Columns

વનટાઇમ પ્લાસ્ટિક યુઝ પર પ્રતિબંધના અમલની આંટીઘૂંટી…

1 જુલાઈએ વન ટાઇમ પ્લાસ્ટિક યુઝ પર પ્રતિબંધ આવી ચૂક્યો છે. આ પ્રતિબંધ કેન્દ્ર દ્વારા લાગુ કરવામાં આવ્યો છે અને પૂરા દેશમાં તેનો અમલ થશે. હાલમાં પ્લાસ્ટિકના મેન્યુફેક્ચર્સ સૌથી વધુ ઉત્પાદન સિંગલ યુઝ પ્લાસ્ટિકનું જ કરે છે. ઉત્પાદન કરવાનું કારણ તેની અવિરત ડિમાન્ડ છે. સંયુક્ત રાષ્ટ્રના પર્યાવરણ કાર્યક્રમ મુજબ વિશ્વમાં દર એક મિનિટે પાણી સહિતની 10 લાખ પ્લાસ્ટિક બોટલ ખરીદાય છે. એ રીતે મહિના અને વર્ષમાં બોટલોનો હિસાબ કરોડોમાં થાય છે. આ બોટલો ખરીદાય છે અને તેનો ઉપયોગ કરીને ફેંકી દેવાય છે. આ તો માત્ર બોટલોની વાત થઈ તે સિવાય પણ મોટા પ્રમાણમાં પ્લાસ્ટિકનો ઉપયોગ આપણા હાથે થાય છે.

આપણા રોજિંદા જીવનમાં નજર કરીએ તો તેનો અંદાજ લગાવી શકાય. 1 જુલાઈથી જે વનટાઇમ પ્લાસ્ટિક યુઝ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તેમાં પ્લાસ્ટિકથી બનેલી બલૂન સ્ટીક્સ, સિગારેટ પેક્સ, કટલરીના પ્લાસ્ટિકના કપ, પ્લેટ, ચમચી, ટ્રે, ચાકુ અને ઇયરબર્ડ્સનો સમાવેશ થાય છે. તદ્ઉપરાંત, સિંગલ પ્લાસ્ટિક પ્રતિબંધમાં અન્ય ચીજવસ્તુઓમાં સ્વીટ બોક્સિસ, કેન્ડિ અને આઇસક્રીમની સ્ટીક, ઇન્વિટેશન કાર્ડસ, ડેકોરેશનની ચીજવસ્તુઓ અને જે પણ બેનર્સ 100 માઇક્રોની નીચે હોય તેનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ પ્રતિબંધ એકાએક આવ્યો નથી. આ અગાઉ પણ છેલ્લા એક વર્ષથી સમયાંતરે પ્લાસ્ટિકની જાડાઈ મુજબ પ્રતિબંધ મુકાતો રહ્યો છે. અને હવે સંપૂર્ણપણે વનટાઇમ યુઝ પર પ્રતિબંધ લદાયો છે.

પ્લાસ્ટિકનું પ્રોડક્શન અને વેચાણ કરનારા વેપારીઓને આનો ખ્યાલ હતો અને તે મુજબ પ્લાસ્ટિકની દુકાનો પર તેના અવેજની ચીજવસ્તુઓ મળવા પણ માંડી હતી. તેમ છતાં પ્લાસ્ટિક હજુ સુધી  સંપૂર્ણ રીતે બજારમાંથી અદૃશ્ય થાય તેવી વ્યવસ્થા ગોઠવી શકાઈ નહોતી. તેનું કારણ એટલું કે પ્લાસ્ટિક આપણા રોજિંદા જીવનમાં અભિન્ન ભાગ છે. આપણી અનેક પરંપરાગત ચીજવસ્તુઓ જે ધાતુ કે લાકડાની હતી તે પણ પ્લાસ્ટિકની બની રહી છે. જો કે, હવે સરકાર આ પ્રતિબંધ કડક રીતે લાગુ કરવા માંગે છે અને તેથી રાષ્ટ્રિય, રાજ્યથી સ્થાનિક સ્તર સુધી તેનો કડક રીતે અમલ થાય તે માટે સૂચનાઓ અપાઈ છે. તેને લાગુ કરવા અર્થે સ્થાનિક ઓથોરિટી એટલે કે મહાનગરપાલિકા, નગરપાલિકા કે પંચાયતને પણ કેટલીક સત્તા આપવામાં આવી છે. જેમ કે, સિંગલ યુઝ પ્લાસ્ટિક આઇટમ્સ જે-તે વેપારીના પ્રિમાઇસમાં વેચાણ કે ઉપયોગમાં લેવાતું નથી તેની ખાતરી કરતું લાઇસન્સ ઇસ્યુ કરવું અને જો તેમ ન થતું હોય તો તેમનું કોમર્શિયલ લાયસન્સ રદ કરવું.

આ ઉપરાંત, ‘એન્વાયર્મેન્ટ પ્રોટેક્શન એક્ટ, 1986’ મુજબ આ કાયદાના ભંગ બદલ 5 વર્ષની જેલ અથવા તો એક લાખ રૂપિયાના દંડની પણ જોગવાઈ કરવામાં આવી છે. પ્રતિબંધનો અમલ થાય છે કે કેમ તે માટે રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરે કન્ટ્રોલ રૂમ્સ ઊભા કરવાનું પણ આયોજન છે. આ કન્ટ્રોલ રૂમ્સની દેખરેખ ‘સેન્ટ્રલ પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ’ અને સ્પેશ્યલ એન્ફોર્સમેન્ટ ટીમ કરશે. આ સિવાય રાજ્યોને પણ એવી તાકીદ કરવામાં આવી છે કે તેઓ બોર્ડર ચેકપોઇન્ટ પર વન પ્લાસ્ટિક યુઝની હેરફેર ચકાસશે.

સરકારના આ નિર્ણયને લઈને પર્યાવરણ પ્રેમીઓ આનંદ વ્યક્ત કરી રહ્યા છે ત્યારે કેટલાક ઉદ્યોગો આ નિર્ણયને લઈને મુશ્કેલીમાં મુકાયા છે. જેમ કે, પાર્લે એગ્રો ઇન્ડસ્ટ્રીએ એવી ચેતવણી ઉચ્ચારી છે કે જો વન ટાઇમ પ્લાસ્ટિક યુઝ પર પ્રતિબંધની ડેડલાઇન એક્સ્ટેન્ડ નહીં થાય તો કંપનીને ઉત્પાદન અટકાવી દેવું પડશે. પાર્લે એગ્રો કોલ્ડ્રિંક્સ બનાવે છે અને તેમાં સ્ટ્રોસનો ઉપયોગ થાય છે. આ સ્ટ્રોસ બજારમાં પૂરતા પ્રમાણમાં નથી અને દુનિયાભરમાં પેપર સ્ટ્રોસનું ઉત્પાદન પૂરતા પ્રમાણમાં થતું નથી. માત્ર ચીન, ઇન્ડોનેશિયા અને કેટલાક યુરોપના દેશોમાં પેપર સ્ટ્રોસ બને છે અને ભારતનું બજાર તેમના માર્કેટમાં નીચેના ક્રમે આવે છે.

કંપનીનું કહેવું છે કે સ્થાનિક સ્તરે પેપર સ્ટ્રોસ બને તે માટે બધે ઠેકાણે મશીન મોકલી આપશે, પરંતુ તેને હજુય એકાદ વર્ષનો સમય નીકળી જશે. ‘ઓલ ઇન્ડિયા પ્લાસ્ટિક મેન્યુફેક્ચર્સ એસોસિયેશન’ દ્વારા પણ ચેતવણી આપવામાં આવી છે કે આ રીતે પ્લાસ્ટિક પર પ્રતિબંધથી દેશના 88,000 યુનિટ્સ નાદારીના દલદલમાં ગરકાવ થઈ જશે. આ વિશે એસોસિયેશનના પદાધિકારીઓએ માનવું છે કે, સરકારી આંકડા મુજબ દેશમાં વન ટાઇમ પ્લાસ્ટિક યુઝનું પ્રોડક્શન કરનારાં 88,000 યુનિટ છે. આ યુનિટ દ્વારા 10 લાખ લોકોને રોજગારી મળે છે. અને નિકાસમાં તેમનું યોગદાન 25,000 કરોડનું છે. જે પ્લાસ્ટિક પ્રોડક્ટ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે તેના અવેજમાં માર્કેટમાં જે પણ ચીજવસ્તુઓ મુકાશે તેનો ભાર અંતે ગ્રાહકો પર આવશે અને તે પ્લાસ્ટિકથી અનેકગણો હોઈ શકે છે.

આ પ્રતિબંધની અસર મોટા વેપારીઓ અને ઉદ્યોગો પર પણ થશે પરંતુ તેઓના નફામાં કાપ મુકાવા છતાં તેમને થનારાં નુકસાનથી તેમના રોજિંદા જીવનમાં કોઈ મુશ્કેલી આવશે નહીં પરંતુ રોજનું કમાઈને ખાનારો વર્ગ આપણા દેશમાં ખૂબ મોટો છે અને ઘણાં લોકો એવા છે જેઓને પોતાના ધંધા અર્થે પ્લાસ્ટિક કિફાયતી અને ઉપયોગી લાગે છે. જેમ કે, લારીગલ્લા પર વેચાતાં નાસ્તામાં પ્લાસ્ટિકની પ્લેટ-ચમચી-ગ્લાસનો ઉપયોગ થાય છે. હવે તેમને અચાનક ઇકો ફ્રેન્ડલી વાપરવાની ફરજ પડાશે તો અલ્ટીમેટલી તેનો ભાર ગ્રાહક પર આવશે એટલે લારી-ગલ્લા પર પોતાની રોજગારી રળતાં અનેક લોકોને આ પ્રતિબંધ વ્યવહારુ લાગતો નથી. કેટલાંક લોકો પ્લાસ્ટિક પર પ્રતિબંધ ઇચ્છે છે પણ તે પહેલાં તેની પૂરતી જાગ્રતિ અને પ્રચાર થવો જોઈએ તેવું સૂચન કરે છે.

‘NDTV’ના સ્વચ્છ ઇન્ડિયાના કેમ્પેઇન હેઠળ વન ટાઇમ પ્લાસ્ટિક યુઝ પ્રતિબંધ અંગે ખૂબ રસપ્રદ માહિતી આપવામાં આવી છે. અહીં તે પણ વિગત છે કે વન ટાઇમ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકવો તે કેમ અગત્યનું છે? તેનું કારણ છે કે, 1970થી સંયુક્ત રાષ્ટ્રના પર્યાવરણીય કાર્યક્રમમાં એ નિવેદન અવારનવાર આપવામાં આવતું રહ્યું છે કે, પ્લાસ્ટિકનો ઉપયોગ અન્ય કોઈ પણ મટિરિયલ્સ કરતાં ખૂબ ઝડપથી થઈ રહ્યો છે અને જો આ રીતે જ તેની ઝડપ રહે તો 2050ના વર્ષ સુધી તેનું ઉત્પાદન 1100 મિલિયન ટન્સ સુધી પહોંચી જશે.

તેમાંથી ઉપયોગમાં લેવાયા પછી 85% પ્લાસ્ટિકનો રિયુઝ થતો નથી અને તેને જમીન પર ફેંકી દેવાય છે. વન ટાઇમ યુઝ પ્લાસ્ટિકનું ઉત્પાદન મહંદશે કુદરતી બળતણના ઉપયોગથી થાય છે. એ રીતે પ્લાસ્ટિકથી બેવડું નુકસાન થઈ રહ્યું છે. આ સિવાય ફૂડ પેકિંગમાં પ્લાસ્ટિક આવવાથી પ્લાસ્ટિક સૂક્ષ્મ રીતે હ્યુમન બોડીમાં પણ પ્રવેશી રહ્યું છે. પ્લાસ્ટિકનો કોઈ રીતે નાશ થતો નથી અને જો તેને બાળીને નાશ કરવામાં આવે તો તે ફરી નુકસાન કરે છે. આમ પ્લાસ્ટિક ઉપયોગ કોઈ રીતે હિતાવહ ક્યારેય નહોતો, પણ તેનાથી જ આપણે વર્ષોથી બિઝનેસ ઊભા કર્યા અને તેને રોજિંદા જીવનમાં મસમોટી જગ્યા કરી આપી, જેથી આજે તે પ્લાસ્ટિકને દૂર કરવાનું મુશ્કેલ લાગી રહ્યું છે.

પ્લાસ્ટિકના પ્રતિબંધનો વિષય પ્રદૂષણ સંબંધિત છે તેમ છતાં તેમાં અનેક પાસાં જોડાયેલા છે તેથી તેમાં નિષ્ણાતો શું કહી રહ્યા છે તે જાણવું રહ્યું. ‘સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયર્મેન્ટ’ના ડિરેક્ટર સુનિતા નારાયણ, જેઓ ભારતમાં પર્યાવરણની જાગ્રતિનું વ્યાપક કાર્ય કરી ચૂક્યા છે તેમનું કહેવું છે કે, હાલમાં જે પ્રતિબંધ લાદવામાં આવ્યો છે તે ખૂબ મર્યાદિત છે. સેન્ટ્રલ પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડના તાજેતરના રિપોર્ટમાં જણાવ્યા મુજબ દેશના 25 રાજ્યોમાં પ્લાસ્ટિકની કેરી બેગ્સ પર પ્રતિબંધ છે. તેમ છતાં તેનો અમલ આપણે જોતાં નથી. હાલમાં પણ વન ટાઇમ પ્લાસ્ટિક પ્રતિબંધની યાદી સરકારે બહાર પાડી છે તે પૂરતી નથી. તેમાં મલ્ટીલેયર્ડ પેકેજિંગને પણ સમાવવા જોઈએ.

આવી અનેક મુશ્કેલીઓ, અભિપ્રાયો, વિરોધ અને સંમતિ વચ્ચે વન ટાઇમ પ્લાસ્ટિક પ્રતિબંધ લાગુ થઈ ચૂક્યો છે. હવે જોવું રહ્યું કે આ પ્રતિબંધ કહેવા પૂરતો છે કે તેનો અમલ ખરેખર ગ્રાઉન્ડ લેવલ પર થાય છે અને સૌથી અગત્યની વાત તો એ છે કે પ્લાસ્ટિકના નુકસાન આરંભથી જ જગજાહેર હતા, તેમ છતાં પ્લાસ્ટિકનો ઉપયોગ બિન્દાસ થતો રહ્યો. હવે તેને ઉપયોગમાંથી બહાર કાઢવા માટેની મુશ્કેલી તેની ઉપયોગિતા કરતાં અનેક ગણી વધુ છે.

Most Popular

To Top