરિકામાં જે રીતે ભારતીયો પર હુમલા થાય છે તે જોતાં ભારત સરકારે આ મામલે વિચારવું પડે તેમ છે. અમેરિકામાં પ્રમુખપદે જીતવા માટે ભારતીયોના મતોની જરૂરીયાત છે. આ સંજોગોમાં ભારત સરકાર આ રીતે પણ અમેરિકન સરકારનું નાક દબાવી શકે તેમ છે. અમેરિકામાં રહેતા ભારતીયો પણ પોતાના સંગઠન મારફતે અમેરિકાની સરકાર પર દબાણ લાવીને તેમની પર થતાં હુમલાને અટકાવી શકે છે. વિદેશમાં રહેવા માટે ભારતીયોએ જાતે જ જાગવું પડશે તે નક્કી છે.

Most Popular

To Top