SURAT

સુરતમાં રસ્તાની એક તરફ મેટ્રોનું કામ ચાલે અને બીજી તરફ વરસાદી પાણી ભરાતા લોકો હેરાન

સુરત: શહેરમાં સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટની કામગીરી ચાલી રહી છે. જેના પગલે શહેરના મોટા ભાગના વિસ્તારોમાં બેરિકેડ લગાવાયાં છે. શહેરમાં વિધિવત ચોમાસું શરૂ થઈ ચૂક્યું છે ત્યારે મેટ્રોની કામગીરીને પગલે હાલાકીઓ પણ શરૂ થઈ ચૂકી છે. ખાસ કરીને જ્યાં મેટ્રોનાં કામ માટેનાં બેરિકેડ લગાવાયાં છે ત્યાં ટ્રાફિકની સમસ્યાની સાથે સાથે વરસાદના પાણીના નિકાલ માટે યોગ્ય આયોજન નહીં થતાં વરસાદે મેટ્રોના કર્મચારીઓની વધુ એક બેદરકારીની પોલ ખોલી નાંખી છે. હવે મેટ્રોનું કામ ચાલે છે તે વિસ્તારોમાં લોકોને ચોમાસામાં પાણીના ભરાવાની સમસ્યાનો પણ સામનો કરવાનો વારો આવ્યો છે.

વિસ્તૃત વિગતો મુજબ હાલ શહેરમાં બે દિવસથી વરસાદ થઈ રહ્યો છે, ત્યારે જ્યાં મેટ્રોનાં કામ ચાલે છે અને બેરિકેટ લગાવાયાં છે, તે રસ્તાઓ પર હાલાકી વધી ગઈ છે. કેમ કે, પાણીના નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા થઇ નથી. આવી સ્થિતિમાં લંબે હનુમાન રોડ, એલ.પી.સવાણી રોડ, મજૂરા ગેટથી કાદરશાની નાળ, પરવટ પાટિયા જેવા ટ્રાફિકથી સતત ધમધમતા રસ્તા ઉપર દોજખ જેવી સ્થિતિ ઊભી થઇ છે.

અઠવા ઝોન વિસ્તારમાં આવતા ભટાર એટોપનગર ખાતે છેલ્લા બે દિવસથી વરસાદ બાદ રોડ પર પાણીના ભરાવાની સમસ્યા થઈ રહી છે. મેટ્રો દ્વારા પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન કરવામાં આવતાં ઘણી જગ્યાએ પાણીનો ભરાવો મુખ્ય રસ્તા પર થઈ રહ્યો છે.

મનપા કમિશનર શાલિની અગ્રવાલે ચોમાસા પહેલાં જ મેટ્રોના અધિકારીઓ સાથે આ અંગે મિટિંગ કરી હતી. અને પ્રિ-મોન્સૂન કામગીરી કરી લેવા સૂચના પણ આપી હતી. જેથી ચોમાસું શરૂ થયા બાદ સમસ્યાઓ ન થાય. પરંતુ યોગ્ય કામગીરી ન થતાં શહેરીજનોને હવે આ હાલાકીનો સામનો કરવો પડશે તેમ જણાઈ રહ્યું છે. ભટારના એટોપનગર ખાતે 2 દિવસથી મુખ્ય રસ્તા પર પાણીનો ભરાવો થયો છે અને પાણીનો નિકાલ થઈ રહ્યો નથી. જેથી લોકોને ટ્રાફિકમાં ફસાઈને પાણીના ભરાવામાં વાહન ચલાવવાની નોબત આવી છે.

7 ઠેકાણે ઝાડ પડ્યાં, ચોક-ઉધનામાં શોર્ટ સર્કિટના લીધે આગ લાગી
મંગળવારે વરસાદ દિવસભર વરસેલા વરસાદને કારણે સુરત શહેરમાં અલગ અલગ 7 વિસ્તારોમાં ઝાડ જમીનદોસ્ત થઇ ગયા હતા. જયારે ચોકબજાર અને ઉધના વિસ્તારમાં મીટર પેટીઓમાં શોર્ટ સર્કિટ થતા આગ ભભુકી ઉઠતા ફાયરની ટીમ દોડતી થઇ ગઈ હતી.

શહેરમાં મંગળવારે વહેલી સવારથી જ વરસાદી દૌર શરૂ થયો હતો અને તેની સાથે જ શહેરના અલગ-અલગ વિસ્તારોમાં ઝાડ પડી ગયા હોવાના બનાવો બન્યા હતા. ફાયર સૂત્રોએ માહિતી આપતા જણાવ્યું હતું કે, દિવસભરમાં સુરત શહેરના 7 અલગ અલગ વિસ્તારો પૈકી બમરોલી કેનાલ રોડ વિસ્તારમાં આવેલા આકાશ રો હાઉસ નજીક ઝાડ પડી ગયું હતું. તો ઉધના વિસ્તારમાં આવેલા કૈલાસ નગરના મહાદેવ નગરમાં ઝાડ ધારાશાયી થઈ ગયું હતું. વરાછા-પુણા રોડની અર્ચના સ્કૂલ પાસે રેણુકા ભવન, અડાજણ હનીપાર્ક ભૂમિ કોમ્લેક્સ નજીકના મશાલ સર્કલ, ભટાર કેનાલ વોક-વે પાસે અને ઘોડદોડ રોડ સુતરીયા ટાઉનશીપની બાજુમાં અંધજન શાળા પાસે ઝાડ પડી જવાને કારણે ફાયર વિભાગ ઝાડ હટાવવાની કવાયતમાં લાગી ગયા હતા. જયારે ઇલેક્ટ્રિક મીટર પેટીઓમાં શોર્ટ સર્કિટ થતા આગ ભભૂકી ઉઠી હોવાના બે કોલ મળતા ફાયરની ટીમ દોડતી થઇ હતી.

મક્કાઈ પુલ નજીક આવેલા દીપા કોમ્લેક્સમાં મંગળવારે સાંજે 6:07 કલાકે બિલ્ડીંગની મીટર પેટીમાં આગ લાગી ગઈ હતી. કોલ મળતાની સાથે જ ફાયર સ્ટેશનની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને વીજ પુરવઠો બંધ કરીને પાણીનો મારો ચાલવી આગ કાબુમાં લઇ લેતા બિલ્ડીંગના રહીશોએ હાશકારો અનુભવ્યો હતો. જયારે ઉધના ખરવારનગર વિસ્તારમાં પણ મીટર પેટીમાં આગ લાગવાની ઘટના સાંજે 6:50 કલાકે બની હતી માંનદરવાજા ફાયર સ્ટેશનના જવાનો કોલ મળતાની સાથેજ તુરંત ઘટના સ્થળે પહોંચીને આગને કંટ્રોલમાં લઇ લીધી હતી.

Most Popular

To Top