Madhya Gujarat

આણંદમાં પાસપોર્ટ માટે પ્રત્યેક મહિને પાંચસોથી વધુ અરજી થાય છે

આણંદ : ‌વિદેશમાં જવા માટે આણંદ જીલ્લાના નાગરીકોમાં ઘેલછા ખુબ જ વધી રહી છે. જેથી પાસપોર્ટ મેળવવા માટે વિદ્યાર્થીઓ સહિત સૌ કોઈની હોડ જામી હોય તેવી બાબત છેલ્લા કેટલાક વર્ષોની પાસપોર્ટ સંબંધિત માહિતી પરથી ઉજાગર થઇ છે. એન‌આરઆઈ પ્રદેશ તરીકે જાણીતા ચરોતરમાંથી ઘણાં વર્ષોથી સમગ્ર વિશ્વના વિવિધ દેશોમાં ઘણા બધા ગામો અને શહેરોના પરિવારો સ્થાયી થયેલ છે. પરંતુ વર્તમાન સમયમાં છેલ્લા કેટલાક વર્ષોથી અગાઉના સમયગાળા કરતાં પણ વિશેષ સંખ્યામાં વિદેશ જવા માટે અને સ્થાયી થવાનો અભરખો ખુબ વધી રહ્યો છે. આણંદ જિલ્લામાંથી પાસપોર્ટ મેળવવા બાબત છેલ્લા બે વર્ષની આંકડાકીય માહિતી મુજબ પ્રત્યેક મહિને સરેરાશ 500 કરતાં પણ વધુ અરજીઓ પાસપોર્ટ માટે કરવામાં આવી હોવાનું સ્પષ્ટ થયું છે.‌ વર્ષ 2022-23 દરમિયાન 8757 અરજી અને ચાલુ વર્ષ દરમિયાન 3813 અરજી આવી છે. આમ, આમ કુલ 12,570 અરજીઓ પાસપોર્ટ માટે કરવામાં આવી છે.

સંતાનોને વિદેશ મોકલવા માટે આર્થિક મુશ્કેલીઓ વેઠવા પરિવારજનો મક્કમ
દરેક માતા પિતા, પરિવારજનો પોતાના સંતાનોને વિદેશ મોકલવા માટે ખુબ જ ઈચ્છુક હોય છે. જેથી વિદેશ જવાની પ્રક્રિયા માટે પાસપોર્ટથી માંડીને ટિકિટ બુકિંગ, વિઝા પ્રોસેસિંગ વગેરે માટે ખુબ જ ખર્ચ થતો હોય છે. ગણ્યાગાંઠ્યા પરિવારોને બાદ કરતાં ઘણા બધા પરિવારોને આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડે છે. છતાં પણ એનકેન પ્રકારે આર્થિક વ્યવસ્થા કરવામાં આવે છે. સંતાનોને માટે દરેક પરિવારો આર્થિક મુશ્કેલીને વેઠવાની મક્કમતા રાખે છે.

સ્ટુડન્ટ વિઝા અને વર્ક વિઝાનો ક્રેઝ
કેનેડા અમેરિકા ઓસ્ટ્રેલિયા સહિત વિવિધ દેશોમાં જવા માટે આણંદ જિલ્લામાં ખુબ જ વધારો જોવા મળી રહ્યો છે. વિધાર્થીઓ અભ્યાસ માટે વિદેશ પહોંચીને અભ્યાસ બાદ પીઆર થવા માટે ઈચ્છાશક્તિ રાખતા હોય છે. તો વર્ક પરમિટ મેળવીને પણ વિદેશ જવાનું છેલ્લા કેટલાક વર્ષોથી વધી રહ્યું છે. આમ વિવિધ હેતુસર વિદેશ ગમનનો વધારો થયો છે.

Most Popular

To Top