Dakshin Gujarat

બોલો, ઘરમાં ગેમ રમતી મહિલાના હાથમાંથી ધોળા દિવસે મોબાઇલ ઉડાવી ગયા

પલસાણા: (Palsana) પલસાણા તાલુકાના જોળવા ગામે એક જ રૂમમાં રહેતી બે યુવતી ગતરોજ તેમના રૂમની અંદર તેમના મોબાઇલ (Mobile) ફોન ઉપર ગેમ રમતી હતી. ત્યારે અચાનક ત્રણ ઇસમ ઘરમાં ઘૂસી ગયા હતા તેમની સાથે ઝપાઝપી કરી તેમના ફોન છીનવી લઇ બાઇક (Bike) પર ભાગી છૂટ્યા હતા. ધોળે દિવસે થયેલ લૂંટને (Loot) ઘટનાને લઇ આ પંથકના રહીશોમાં પણ ભયનો માહોલ ફેલાઇ રહ્યો છે.

  • જોળવામાં ઘરમાં ગેમ રમતી મહિલાના હાથમાંથી ધોળા દિવસે મોબાઇલની તફડંચી
  • બે મહિલાએ પ્રતિકાર કર્યો, ત્રણેય ઇસમ ધક્કો મારી પલાયન

મળતી માહિતી અનુસાર પલસાણા તાલુકામાં બે દિવસ અગાઉ બનેલી ફાયરિંગની ઘટના બાદ જોળવા ગાર્ડન મિલની સામે આવેલી ક્રિષ્ણા રેસિડન્સીમાં રહેતા શર્મીલાબેન શૈલેષભાઇ ગામીત તેમના વતનમાંથી આવેલી દિવ્યાબેન ગામીત તેમજ એલીસભાઇ ઠાકોરભાઇ ગામીત સાથે રહેતાં હતાં. અને જોળવા ધનુર્ધર મિલમાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતાં હતાં. ગત બુધવારે તેમની મિલમાં રજા હોવાથી શર્મિલાબેન અને દિવ્યાબેન જોળવા ગામે ક્રિષ્ણાનંદ રેસિડેન્સીમાં બપોરના સુમારે તેમના ઘરમાં મોબાઇલ પર ગેમ રમી રહ્યાં હતાં. અને એલીસભાઇ બાજુમાં જ સૂતા હતા. ત્યારે અચાનક ત્રણ અજાણ્યા ઇસમ તેમની રૂમમાં પ્રવેશ કરી શર્મિલાબેન તેમજ દિવ્યાબેનના હાથમાંથી મોબાઇલ લેવાની કોશિશ કરી રહ્યા હતા.

ત્યારે તેમણે લુંટારુઓનો પ્રતિકાર કરી બૂમાબૂમ કરતાં બાજુમાં સૂતેલા એલીસભાઇ પણ જાગી ગયા હતા. અને ત્રણેય લુંટારુએ બંને યુવતીને ઢીક્કામુક્કાનો માર મારી આજુબાજુના રહીશો ભેગા થાય એ પહેલા જ તેમનો મોબાઇલ ફોન છીનવી પલ્સર બાઇક ઉપર ત્યાંથી ભાગી છૂટ્યા હતા. ધોળે દિવસે ઘરમાં ઘૂસીને મહિલાને માર મારી મોબાઇલની છીનવી લેવાની ઘટનાને લઇ સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી. પલસાણા પોલીસે આ અંગે ફરિયાદ નોંધી આગળની તજવીજ હાથ ધરી છે.

ભાટકોલમાં ઘરફોડ ચોરી કરનાર ચોર કામરેજ નજીક ઝડપાયો
હથોડા: કોસંબા પોલીસ સ્ટેશન હદ વિસ્તારના ભાટકોલ ગામે થયેલી ઘરફોડ ચોરીનો મુદ્દામાલ વેચવા નીકળેલા ચોરને સુરત જિલ્લા એલસીબી પોલીસે મુદ્દામાલ સાથે રંગેહાથ ઝડપી પાડી હદ વિસ્તારના કોસંબા પોલીસને સોંપ્યો હતો.
સુરત જિલ્લા એલસીબી પોલીસ કર્મચારી અનિલભાઈ રામજીભાઈ તથા મુકેશભાઈ જયદેવભાઈને બાતમી મળી હતી કે, થોડા સમય પહેલાં ભાટકોલ ગામે ઘરફોડ ચોરી થઈ હતી. ચોરીમાં ચોરાયેલો મુદ્દામાલ વેચવા માટે મોહમ્મદ હમીદ સમીર કાસીમ મહંમદ અંસારી (રહે.,ભાટકોલ, મસ્જિદ ફળિયું) ચોરીનો મુદ્દામાલ વેચવા માટે ફરી રહ્યો છે. અને ભાટકોલથી નીકળીને કામરેજ નવાપરા પાટિયા પાસે આંટાફેરા મારી રહ્યો હતો.

આથી સુરત જિલ્લા એલસીબી પોલીસે ઘટના સ્થળે તપાસ કરતાં ભાટકોલથી ચોરાયેલા ચાંદીના સાંકળા, ચાંદીની ચેઇન, ચાંદીની કડી, ચાંદીનાં પેન્ડલ અને રોકડ રૂપિયા 24000 મળી કુલ રૂ.46,783ના મુદ્દામાલ સાથે મોહમ્મદ હમીદ ઉર્ફે સમીર કાસિમ મોહમ્મદ અંસારીને દબોચી લઈ કોસંબા પોલીસને સોંપ્યો હતો. કોસંબા પોલીસે એલસીબીએ સુપરત કરેલા ચોરની ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top