Madhya Gujarat

સંજય – મેમાએ અનેક જમીન કૌભાંડ આચર્યાની શંકા

નડિયાદ: નડિયાદના ચકલાસીમાં કરોડો રૂપિયાની જમીન હડપી લેવાના કેસમાં પોલીસે તપાસની ધમધમાટી બોલાવી છે. આ તરફ પોલીસ ફરીયાદમાં આરોપી નં. 7 તરીકે જોડેલા મેમાભાઈ રબારી પૂર્વ પ્રમુખ સંજય દેસાઈનો વિશ્વાસુ હોવાનું જાણવા મળ્યુ છે. એટલુ જ નહીં, પૂર્વ પ્રમુખ પોતાના જમીનોના કૌભાંડમાં મેમાને આગળ કરી જમીનો ખાલી કરાવવાના ચોકઠા ગોઠવતો હોવાનું પણ સામે આવ્યુ છે. મેમાની મૂળ દલાલ તરીકે ભૂમિકા હોવાનું પણ ફરીયાદી પાસે જાણવા મળ્યુ છે.

નડિયાદના ચકલાસીમાં વર્ષોથી હયાત જ ન હોય તેવા માલિકોની કરોડોની જમીન હડપી લેવા માટે ભાજપ નેતા અને નડિયાદ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સંજય ભાસ્કરભાઈ દેસાઈએ સ્ટેમ્પથી માંડી ખોટા આધારકાર્ડ અને ખોટા પાવર બનાવ્યાનો પર્દાફાશ થયા બાદ અંતે ચકલાસી મથકે તમામ આરોપીઓ વિરુદ્ધ ફરીયાદ નોંધાઈ છે. ત્યારે ફરીયાદમાં 7માં આરોપી તરીકે જોડાયેલા ઉતરસંડાના મેમાભાઈ લાલજી રબારી કેટલાક સમયથી સંજય દેસાઈ માટે દલાલ તરીકેનું કામ કરતા હોવાનું જાણવા મળ્યુ છે.

મેમો રબારી સંજય દેસાઈનો વિશ્વાસુ હોય અને મેમા થકી માલિકોની હયાતી ન ધરાવતી જમીનો જોવાનું અને તેને પડાવી લેવાનો કારસો રચાતો હોય તેવી ચર્ચાઓએ પણ જોર પકડ્યુ છે. આ સમગ્ર ઘટનામાં ચકલાસીની જમીનમાં જ્યાં 3 ભાઈઓ પૈકી રાવજીભાઈ જાદવ, દેસાઈભાઈ જાદવ અને બુધાભાઈ જાદવ વર્ષોથી ખેતી કરી રહ્યા છે. જેમાંથી રાવજીભાઈ અને દેસાઈભાઈનું મૃત્યુ થતા હાલ બુધાભાઈ જમીનમાં ખેતી કરી રહ્યા છે.

આ બુધાભાઈ અને તેમના પરીવારને જમીન ખાલી કરવા માટે સંજય દેસાઈનો વહીવટદાર મેમો ધાકધમકી આપવા પહોંચ્યો હતો. જ્યાં સંજયભાઈ ખૂબ મોટી હસ્તી છે અને તે ધારશે તેમ કરશે, તેમ કહી બિવડાવી અને જમીન ખાલી કરાવવા માટે પ્રયત્નશીલ હતો. એટલુ જ નહીં, ચર્ચા એવી પણ ચાલી રહી છે કે, જો સંજય દેસાઈના અન્ય જમીન કૌભાંડ ખુલે તો તેમાં પણ આ મેમો સંડોવાયેલો હોય તેવી વકી છે. દલાલ તરીકેની ભૂમિકા ભજવતા મેમા રબારીની અટકાયત થાય તો અનેક રહસ્યો પરથી પડદો ઉઠે તેમ છે.

સંજય દેસાઈ વિદેશ ઉડી ગયા..?
આ તરફ કરોડોનું જમીન કૌભાંડ સામે આવ્યા બાદ ભાજપ નેતા સંજય ભાસ્કરભાઈ દેસાઈનો કોઈ અતોપત્તો નથી. રાજકીય ગલિયારીયોમાં ચાલતી ચર્ચા મુજબ સંજય દેસાઈ વિદેશમાં રફુચક્કર થઈ ગયા હોવાની શક્યતાઓ છે. સંજય દેસાઈ હાલ અમેરીકા ગયા હોય તેમ પણ ચર્ચાઈ રહ્યુ છે. ત્યારે રાજકીય વગ ધરાવતા નેતાજી પોલીસને હાથ લાગશે કે ઘીના ઠામ ઘીમાં ઢળી જશે, તે જોવુ રહ્યુ.

ખોટા આધારકાર્ડ ક્યાંથી બન્યા ?
નડિયાદ પાલિકાના પૂર્વ પ્રમુખ અને ભાજપ નેતા સંજય દેસાઈએ ખોટો પાવર ઉભો કર્યો તેનો ખુલાસો થયો છે. સાથોસાથ જે મૂળ જમીન માલિકો છે, તેમના ખોટા આધારકાર્ડ બનાવ્યા હોવાની પણ ચર્ચા છે. ત્યારે આ ખોટા આધારકાર્ડ ક્યાંથી અને કેવી રીતે બન્યા? તે ખૂબ મોટો પ્રશ્ન છે. પોલીસ તપાસમાં આધારકાર્ડ બનાવવામાં કોની ભૂમિકા છે, તે તપાસ થાય તે ખૂબ જરૂરી બન્યુ છે.

Most Popular

To Top