Dakshin Gujarat

દિનદહાડે ઘરમાં ઘૂસી અજાણ્યા ઇસમે વૃદ્ધને રહેંસી નાંખ્યો

વ્યારા: ડોલવણ (Dolvan) ગામે નાકા ફળિયામાં રહેતા ૭૧ વર્ષિય વૃદ્ધ શંકરભાઇ સુરજીભાઇ ચૌધરીને તેમના ઘરે જ તા.૨૦મી ફેબ્રુઆરીએ સાંજે ૭:૩૦થી તા.૨૧મી ફેબ્રુઆરીએ સવારે ૮:૩૦ વાગ્યા દરમિયાન કોઇ અજાણ્યા ઇસમે હથિયાર (Weapon) વડે ક્રૂર રીતે માથા તથા મોંના ભાગે જીવલેણ હુમલો કરી મોતને ઘાટ ઉતારી દેતાં પંથકમાં ચકચાર મચી ગઈ છે.

ડોલવણ ગામે નાકા ફળિયામાં રહેતાં તેઓનાં પાડોશી સોનલ હિતેશ ચૌધરીના જણાવ્યા મુજબ શંકર સુરજી ચૌધરી તા.૨૨ ફેબ્રુઆરીએ સાંજે આશરે સાડા છ વાગ્યે તેમના ઘરે રોજની જેમ બેસવા માટે આવ્યા હતા. સાંજના આશરે સાતેક વાગ્યે તેઓ તેમના ઘરે નીકળી ગયા હતા. બીજા દિવસે સવારે આઠેક વાગ્યે શંકરભાઇની દીકરી સંગીતાના દીકરા પીયૂષ મુકેશ ચૌધરીએ તેમને ફોન કરી જણાવ્યું હતું કે, ‘દાદાને મળવા માટે આવવાનો છું, તેવું દાદાને કહી દેજો’. જેથી સોનલબેન દીકરી દૃષ્ટિને શંકરભાઇના ઘરે કહેવા માટે મોકલી હતી. દૃષ્ટિએ શંકરભાઇને ખાટલા ઉપર સૂતા અને તેઓના માથા તથા મોંના ભાગે લોહીની ઊલટી જેવું કર્યાનું જોતાં માતાને જાણ કરી હતી. સોનલે શંકરભાઇની નાની બહેન મીલા અને ફોન કરનાર પીયૂષને જાણ કરી હતી. ઘરે આવી તેમણે જોતાં શંકરભાઇને કોઇક કારણસર કોઇ અજાણ્યાએ હથિયાર વડે માથા તથા મોંના ભાગે માર મારી ગંભીર ઇજા પહોંચાડી મોત નીપજાવ્યાનું માલૂમ પડ્યું હતું. આ ઘટનાની ડોલવણ પોલીસને જાણ કરતાં તેમણે સ્થળ ઉપર આવી મૃત હાલતમાં મળી આવેલા વૃદ્ધની હત્યાનું નિરીક્ષણ કર્યું હતું અને હત્યારાઓને ઝડપી પાડવા એફએસએલ અને પોસ્ટમોર્ટમ સહિતની કામગીરી હાથ ધરી છે.

નવસારીમાં માતા રસોડામાં કામ કરતી હતી અને પુત્રએ ફાંસો ખાઈ આપઘાત કર્યો
નવસારી : નવસારીમાં યુવાને ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધાનો બનાવ નવસારી ટાઉન પોલીસ મથકે નોંધાયો છે. મળતી માહિતી મુજબ, નવસારીના ધર્મિન નગર વિસ્તાર નજીક સરદાર હાઇટ્સ એપાર્ટમેન્ટમાં શ્રેયાંસ પારેખ તેમના પરિવાર સાથે રહેતો હતો. રવિવારે શ્રેયાંસ તેના ઘરે હતો. અને તેની માતા પણ ઘરમાં રસોઈમાં કામ કરતી હતી. ત્યારે શ્રેયાંસે તેના બેડરૂમમાં જઈ પંખા સાથે દુપટ્ટો બાંધી કોઈ અગમ્ય કારણસર ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. શ્રેયાંસને ફાંસીએ લટકેલો જોઈ તેની માતાએ આક્રંદ ભરી બુમો પાડી હતી. જે સાંભળી પાડોશીઓ પણ દોડી આવ્યા હતા. આ ઘટનાની જાણ નવસારી ટાઉન પોલીસ મથકે કરતા પોલીસે ઘટના સ્થળે પહોંચી લાશનો કબ્જો લઈ પી.એમ. અર્થેની તજવીજ હાથ ધરી હતી. જયારે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top