SURAT

સુરત મનપામાં આસિસ્ટન્ટ મેનેજરની નવી 18 કાયમી જગ્યા ઉભી કરાશે

સુરત: સુરત મનપા(Surat Municipal Corporation)ના મહેકમ માળખામાં વરસોથી ચાલી આવતી ઘણી સિસ્ટમો બદલવામાં આવી રહી છે. ત્યારે હવે વિવિધ ઝોનના વડા કે વિભાગીય વડાઓ તેમજ સેકશન ઓફિસર વચ્ચે કડી રૂપ બની રહે તે રીતે આસિસ્ટન્ટ મેનેજર(Assistant Manager)ની 18 નવી જગ્યા કાયમી ધોરણે ઉપસ્થિત કરવા માટે વહીવટીતંત્ર દ્વારા સ્થાયી સમક્ષ દરખાસ્ત રજૂ થઈ છે.

વિવિધ વિભાગો અને ઝોનની જરૂરિયાત ધ્યાને રાખી નિર્ણય લેવાયો
વહીવટીતંત્ર દ્વારા આસિસ્ટન્ટ મેનેજરની લાયકાત અને પગાર ધોરણ નક્કી કરવા માટે પણ સ્થાયી સમિતિ સમક્ષની મુકેલી દરખાસ્તમાં વિવરણ મુકયુ છે. વિવિધ વિભાગમાં ફરજ બજાવતા સ્ટાફ માટે મહેકમ અને તેની આનુસાંગિક કામગીરી માટે સેક્શન ઓફિસરની વધુ એક જગ્યા ઉપસ્થિત કરવા માટે પણ વિભાગે ભલામણ કરી છે. કેમકે હાલમાં એક સેકશન ઓફિસર હોય છે જેના પર ભારણ વધી રહ્યું છે. વળી તાત્કાલિક નિર્ણયો લેવાની જરૂરિયાત ઉભી થાય છે. તેવા સંજોગોમાં સેકશન ઓફિસર નિર્ણયો લઇ શકતા નથી. આ પ્રકારના નિર્ણયો લઇ શકાય તે હેતુથી ખાતાકીય વ અને સેકશન ઓફિસરની કેર વચ્ચે એક નવી કેડર ઊભી કરવા વિભાગ દ્વારા ભલામણ કરવામાં આવી છે. જેથી ખાતાકીય વડા અને સેકશન ઓફિસરનો કાર્યભાર ઓછો થાય. વિભાગ દ્વારા આ વધારાની કેડર ‘આસિસ્ટન્ટ મેનેજર’ની હાલ મંજૂર સેકશન ઓફિસરની જગ્યાના 20 ટકા લેખ જગ્યા કાયમી ધોરણે ઉપસ્થિત કરવા ભલામણ કરી છે. સેકશન ઓફિસરની કુલ 91 જગ્યા પૈકી 20 ટકા એટલે કે 18 જગ્યા ઉપસ્થિત કરવામાં આવશે. ભવિષ્યમાં સેકશન ઓફિસરોની હાલ મંજૂર મહેકમની તુલનામાં જગ્યામાં વધારો થાય તો 20 ટકા લેખે આસિસ્ટન્ટ મેનેજરની જગ્યા પણ વધશે. કોઈપણ વિદ્યાપીઠના સ્નાતક અને અનુસ્નાતક હોય તેવા ઉમેદવાર આ પોસ્ટ માટે લાયક ઠરી શકશે.

ત્રીજી શ્રેણી ક્લાર્ક માટે લાયકાત સુધારવા દરખાસ્ત
ત્રીજી શ્રેણી ક્લાર્ક માટેની શૈક્ષણિક લાયકાતની જેમ હવે સેક્શન ઓફિસરની ભરતી માટેની લાયકાતમાં પણ ‘માન્ય વિદ્યાપીઠના કોઈપણ શાખાના સ્નાતક, મનપામાં કારકૂન કેડરમાં ઓછામાં ઓછી 12 વર્ષની નોકરી/ કામગીરીનો અનુભવ’નો ઉલ્લેખ કરવા માટે વિભાગ દ્વારા સ્થાયી સમિતિ સમક્ષ દરખાસ્ત રજૂ કરી છે. હાલ સેકશન ઓફિસર માટેની લાયકાતમાં ‘કારકૂન કેડરમાં કામ કરતા કર્મચારીઓમાંથી વાણિજ્ય, વિનયન કે વિજ્ઞાન શાખા પૈકી કોઈપણ વિદ્યાશાખાના સ્નાતક, કારકૂન કેડરમાં ઓછામાં ઓછી ૧૨ વર્ષની નોકરીનો અનુભવ જરૂરી, એલએસજીબી પરીક્ષા પાસ હોય તેને પસંદગીમાં અગ્રિમતા’ તેવો ઠરાવ સામાન્ય સભાના ઠરાવનં. 81/1996થી કરવામાં આવ્યો હતો. જ્યારે સામાન્ય સભાના ઠરાવ નં. 4 2002થી ત્રીજી શ્રેણી ક્લાર્કની લાયકાતમાં ‘કોઈપણ શાખાનો સ્નાતક’ એવો શબ્દ લખવામાં આવ્યો છે. આ શાબ્દિક વિસંગતતા દૂર કરવા માટે સેકશન ઓફિસરની નિયત લાયકાતમાં સુધારો કરવા વિભાગ દ્વારા ભલામણ કરવામાં આવી છે.

Most Popular

To Top