Comments

ગુજરાતના નવા મુખ્યમંત્રીનું નામકરણઃ ભયભીત કોણ? ભાજપ કે આમઆદમી?

ઠેર ઠેર ચાલી રહેલી ત્રિરંગાયાત્રાને પગલે ગુજરાત ત્રણ ત્રણ રંગે રંગાઇ રહ્યું છે. કેસરી રંગ ભાજપનો અને લીલો રંગ કોંગ્રેસનો માનીએ તો પણ વચમાં સફેદ રંગ છે. કેજરીવાલની આમઆદમી પાર્ટીવાળા પણ સફેદ ટોપીઓ પહેરીને દૃષ્ટિગોચર થાય છે. અરવિંદ કેજરીવાલે જાણે ગુજરાતનો ગઢ જીતવાનું ઠાની લીધું હોય એમ જાતભાતની વાતો લઇને અઠવાડિયે ને અઠવાડિયે ગુજરાતના પ્રવાસો ખેડી રહ્યા છે. ભાજપની સામે જાતભાતના પેંતરાઓ અજમાવવા જઇ રહ્યા છે. હમણાં એમણે સીધો વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સામે એક જોરદાર ગોળો ગબડાવ્યો. શું એ સાચું છે કે અમિત શાહને ગુજરાતની વિધાનસભાની આગામી ચૂંટણીમાં મુખ્ય મંત્રીપદનો ચહેરો બનાવવાનું ભાજપ વિચારી રહ્યો છે? – એવી વાત ઉડાડીને વિવાદનો નવો મધપૂડો છંછેડવાનો પ્રયાસ કર્યો છે.

જે પાર્ટી કે જે નેતા રાજ્યની ચૂંટણીમાં કાઠું કાઢવાના મકસદનો હોય એ સામી ચૂંટણીએ આવા ગોળા ગબડાવે ખરો? સુજ્ઞ લોકોને વિચારતા કરી મૂકે એવી આ વાત છે. હજુ ચૂંટણીના નગારે ઘા ઝીંકાયો નથી, ત્યાં આવી વાત કરવા પાછળનો એમનો ઇરાદો શું લાગે છે? તેઓ જે રીતે ગુજરાતમાં રાજકીય ભેલાણ કરવા માગે છે અને એમાં અત્યાર સુધીની સ્થિતિએ પ્રજામાં, મીડિયામાં કે રાજકીય વર્તુળોમાં તેઓ જોઇએ એવા ક્લિક થઇ રહ્યા નથી, ત્યારે (નાહકની) ચર્ચામાં રહેવાના ઇરાદા માત્રથી આવા ગોળા ગબડાવવામાં આવી રહ્યા હોવાની પ્રાથમિક રીતે છાપ ઉપસી રહી છે. પોતાના મિશનમાં સફળ થઇ રહેલા વ્યક્તિએ આવાં કોઇ ગતકડાં કરવાની જરૂર હોતી નથી એ વાત સર્વવિદિત છે.

સફળતા ભણી આગળ વધી રહેલી વ્યક્તિ પોતાની રીતે ગતિમય રહેતી હોય છે. આડાં અવળાં આવાં ફાંફાં મારવાની એને જરૂર હોતી નથી. કેજરીવાલ આજકાલ બહુ ફાંફાં મારે છે એ શું દર્શાવે છે? એ સુપેરે જાણે પણ છે કે હું આવી વાત કરીશ તો ભાજપ એટલે કે નરેન્દ્ર મોદી એ રીતે કદી વર્તવાના નથી. એ ક્યારે કેવો નિર્ણય કરે એનું કોઇ કરતાં કોઇ અનુમાન કરી શકે એમ નથી. છતાં આવાં અટકચાળાં એમની સાયકોલોજિકલ ડિસ્ટર્બ સ્થિતિ દર્શાવે છે.

આવાં અનેક ઉચ્ચારો કરવા માટે કેજરીવાલ અને એમની પાર્ટી સુવિખ્યાત છે. કેજરીવાલ એન્ડ પાર્ટીના આવા કંઇક દાવા ભૂતકાળમાં ખોટા પણ પડેલા છે. ગુજરાતમાં વહેલી ચૂંટણી થશે એવી વાત કેજરીવાલે કરી હતી, જે સાવ ખોટી પુરવાર થઇ રહી છે. હાલની સ્થિતિએ તો લાગે છે કે રાજ્ય વિધાનસભાની ચૂંટણી સમયસર જ થશે. ભલે એવું કહેવાતું હોય કે દિવાળી પછી નવા વર્ષમાં વિધાનસભા ભંગ કરવાની જાહેરાત થશે અને નવેમ્બરમાં જ ચૂંટણી થશે. પરંતુ સત્તાધારી પક્ષને હાલમાં તેની કોઇ ઉતાવળ હોય એવું લાગતું નથી. જ્યાં સુધી કેજરીવાલની પાર્ટીના આવા જુમલાઓની વાત છે, તો ગયા માર્ચ મહિનામાં કેજરીવાલે એવું ટ્વિટ કર્યું હતું કે શું લક્ષદીપના એડમિનિસ્ટ્રેટર પ્રફુલ્લભાઇ પટેલને દિલ્હીના નવા લેફ્ટેનન્ટ ગવર્નર બનાવવામાં આવી રહ્યા છે?

ગયા એપ્રિલ મહિનામાં કેજરીવાલના પહેલા આસિસ્ટન્ટ મનિષ સિસોદિયાએ એવો ગોળો ગબડાવ્યો હતો કે કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરને  હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી પદે બેસાડવામાં આવી રહ્યા છે. ગોવાની વિધાનસભાની ચૂંટણી વખતે પણ સિસોદિયાએ ગોવાના મુખ્યમંત્રી પ્રમેદ સાવંતને ખસેડવામાં આવી રહ્યા હોવાનું કહ્યું હતું.આ બધું ખોટું પુરવાર થયું. આમ છતાં કેજરીવાલ અમિત શાહવાળું ગતકડું શા માટે કરી રહ્યા છે એ ખુદ ઘણા બધા ભાજપવાળાઓને પણ સમજાય નહીં એવું છે. આમેય કેજરીવાલનું રાજકીય કેરેક્ટર કંઇક લોકો સમજી ન શકે એવું છે. એટલે જ ભાજપનાં વર્તુળોમાં મુંગેરીલાલનાં હસીન સપનાંની પેલી ઉક્તિ આજકાલ વધુ બોલાઇ રહી છે. જ્યાં સુધી અમિત શાહવાળી વાતનો સવાલ છે, કેજરીવાલનાં નિવેદનોને કોઇ ગંભીરતાથી લેતું નથી ને હવે ભવિષ્યમાં પણ લેશે નહીં એવું લાગી રહ્યું છે. સવાલ એ છે કે કેજરીવાલ આવું શા માટે કરે છે? આના પછી હવે તો લાગી રહ્યું છે કે અમિતભાઇ બમણા જોરથી ગુજરાતની ચૂંટણીમાં ખાબકશે. કેજરીવાલને વધુ ટાર્ગેટ પણ કરી શકે છે.

આમઆદમી પાર્ટીએ હમણાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે પોતાના 10 ઉમેદવારોનાં નામો જાહેર કર્યાં. જોવાની વાત એ છે કે એમણે જે કોઇ પહેલ કરી હશે, પણ એની જોઇએ એવી ને એટલી નોંધ ન મીડિયામાં લેવાઇ કે ન રાજકીય વર્તુળોમાં પણ લેવાઇ. એનું કારણ એ છે કે આમઆદમી પાર્ટીને અત્યાર સુધીની સ્થિતિએ ગુજરાતમાં બહુ સિરીયસલી લેવાતી નથી. રાજકીય રીતે સફળ થવાના પણ કેટલાક પરંપરાગત માપદંડો હોય છે. એમાંનો એક માપદંડ પણ જે તે વ્યક્તિ કે પાર્ટીની આ પ્રકારે લેવાતી નોંધ પણ ગણવામાં આવે છે.

હમણાં સર્જાયેલા બોટાદ-બરવાળાના લઠ્ઠાકાંડનો રાજકીય લાભ લેવાની આમઆદમી પાર્ટીએ ઘણી કોશિશ કરી. ખુદ કેજરીવાલ લઠ્ઠો પીનારા દારૂડિયાઓની ખબર કાઢવા છેક ભાવનગરની સિવિલ હોસ્પિટલમાં પણ આંટો દઇ આવ્યા, પણ આમઆદમી પાર્ટીની કોઇ દાઢ ગળી હોવાનું લાગ્યું નહીં. લઠ્ઠાકાંડ કે કેમિકલકાંડનો વિવાદ એકાદ બે દિવસ ચગ્યો, પણ પછી બધું જાણે લઠ્ઠામાં પડી ગયું હોય એમ ઠરી ગયું. દારૂડિયા લોકોનો જાણે પક્ષ લેવાતો હોવાની છાપ ઉપસવા લાગતાં  કેજરીવાલની પાર્ટી અને કોંગ્રેસ બંનેય આ લઠ્ઠાકાંડના મામલે બેકફૂટ થઇ ગયા.

કેજરીવાલની કેટલી રાજકીય પહોંચ છે, તેની પણ આ એક પારાશીશી છે. પરંતુ જોવાની વાત એ છે કે ભાજપ જેવી દિગ્ગજ પાર્ટી કેજરીવાલની પાર્ટીથી ગુજરાતમાં ઘણે અંશે ડરે છે જરૂર. ગુજરાતના નવા મુખ્ય મંત્રીના નામકરણના આ વિવાદમાં એવો સવાલ સપાટી પર આવ્યા વિના રહેતો નથી કે ખરેખર ભયભીત કોણ? ભાજપ કે આમઆદમી? લોકો એટલે આમઆદમી મોંઘવારીથી ડરે છે, પણ હિન્દુત્વની દાંડી પર ભાજપનું કમળ ખીલેલું રહે એવું ઇચ્છે છે. લોકોને કેજરીવાલની પાર્ટી કે કોંગ્રેસ બેમાંથી કોઇ પર ભરોસો નથી, જેટલો ભાજપ પર છે. સૌ સમજે છે કે આયેગા તો મોદી હી. મોદી હૈ તો મુમકીન હૈ.

આમ છતાં જોઇએ તો આમઆદમી પાર્ટીના મામલે ભાજપ ઘણું ફૂંકી ફૂંકીને પી રહ્યો છે. કોઇ કસર છોડવા માગતો નથી. જો કે એનો અર્થ એવો નથી કે ભાજપને આમઆદમી પાર્ટીનો જરાય ભય નથી. એનું કારણ એન્ટિઇન્કમ્બન્સીની કિનારને ગ્રાસરૂટ લેવલે કેટલેક અંશે પકડવામાં આમઆદમી પાર્ટીવાળા સફળ જરૂર થઇ રહ્યાનું જણાય છે. જો કે એમાં એમના જે તે લેવલના કાર્યકરો અને એમની વ્યક્તિગત પહોંચ વધુ કારણભૂત છે, નહીં કે કેજરીવાલની ખુદની રાજકીય ઇમેજ. આ તો ભાજપની કોઇ નીતિરીતિ કે એમના જે તે સ્તરના નેતા થકી કોઇ નારાજી કે અણગમો હોય તો એના વિકલ્પ રૂપે ઘણાં લોકો આમઆદમી પાર્ટીની સામું જોવા લાગ્યા છે, એટલે જરી વધુ ક્રાઉડ દેખાઇ રહ્યું છે. એટલે આમઆદમી પાર્ટીએ આવાં ગતકડાં કાઢીને બહુ ખુશખુશાલ થઇ જવા જેવું તો નથી જ.

બાકી જ્યાં સુધી કોંગ્રેસનો સવાલ છે, હમણાં બે માજી સાંસદો નરેશભાઇ રાવલ અને રાજુભાઇ પરમારે કોંગ્રેસમાંથી નારાજીનામાં ધરી દીધાં, એ ક્રમ શું દર્શાવે છે? કોંગ્રેસના ઘણા ધારાસભ્યો ભાજપમાં જોડાવાની લાઇનમાં ઊભેલા છે, એવા થઇ રહેલા પ્રચારની વચ્ચે ઉપરોક્ત બે નેતાઓએ એકાએક રાજીનામાં આપી દીધાં છે. જોવાની વાત એ છે કે એમણે ભાજપમાં જોડાવાના સંદર્ભનો નિર્દેશ આપ્યો છે, આમઆદમી પાર્ટી માટેનો નહીં. આ બાબત પણ ઘણું કહી જાય છે.

       – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top