Columns

મદીના અને મેથ્યુ પ્રેમમાં પડ્યા! પ્રેમની કોઈ સીમા નથી, ભાષા અવરોધ નથી!

પ્રેમ એવી અનુભૂતિ છે જે નયનોની ભાષાને હૃદયથી જોડી અંતરને ટુંકાવી એક મિલનનો સહજ પથ તૈયાર કરી આપે છે. એવો જ પ્રણયથી પરિણય સુધીની લાગણીનો સ્પર્શ અનુભવતો અહેસાસ માણ્યો કઝાકિસ્તાનની મદીના અને ઓસ્ટ્રેલિયાના મેથ્યુએ વિરહ અને મિલન વચ્ચે! મદીના કઝાકિસ્તાનથી મિત્રો સાથે ઓસ્ટ્રેલિયાની સફરે ગઇ હતી. ઓસ્ટ્રેલિયામાં ફરતા મદીના અને મેથ્યુ એકબીજાની નજરે પડ્યા. એકબીજાની ભાષા સમજતાં ન હતાં પણ વાત વધારવી જ હતી એટલે મિત્રોએ જોડી માટે ભાષાંતર કર્યું, પછી તેઓ લાંબા ગાળાના ઉકેલ માટે ઓનલાઇન અનુવાદ સેવા તરફ વળ્યા. એકબીજાની ભાષા સમજી શક્યા ન હતા. વાતચીત ગૂગલ અનુવાદનો ઉપયોગ કરી કરતા અને કરતા જ ગયા!

મેથ્યુ સાથે મુલાકાત થઈ તે પહેલી નજરનો પ્રેમ ન હતો પરંતુ બંને સારા મિત્રો બની ગયા. મદીના ઘરે પરત ફર્યા પછી પણ ચંચળ સંદેશાઓ ચાલુ રહ્યા. મદીના અંગ્રેજી જાણતી ન હતી અને મેથ્યુ મદીનાના મૂળ કઝાકને સમજી શક્યા ન હતા. તેથી ગૂગલની ટ્રાન્સલેશન ટેક્નોલોજી વિના કોઈ વિકલ્પ ન હતો. મિત્રતાને પ્રેમમાં પલટાતા સમય લાગ્યો નહીં. તેઓ દર 3- 4 મહિને મળવા લાગ્યા. જ્યારે મદીનાએ તેને જોયો ત્યારે મેથ્યુએ એક સ્મિત આપ્યું! તેની આંખોમાં જાણે સંદેશ હતો. એકમેકના નયન મળ્યા અને વાર્તા લખાઈ ગઇ! ‘ઓકે, હેલો’ જેટલા શબ્દો બંને વચ્ચે હતા. અલબત્ત એકમેકને ગમ્યા! 5000 માઈલના અંતરે રહેતાં યુગલ ગૂગલ અનુવાદની મદદે સંપર્ક જોડતું ગયું. એકબીજાનો સ્વર સ્નેહસભર લાગતો. તેઓ એકબીજાને સમજાય તેવી ભાષા જાણતા ન હતા પણ પ્રેમમાં ભાષા ક્યાં અવરોધક છે!

મેથ્યુએ માઈલો દૂર વીડિયો કોલ પર તેને પ્રપોઝ કરીને તે મદીનાને કેટલું ચાહે છે તે પ્રત્યક્ષ બતાવવા માટે એક વીંટી અલગ ભાવમાં દેખાડી! ઓક્ટોબરમાં એમ્સ્ટરડેમમાં જ્યારે એકબીજાને ફરીથી રૂબરૂ મળ્યા ત્યારે મેથ્યુ ફૂલોનો ગુલદસ્તો અને એક મહત્ત્વપૂર્ણ કોયડો લઈ પહોંચ્યો હતો. તેની સાથે ઘણાં ખુશ્બૂદાર ગુલાબ હતાં, લાલ ગુલાબનો એક ગુલદસ્તો અને ટ્યુલિપ્સ હતાં. તેણે મદીનાને પૂછ્યું ‘શું તમે મારા જીવનસાથી બનવા માંગો છો?’ મદીનાને ત્યારે સમજાયું નહીં કે ખરેખર તેનો અર્થ શું થાય? કારણ કે કઝાકિસ્તાનમાં પાર્ટનરનો ઉપયોગ કરતા નથી. કદાચ બોયફ્રેન્ડ અને ગર્લફ્રેન્ડ પણ પાર્ટનર નથી. તેણીએ સામે પૂછ્યું ‘તમારો મતલબ શું છે?’ બીજી વખત ફરી મેથ્યુએ પૂછ્યું, અલબત્ત ત્યારે મનની વાત માની અને સમંતિ દર્શાવી! તેઓ દરરોજ વાત કરતા, દર સપ્તાહના અંતે આગલી તારીખ નક્કી કરતા અને દર 3થી 4 મહિને એકબીજાને રૂબરૂ જોતા.

લાંબા લોકડાઉન પછી, મદીનાને ઓસ્ટ્રેલિયાનો વિઝા મળ્યો. ઓસ્ટ્રેલિયા પહોંચી તેને 2 અઠવાડિયા સુધી એકલતામાં રહેવાની ફરજ પડી હતી. આ દરમ્યાન મેથ્યુ તેની હોટલની બહાર ઊભો હતો. તે પછી તેઓએ લગ્ન કરવાનું નક્કી કર્યું. અંતે તેઓએ આ વર્ષે જૂનમાં લગ્ન કર્યા. મદીનાએ નક્કી કર્યું છે કે આ વખતે તે ઓસ્ટ્રેલિયામાં જ કાયમ માટે રહેશે. જો કે પ્રેમમાં નિકટ આવ્યા પછી બંનેમાંથી કોઈ હવે અનુવાદક પર આધાર રાખવા માંગતા નથી. ધીમે ધીમે તેઓ એકબીજાની ભાષા શીખવા લાગ્યા.

મદીના સુંદર મહિલા છે, બુદ્ધિશાળી પણ છે તેથી અનુવાદકો શોધવા પડે તે પહેલાં આ પ્રેમી યુગલે જુદી જુદી વસ્તુઓ વિશે વાત કરવી શરૂ કરી. આ જોડી, જેઓ હવે પરિણીત છે, તેઓએ એકબીજાની ભાષાઓ શીખવાનો પ્રયાસ કર્યો અને વીડિયો કોલ્સ દ્વારા અંગ્રેજી બોલવાનું પણ શરૂ કર્યું. કેટલીક વાર રશિયન અને અંગ્રેજી સંદર્ભને ખૂબ જ અલગ રીતે હેન્ડલ કરે છે. કેવી રીતે લખવું તે શીખવું પડ્યું જેથી તેનું રશિયનમાં યોગ્ય રીતે ભાષાંતર થાય અને મદીના અને મેથ્યુએ એકબીજાની ભાષાઓમાં લખવાથી ફોન કૉલ્સ અને વીડિયો કૉલ્સ પર પ્રેમપૂર્વક અભ્યાસ કર્યો.

એકબીજાને જોવા માટે અસંખ્ય પ્રવાસો કર્યા પછી અને વર્ચ્યુઅલ રીતે ડેટિંગ કર્યા પછી કુલ 145559 સંદેશાઓ અને દિવસમાં 48 કોલ્સની આપ લે કરી. કોઈ સંજોગો લવબર્ડસને અલગ રાખી શક્યા નહીં! છેવટે પરણી ગયા, પ્રેમની ભાષા શીખી ગયા, મૂળ વાતચીતની ભાષા શીખી રહ્યા છે અને હવે નયનથી લેશે કામ! હવે તેઓ આશા રાખી રહ્યા છે કે તેમની રોમેન્ટિક વાર્તા યુવા હૈયાઓને પ્રેરણા આપે જેઓ લાંબા અંતરના સંબંધો માટે અચકાતા હોય છે. પ્રેમની તક તો ઝડપી લેવી જોઈએ! મુશ્કેલ હશે પરંતુ જીવનસાથી સાથે સુખી થવા માટે 2 વર્ષ હળવા દુ:ખ અને વિરહ શું છે? તેમના માટે તો તેની સરખામણી પણ નથી જે મળ્યું તે ખૂબ મૂલ્યવાન છે!

Most Popular

To Top