Dakshin Gujarat

નવસારીમાં 5મે સુધી રાત્રે 8 થી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂ

નવસારી: (Navsari) રાજ્ય સરકારે આજે બહાર પાડેલા પરિપત્ર મુજબ રાજ્યના 29 શહેરોમાં રાત્રી કરફ્યુ (Night Curfew) લાદવાની જાહેરાત કરી છે. આ શહેરો પૈકી નવસારીમાં પણ 28મી એપ્રિલની રાત્રે 8 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી રાત્રી કરફ્યુ રહેશે. જો કે ગુંચવાડો એ પેદા થયો છે કે આ રાત્રી કરફ્યુ ફક્ત નવસારી શહેર પૂરતો છે કે નવી નગર પાલિકા નવસારી અને વિજલપોર પાલિકા હેઠળના વિજલપોર શહેર માટે પણ લાગુ થશે ?

કોરોનાના કેસોમાં સતત વધારો થતો રહે છે. એ સંજોગોમાં નવસારીમાં છેલ્લા કેટલાક દિવસોથી સ્વૈચ્છિક બંધ પળાય છે. બપોરે 2 વાગ્યાથી બજાર બંધ થઇ જાય છે અને તેનો જડબેસલાક અમલ પણ થાય છે. પરંતુ હવે રાજ્ય સરકારે 28 એપ્રિલથી રાજ્યના 29 શહેરોમાં રાત્રી કરફ્યુ લાદવાની જાહેરાત કરી છે. આ જાહેરાત મુજબ નવસારી શહેરમાં પણ રાત્રી કરફ્યુ લાદવામાં આવશે. જો કે કેટલીક અવઢવ એ વાતની છે કે આ રાત્રી કરફ્યુ ફક્ત નવસારી શહેરમાં લાગુ થશે કે વિજલપોર શહેરમાં પણ લાગુ પડશે એ અંગે કોઇ સ્પષ્ટતા થઇ નથી. આ રાત્રી કરફ્યુ 5 મે 2021 સુધી લાગુ રહેશે.

રાત્રી દરમ્યાન કોઇ લગ્ન સમારોહ યોજી શકાશે નહીં
રાત્રી કરફ્યુ દરમ્યાન આવશ્યક સેવાઓ ચાલુ રહેશે. બિમાર વ્યક્તિ, સગર્ભાઓ અને અશક્ત વ્યક્તિઓને સારવાર માટે સહાયક સાથે અવરજવર કરવાની છુટ મળશે. ઉપરાંત મુસાફરોને પણ તેમના ડેસ્ટીનેશને જવાની મંજુરી ટીકીટ દેખાડ્યેથી મળશે. જો કે રાત્રી દરમ્યાન કોઇ લગ્ન (Marriage) સમારોહ યોજી શકાશે નહીં. અનિવાર્ય સંજોગોમાં બહાર નીકળેલા વ્યક્તિએ તેમનું ઓળખપત્ર, ડોક્ટરનું પ્રિસ્ક્રિપ્શન, સારવારને લગતા કાગળો અને અન્ય પુરાવા રજુ કરવાથી અવરજવરની પરવાનગી અપાશે.

બાગ- મનોરંજનના સ્થળો, લારી, ગલ્લા, કોચિંગ સેન્ટરો ચલાવી શકાશે નહીં
રાત્રી કરફ્યુ દરમ્યાન વાણિજ્યિક પ્રવૃત્તિઓ કરી શકાશે નહીં. દુકાન, શોપિંગ કોમ્પલેક્ષ, થિયેટરો, ઓડિટોરિયમ, બાગ- મનોરંજનના સ્થળો, લારી, ગલ્લા, કોચિંગ સેન્ટરો. શૈક્ષણિક સંસ્થાઓ રાત્રી કરફ્યુ દરમ્યાન ચાલુ રાખી શકાશે નહીં. તમામ માર્કેટીંગ યાર્ડ તથા તમામ માર્કેટ પણ આ સમય દરમ્યાન બંધ રહેશે. જો કે એપીએમસીમાં શાકભાજી કે ફળફળાદીનું ખરીદ વેચાણ ચાલુ રહેશે. કોવિડ ગાઇડલાઇનનું પાલન કરવાનું રહેશે. જો કે લગ્ન માટે ખુલ્લા કે બંધ સ્થળોએ 50 વ્યકિતઓને મંજુરી રહેશે.

Most Popular

To Top