એક દિવસ દાદા અને દાદી સાથે ઘરનાં બધાં સભ્યો વાતો કરતાં બેઠાં હતાં અને વાતનો વિષય હતો દાદા દાદીની ૬૫ મી લગ્ન તિથિ કઈ રીતે ઉજવવી.બધાં નવા નવા વિચારો રજૂ કરી રહ્યાં હતાં ત્યારે જેન્ઝી ગણાતા પૌત્રે પૂછ્યું, ‘‘દાદા દાદી, આટલાં બધાં વર્ષોનો લાંબો સંબંધ તમે આ સંબંધ ટકાવ્યો કઈ રીતે? કયારેય ઝઘડો ન થયો? ક્યારેય એકમેકથી કંટાળો ન આવ્યો?’’ આવો પ્રશ્ન સાંભળી બધાં ચૂપ થઈ ગયાં. કોઈકના મનમાં થયું દાદા દાદીને માઠું ન લાગે તો સારું…ત્યાં તો દાદા હસ્યા અને બોલ્યા, ‘‘દીકરા, સંબંધની રેશમ ગાંઠ ટકાવવા માટે શું જરૂરી છે ખબર છે?’’
પૌત્રે કહ્યું, ‘‘દાદા, અમુક બાબતો મળવી જોઈએ આવડત, પૈસા ,ઉંમર, ક્વોલિફિકેશન, શોખ આ બધું એકસરખું હોય તો સંબંધ લાંબો ટકે…’’ દાદી હસ્યાં અને બોલ્યાં, ‘‘એમ તો અમારે કોઈ બાબતમાં મેળ નથી. તારા દાદા વકીલ અને હું ચાર ચોપડી ભણેલી…તારા દાદા મારાથી ૧૨ વર્ષ મોટા …દાદાને પુસ્તક વાંચવાનો શોખ અને મને ફિલ્મ જોવાનો…તેઓ અદાલતમાં કામ કરે અને હું ઘરમાં રસોઈ… પૈસા તો તેઓ જે આપે તે જ …બોલ અમારે તો કોઈ વાતે મેળ નથી છતાં સંબંધ મજબૂત છે.’’ દાદીની વાત સાંભળી બધાને હવે જાણવામાં રસ પડ્યો કે જો આમ કોઈ બાબતે મેળ ન હોય તો સંબંધ આટલો લાંબો કઈ રીતે ટક્યો હશે?
પૌત્રીએ પૂછ્યું, ‘‘દાદી, તો પછી આટલા મજબૂત સંબંધનું રહસ્ય શું?’’
દાદાએ કહ્યું, ‘‘સૌથી જરૂરી છે ‘સમજદારી’ અને ‘એક મેક પર વિશ્વાસ’ અને એથી વધુ જરૂરી છે એક બીજાને આપેલા વચનને છેલ્લા શ્વાસ સુધી નિભાવવાની તૈયારી. તમારી ભાષમાં કહું તો ‘અનકન્ડીશનલ કમીટમેન્ટ.’’ દાદી બોલ્યાં, ‘‘એકમેકને સમજી લઈને સાથ આપવાની તૈયારી હોવી સૌથી વધારે જરૂરી છે.કોઇ પણ વાત ન ગમે તો પણ સમજવાની અને સ્વીકારવાની તૈયારી હોવી જોઈએ.તારા દાદા પુસ્તક વાંચવામાં એવા ખોવાઈ જતા કે મને ભૂલી જાય તો હું રિસાઈ ન જાઉં કારણ મને ખબર હતી કે તેઓ દર મહિને પોતાને કંટાળો આવે કે સમય ન હોય છતાં મને ફિલ્મોનો શોખ છે એટલે ફિલ્મ જોવા આવે છે.આમ દરેક બાબતે એકમેકને સમજવાં અને જાળવવાં જરૂરી છે.’’
દાદાએ કહ્યું, ‘‘આ માત્ર મારા અને દાદીની સમજ અને સંબંધની વાત નથી. આ વાત દરેક સંબંધ પછી તે દોસ્તીનો હોય,પ્રેમનો હોય, લોહીનો હોય કે કામકાજી હોય, દરેક સંબંધની સફળતા માટે આવડત કે લાયકાત કે પૈસા કે શોખ એકસરખા હોવા જરૂરી નથી. સંબંધ લાંબા ટકાવવા માટે એકમેક સાથે સંબંધ નિભાવવાની અને જાળવવાની જવાબદારી અને સમજ હોવી જરૂરી છે.’’ દાદા દાદીએ સુંદર સમજ આપી.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.