Dakshin Gujarat

મેહુલો વરસ્યો : ગણદેવી 3.5, નવસારી-જલાલપોરમાં 2.5 ઇંચ વરસાદ

નવસારી જિલ્લામાં આજે વહેલી સવારથી જ મેહુલો વરસતા ગણદેવી તાલુકામાં 3.5 ઇંચ, નવસારી અને જલાલપોર તાલુકામાં અઢી ઇંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે અન્ય તાલુકાઓમાં અડધોથી દોઢ ઇંચ સુધી વરસાદ વરસ્યો હતો. બીજી તરફ વરસાદ પડતા મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો. જેના પગલે નવસારીમાં ઠંડક વર્તાઈ હતી.

નવસારી જિલ્લામાં વરસાદી માહોલ સર્જાયો છે. નવસારીમાં ગત રાત્રે વરસાદી ઝાપટા પડ્યા હતા. જ્યારે આજે ગુરૂવારે વહેલી સવારથી જ નવસારી જિલ્લામાં વરસાદ પડવાનું શરૂ થયું હતું. જેના પગલે જિલ્લામાં ઠેર-ઠેર વરસાદી પાણી ભરાયા હતા. વિજલપોર શહેરમાં ગલી-મહોલ્લામાં વરસાદી પાણી વધુ ભરાયા હતા. જેથી લોકોને અવર-જવર કરવામાં મુશ્કેલી પડી હતી. જોકે ત્યારબાદ વરસાદનું જોર ઓછું પડતા વરસાદના પાણી ઓસરી ગયા હતા. પરંતુ વરસાદ ધીમી-ધારે યથાવત રહ્યો હતો.

ગત બુધવારે સાંજે 6 વાગ્યેથી ગુરૂવારે સાંજે 6 વાગ્યે સુધી ગણદેવી તાલુકામાં 85 મી..મી. (3.5 ઇંચ), જલાલપોર તાલુકામાં 64 મી.મી. (2.6 ઇંચ), નવસારી તાલુકામાં 60 મી..મી. (2.5 ઈંચ), ખેરગામ તાલુકામાં 37 મી..મી. (1.5 ઇંચ), ચીખલી તાલુકામાં 17 મી..મી. (0.7 ઇંચ) અને વાંસદા તાલુકામાં 2 મી..મી. વરસાદ નોંધાયો હતો.

એરૂ ચાર રસ્તા પર પોલીસ વાન પર ઝાડ પડ્યું, ચાલકનો બચાવ
નવસારીમાં આજે સવારથી જ પવનો સાથે વરસાદ પડી રહ્યો હતો. આજે ગુરૂવારે સવારે પોલીસ કચેરીથી પોલીસ વાન મેઇન્ટેનન્સ માટે જઈ રહી હતી. ત્યારે એરૂ ગામ પાસે ફુંકાતા પવનોને કારણે પોલીસ વાન પર ઝાડ પડી ગયું હતું. જેના પગલે વાનને ભારે નુકસાન થયું હતું, જોકે સ્થાનિકોએ વાન ચાલકને બહાર કાઢતા ચાલકનો બચાવ થયો હતો. જ્યારે સ્થાનિકોએ વાન પરથી ઝાડ હટાવવાની કામગીરી શરૂ કરી હતી.

Most Popular

To Top