Dakshin Gujarat

નવસારીમાં પારસી સમાજ ઉજવશે શ્રી રામનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

નવસારી: (Navsari) આગામી 22મી જાન્યુઆરીએ શ્રીરામ ભગવાનના રામમંદિરમાં (Ram Mandir) પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે નવસારીમાં પારસી સમાજ (Parsi Society) પાક આતશ બહેરામમાં જશ્ન તેમજ માચી અર્પણ કરી ઉત્સવની ઉજવણી કરશે.

શ્રીરામ હિન્દુઓના સર્વોચ્ચ સ્થાને પામેલા આરાધ્ય દેવ છે. જેણે ભગવાન શ્રીરામના નામે પૂજવામાં આવે છે. રામમંદિરનો વિવાદ સમી ગયો અને અયોધ્યામાં ભવ રામમંદિર આકાર પામ્યું છે. જેને પારસીઓ આદર પૂર્વક આવકારે છે. જેથી આગામી 22મી જાન્યુઆરીએ અયોધ્યા ખાતે ભગવાન શ્રીરામના રામમંદિરનું ઉદ્ઘાટન થશે. જે રીતે આખા ભારતમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તેમાં પારસીઓ ઉત્સાહપૂર્વક આ પ્રસંગને ઉજવવા માટે ઉત્સુક છે. આગામી 22મી જાન્યુઆરીના રોજ ભારતભરના પારસી ધર્મસ્થાનોમાં દિવા-બત્તી થશે. પારસીઓના ધર્મગુરુઓ આ પ્રસંગે ખુશાલીનું જશ્ન નામની ધાર્મિક વિધિ કરશે તથા આ ભવ્ય મંદિરની સ્થાપનાને આવકાર આપશે.

ચીખલી તાલુકામાં અનેકવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન
ઘેજ : આગામી ૨૨-જાન્યુઆરીના રોજ અયોધ્યામાં ભગવાન શ્રી રામ લલ્લાની મૂર્તિના નવનિર્મિત ભવ્ય મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની દિવસે ચીખલીમાં નેશનલ ક્રિકેટ ગ્રાઉન્ડ વીએચપી, બજરંગ દળ સહિતના સંગઠનો દ્વારા આયોજિત કાર્યક્રમમાં સવારે દસ કલાકે સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભગવાન શ્રી રામ પર આધારિત કૃતિઓ બાળકો દ્વારા રજૂ કરવામાં આવશે. આ સાથે સંતો, કથાકારો, ધર્મચાર્યોના પ્રવચન સાથે ૧૯૯૨ માં કારસેવામાં જોડાયેલા કાર સેવકોનું સન્માન પણ કરવામાં આવશે. સાથે અયોધ્યાના કાર્યક્રમનું મોટા એલઇડી સ્ક્રીન પર લાઈવ પ્રસારણ પણ થનાર છે. બપોરે મહાપ્રસાદ પણ યોજાશે. ઉપરાંત ચીખલીના વાણિયાવાડ સ્થિત શ્રી રામજી મંદિરે હવન પૂજા અને મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

કુકેરી ગામે શ્રી ભુવનેશ્વર મહાદેવજીના મંદીરે પાંચ કલાકની અખંડ ધૂન, મહાઆરતી અને મહાપ્રસાદ યોજાશે. ધોળીકુવા સ્થિત રામેશ્વર મહાદેવજીના મંદિરેથી ભગવાન શ્રી રામ, લક્ષ્મણ, સીતામાતાની શણગારેલા રથમાં શોભાયાત્રા ડી જે સંગીતના તાલે નીકળશે અને રામ ભક્તો જોડાશે. સાદકપોરમાં પણ રામજી મંદિરે કાર્યક્રમનું આયોજન કરાયું છે. ઘેજ ગામે વાંઝરી ફળીયામાં સાંઢપાડા સ્થિત મેદાન પર સાંજે પૂજા અને મહાપ્રસાદ તથા હનુમાનજીના મંદિરેથી વિશાળ શોભાયાત્રાની પણ તૈયારી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત તાલુકાના રૂમલા, મોગરાવાડી સહિત અનેક ગામોમાં ભગવાન શ્રી રામ લલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને અનેકવિધ ધાર્મિક આયોજનો કરાતા સમગ્ર તાલુકો રામમય બનવા પામ્યો છે.

Most Popular

To Top