Madhya Gujarat

નડિયાદના શ્રેયસ ગરનાળાની સેફ્ટી એંગલ ફરી તુટી પડી

નડિયાદ: નડિયાદ શહેરમાં આવેલ શ્રેયસ ગરનાળા પરની સેફ્ટી એંગલ તુટવાના બનાવો અવારનવાર બની રહ્યાં છે. ત્યારે ગત રાત્રીના સમયે વધુ એક વખત સેફ્ટી એંગલ તુટીને નીચે પડી હતી. જોકે, સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. નડિયાદ શહેરના રેલ્વેસ્ટેશનને અડીને શ્રેયસ ગરનાળું આવેલું છે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં જવા માટેના મુખ્ય માર્ગ પર આવેલ આ ગરનાળામાં સતત વાહનોની અવરજવર હોય છે. દરમિયાન ગત રાત્રીના સમયે ગરનાળા ઉપર લગાવવામાં આવેલી લોખંડની સેફ્ટી એંગલ એકાએક તુટી પડી હતી.

જોકે, રાત્રી દરમિયાન બનેલી આ ઘટના સમયે માર્ગ પર વાહન વ્યવહાર નહીવત હોવાથી મોટી જાનહાનિ ટળી હતી. જોકે, એંગલ તુટીને નીચે પડવાથી રસ્તો અવરોધાયો હતો. જેને પગલે વાહનચાલકોને અવરજવર કરવામાં હાલાકી વેઠવી પડી હતી. આ અંગેની જાણ તંત્રને થતાં તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે એંગલ હટાવી રસ્તો અવરજવર માટે ખુલ્લો કરવામાં આવ્યો હતો. અત્રે નોંધનીય છે કે, ચાર મહિના અગાઉ પણ આ જ ગરનાળા પરની સેફ્ટી એંગલ તુટી હતી. અવારનવાર સેફ્ટી એંગલ તુટવાની ઘટનાને પગલે વાહનચાલકોને હવે, આ ગરનાળામાંથી અવરજવર કરવામાં ડર લાગી રહ્યો છે. ત્યારે તંત્ર દ્વારા સેફ્ટી એંગલને યોગ્ય રીતે ફીટ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. 

Most Popular

To Top