Dakshin Gujarat

ઉમરગામ વિધાનસભા બેઠક માટે 278 બુથ ઉપર મતદાન

ઉમરગામ : 182-ઉમરગામ વિધાનસભા બેઠક માટે આજે 278 બુથો ઉપર મતદાન (Voting) થશે. જે માટેની તમામ તૈયારીઓ સાથે વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. શાંતિપૂર્ણ મતદાન કરાવવા પૂરતો પોલીસ (Police) બંદોબસ્ત ગોઠવવામાં આવશે. ગુજરાત (Gujarat) વિધાનસભાની પહેલા તબક્કાની ચૂંટણીમાં સમાવેશ એવી 182-ઉમરગામ વિધાનસભાની બેઠક માટે આજે પહેલી ડિસેમ્બર ને ગુરુવારે મતદાન થશે. આ બેઠક ઉપર પુરુષ મતદારો 1,51,902 અને સ્ત્રી મતદારો 1,33,493 મળી કુલ મતદારો 2,85,395 છે અને કુલ 278 બુથો છે. બુથો ઉપર પ્રિસાઇડિંગ ઓફિસર, આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઓફિસર પોલિંગ ઓફિસર, પટાવાળા સહિતનો સ્ટાફ ફરજ બજાવશે. આ વિધાનસભા બેઠક ઉપર 9 મતદાન મથકો અતિસંવેદનશીલ અને 48 મતદાન મથકો સંવેદનશીલ છે.

આ બુથો ઉપર પોલીસ સહિત પેરા મિલાટ્રી ફોર્સનો ખાસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે. ક્વીક રિસ્પોન્સ ટીમ ઉમરગામ શહેર, ભીલાડ, માંડા, ગ્રામ પંચાયત અને વાપી ડુંગરા ખાતે હાજર રહેશે. 28 જણાનો રિઝવ સ્ટાફ પણ રાખવામાં આવ્યો છે. ઉમરગામ વિધાનસભા બેઠક ઉપર પૂર્વ મંત્રી ભાજપના ઉમેદવાર રમણલાલ પાટકર, કોંગ્રેસના ઉમેદવાર નરેશભાઈ વળવી, આમ આદમી પાર્ટીના ઉમેદવાર અશોકભાઈ પટેલ સહિત કુલ છ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે.

ખેરગામ તાલુકામાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન માટે વ્યવસ્થા ગોઠવાઈ
ખેરગામ : ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણીનું આજે મતદાન થઈ રહ્યું છે, ત્યારે ગણદેવી અને વાંસદા બે વિધાનસભા વચ્ચે વહેંચાયેલા ખેરગામ તાલુકામાં ગુરુવારે થનાર મતદાન દરમ્યાન કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ જવાનોનો કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. બપોરથી પોલીસ જવાનો, હોમગાર્ડ, ટીઆરબી, જીઆરડી સહિતના પોલીસ જવાનને કામગીરી સોંપી પોતાના સ્થળ ઉપર રવાના કરાયા હતા. ખેરગામ પોલીસ મથકના કાર્યક્ષેત્રમાં ગણદેવી વિધાનસભામાં 40 બિલ્ડીંગ અને 57 જેટલા બુથ આવે છે, જ્યારે વાંસદા વિધાનસભા બેઠકમાં 34 બિલ્ડીંગ અને 54 જેટલા બુથ સમાયેલા છે. આમ કુલ 74 બિલ્ડિંગમાં 111 બુથ ઉપર આજે સમગ્ર ચૂંટણી સ્ટાફ તેમજ પોલીસ જવાનો ચૂંટણીની જરૂરી કામગીરીમાં જોતરાય પોતાના બુથ સાંભળી લીધા હતા. ગુરુવારે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થાય તેના માટે જરૂરી આયોજન કરાયું હતું.

આ બાબતે ખેરગામ પોલીસ મથકના પીએસઆઇ વિજયસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે કાર્યક્ષેત્રમાં 111 બુથ પૈકી 10 બિલ્ડિંગમાં 13 બુથમાં ખેરગામ કુમાર- કન્યાશાળાનુ એક એક બુથ, વડપાડા એક અને રૂમલાના સાત મતદાન સંવેદનશીલ જાહેર થયેલા છે. બહારના જિલ્લામાંથી આવેલી પોલીસ જ તમામ બુથ બિલ્ડીંગનો ચાર્જ સાંભળશે, જ્યારે લોકલ સ્ટાફ પેટ્રોલિંગ સહિતની કામગીરી કરશે. ચૂંટણી માટે ખેરગામનો 60 પોલીસ સ્ટાફ તેમજ 225 પોલીસ, જીઆરડી, ટીઆરબી, હોમગાર્ડ અને 200 જેટલા એસઆરપી આજે શાંતિપૂર્ણ મતદાન થાય તે માટે સેવા આપી રહ્યા છે.

Most Popular

To Top