Dakshin Gujarat

નવસારી જિલ્લાના 10.78 લાખ મતદારો ચાર વિધાનસભાના ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે

નવસારી : નવસારી (Navsari) જિલ્લામાં ચાર વિધાનસભાની ચૂંટણીમાં (Election) ભાજપ (BJP), કોંગ્રેસ (Congress) અને આપ (AAP) પાર્ટીના ઉમેદવારો વચ્ચે ત્રિપાંખિયો જંગ ખેલાવાની સંભાવના રહી હતી. રાજકીય પક્ષોએ વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારો જાહેર કરતાની સાથે જ ઉમેદવારો મતદારોને રીઝવવા માટે ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો હતો. જિલ્લામાં ઉમેદવારોએ બાઈક રેલી, રોડ શો અને રાત્રી સભાઓ કરી જીતાડવા માટે અપીલ કરી હતી. જોકે ગતરોજ સાંજથી ચારેય વિધાનસભા બેઠક પર પ્રચારના પડઘમ શાંત થઇ ગયા હતા.

ગુરૂવારે વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ તબક્કાની ચૂંટણીનું મતદાન થવા જઈ રહ્યું છે. જેમાં નવસારી જિલ્લાની 174-જલાલપોર, 175-નવસારી, 176-ગણદેવી અને 177-વાંસદા વિધાનસભાની ચૂંટણીનું મતદાન થવા જઈ રહ્યું છે. ત્યારે બુધવારે ચારેય વિધાનસભાના મતદાન મથકો પર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કર્મચારીઓની વહેચણી અને ઈવીએમ મશીનની વહેંચણીની કામગીરી શરૂ કરવામાં આવી છે. નવસારી જિલ્લા ચૂંટણી સ્ટાફે ઈવીએમ અને વિવિપેટ મતદાન મથક ઉપર મોકલવાની તજવીજ હાથ ધરી છે. નવસારી જિલ્લામાં ચારેય વિધાનસભાઓમાં રીસીવિંગ તેમજ ડિસ્પેચિંગ સ્ટાફની તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.

નવસારી જિલ્લામાં કુલ ચાર વિધાનસભા મતવિસ્તારમાં 5,38,876 પુરૂષ મતદારો, 5,39,346 મહિલા મતદારો તેમજ અન્ય 38 મતદાર મળીને કુલ 10,78,260 મતદારો નોંધાયેલા છે. જિલ્લામાં કુલ 11,974 દિવ્યાંગ મતદારોની સંખ્યા છે. નવસારી જિલ્લામાં આ ચૂંટણીમાં કુલ 1147 મતદાન મથક પૈકી 28 મતદાન મથકો સંપૂર્ણ મહિલા કર્મચારીઓ સંચાલિત સખી મતદાન મથક છે. તેમજ 4 મતદાન મથકો સંપૂર્ણ દિવ્યાંગ કર્મચારીઓ સંચાલિત છે. જ્યારે 4 મતદાન મથકો મોડેલ પોલીંગ સ્ટેશન, 4 મતદાન મથકો ગ્રીન પોલીંગ સ્ટેશન, 1 મતદાન મથક સમસ્ત યુવા કર્મચારીઓ દ્વારા સંચાલિત છે. ત્યારે નવસારી જિલ્લાના 10.78 લાખ મતદારો ચારેય વિધાનસભા બેઠકના ઉમેદવારોનું ભાવિ નક્કી કરી મતદાન કરશે. આગામી 8મી ડિસેમ્બરે મતદારો ક્યાં ઉમેદવારને વિજેતા બનાવે તે જાહેર કરાશે.

1147 મતદાન મથકો 120.1 ટકા સ્ટાફ ફરજ બજાવશે
નવસારી જિલ્લાના 4 વિધાનસભામાં 1147 મતદાન મથકો નોંધાયા છે. જે મતદાન મથકો પર 120.1 ટકા ફરજ બજાવશે. જેમાં 2757 પુરૂષ કર્મચારીઓ અને 2751 સ્ત્રી કર્મચારીઓ તેમજ 913 પટાવાળા ફરજ બજાવશે.

Most Popular

To Top