ગલવાન-ડોકલામ વખતે કમાન સંભાળનારા જનરલ ઝાઓ ઝોંગકી પર કેમ પડી ગાજ?
ચીનની સત્તા વ્યવસ્થામાં એક મૂળભૂત સિદ્ધાંત વર્ષોથી કેન્દ્રસ્થાને રહ્યો છે, સેના પર અંતિમ નિયંત્રણ કમ્યુનિસ્ટ પાર્ટીનું રહેશે. માઓ ઝેડોંગના આ વિચારને આજે પણ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ પોતાની સત્તા અને સૈન્ય નીતિના મહત્વપૂર્ણ આધાર તરીકે આગળ ધપાવી રહ્યા હોવાનું માનવામાં આવે છે. આ જ પૃષ્ઠભૂમિમાં હવે ભારત સાથેના ડોકલામ અને ગલવાન તણાવ દરમિયાન ચીનના વેસ્ટર્ન થિયેટર કમાન્ડની જવાબદારી સંભાળનારા શક્તિશાળી જનરલ ઝાઓ ઝોંગકીને રાજકીય હોદ્દાઓમાંથી દૂર કરવામાં આવ્યા છે. આ કાર્યવાહી બાદ ચીનની સૈન્ય વ્યવસ્થામાં ચાલી રહેલી મોટી ‘સફાઈ’,પાર્ટી પ્રત્યેની વફાદારી, શી જિનપિંગ દ્વારા સૈન્ય પર વધુ મજબૂત નિયંત્રણ સ્થાપિત કરવાની ચર્ચા તેજ બની છે.
ચીનમાં માઓ ઝેડોંગનો એક જાણીતો સિદ્ધાંત છે કે રાજકીય સત્તા બંદૂકની શક્તિમાંથી ઊભી થાય છે, પરંતુ બંદૂક પર નિયંત્રણ પાર્ટીનું હોવું જોઈએ. તેનો સીધો અર્થ એ છે કે પીપલ્સ લિબરેશન આર્મી એટલે કે PLA કોઈ સ્વતંત્ર રાષ્ટ્રીય સૈન્ય તરીકે પોતાની રાજકીય દિશા નક્કી કરતી નથી, પરંતુ તે ચીનની કમ્યુનિસ્ટ પાર્ટીના રાજકીય અને વ્યૂહાત્મક હેતુઓ હેઠળ કાર્ય કરે છે. માઓના સમયમાં જ આ સિદ્ધાંતને ખાસ મહત્વ આપવામાં આવ્યું હતું, કારણ કે સૈન્ય નેતાઓ સ્વતંત્ર શક્તિ કેન્દ્ર બની જાય તેવી સંભાવના સામે પાર્ટીનું નિયંત્રણ જાળવવું જરૂરી માનવામાં આવતું હતું.
વર્તમાન રાષ્ટ્રપતિ શી જિનપિંગે પણ આ સિદ્ધાંતને પોતાની સત્તા વ્યવસ્થાનો મહત્વપૂર્ણ ભાગ બનાવ્યો છે. છેલ્લા કેટલાક વર્ષોમાં PLAના અનેક વરિષ્ઠ અધિકારીઓ સામે શિસ્તભંગ, કાયદાકીય ઉલ્લંઘન અને ભ્રષ્ટાચારના આરોપોની તપાસ થઈ છે. ચીનની સૈન્ય ખરીદી અને ઉચ્ચ કમાન્ડમાં થયેલા મોટા ફેરફારોને કારણે એવું માનવામાં આવે છે કે જિનપિંગ માત્ર ભ્રષ્ટાચાર સામે કાર્યવાહી જ નહીં, પરંતુ સૈન્યની સંપૂર્ણ રાજકીય વફાદારી પણ સુનિશ્ચિત કરવા માંગે છે. તાજેતરમાં ચીનના ટોચના સૈન્ય નેતૃત્વમાં પણ મોટા ફેરફારો થયા છે.
આ સમગ્ર ઘટનાક્રમમાં જનરલ ઝાઓ ઝોંગકીનું નામ ખાસ મહત્વ ધરાવે છે. ઝાઓ ચીનના વેસ્ટર્ન થિયેટર કમાન્ડના પ્રથમ કમાન્ડર હતા અને આ કમાન્ડ તિબેટ, શિનજિયાંગ તથા ભારત સાથેની સરહદ સંબંધિત ચીની સૈન્ય કાર્યવાહીઓ માટે અત્યંત મહત્વપૂર્ણ છે. ઝાઓએ વર્ષો સુધી આ વ્યૂહાત્મક કમાન્ડનું નેતૃત્વ કર્યું હતું અને 2017ના ડોકલામ તણાવ તેમજ 2020ના ગલવાન સંઘર્ષ દરમિયાન તેઓ જ વેસ્ટર્ન થિયેટર કમાન્ડના વડા હતા.ડોકલામમાં ભારત અને ચીન વચ્ચેનો સૈન્ય તણાવ 2017માં લાંબા સમય સુધી ચાલ્યો હતો. ત્યારબાદ 2020માં પૂર્વી લદ્દાખની ગલવાન ઘાટીમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. આ બંને મહત્વપૂર્ણ સરહદી સંઘર્ષો દરમિયાન ચીનની પશ્ચિમી સરહદની સૈન્ય જવાબદારી ઝાઓ ઝોંગકીના કમાન્ડ હેઠળ હતી. તેથી ભારત-ચીન સરહદના તણાવ સાથે જોડાયેલા ચીનના સૌથી મહત્વપૂર્ણ સૈન્ય અધિકારીઓમાં તેમનું નામ ગણાતું હતું.
ઝાઓ ઝોંગકી ડિસેમ્બર 2020માં વેસ્ટર્ન થિયેટર કમાન્ડના વડા પદેથી હટી ગયા હતા. જોકે, હવે તેમની સામે નવી અને મહત્વપૂર્ણ રાજકીય કાર્યવાહી કરવામાં આવી છે. તેમને ચીનની ટોચની રાજકીય સલાહકાર સંસ્થા ચાઇનીઝ પીપલ્સ પોલિટિકલ કન્સલ્ટેટિવ કોન્ફરન્સ (CPPCC)માંથી દૂર કરવામાં આવ્યા છે અને અન્ય રાજકીય હોદ્દાઓ પણ છીનવી લેવામાં આવ્યા હોવાનું અહેવાલોમાં સામે આવ્યું છે. મહત્વની વાત એ છે કે ચીનના સત્તાવાર તંત્રએ ઝાઓને આ પદોથી દૂર કરવા પાછળનું ચોક્કસ કારણ જાહેર કર્યું નથી.
આ જ કારણથી ઝાઓ સામેની કાર્યવાહી અંગે અનેક અટકળો શરૂ થઈ છે. વિશ્લેષકો આ પગલાને શી જિનપિંગ દ્વારા PLAમાં ચાલી રહેલા વ્યાપક પુનર્ગઠન સાથે જોડીને જોઈ રહ્યા છે. ચીનમાં છેલ્લા કેટલાક વર્ષોથી સૈન્યના ઉચ્ચ હોદ્દાઓ પર બેઠેલા અધિકારીઓ સામે ભ્રષ્ટાચાર, ગેરરીતિ અને પાર્ટી શિસ્તના મુદ્દે કાર્યવાહી થઈ રહી છે. જોકે, ઝાઓના કિસ્સામાં સત્તાવાર કારણ જાહેર ન થતાં તેમની હકાલપટ્ટી પાછળનો ચોક્કસ આધાર હજુ સ્પષ્ટ થયો નથી.અહેવાલો અનુસાર, ઝાઓ ઝોંગકી એવા થોડાક ચીની જનરલોમાંથી એક ગણાતા હતા જેમને વાસ્તવિક યુદ્ધનો અનુભવ હતો. ચીનની સેના વિશાળ હોવા છતાં તેના ઘણા વરિષ્ઠ અધિકારીઓ પાસે વાસ્તવિક યુદ્ધનો સીધો અનુભવ નથી. ઝાઓએ પોતાની લાંબી સૈન્ય કારકિર્દી દરમિયાન વિવિધ મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવી હતી અને ભારત સાથેની પશ્ચિમી સરહદ પર તેમની જવાબદારીને કારણે તેઓ ખાસ મહત્વ ધરાવતા હતા.
આ કાર્યવાહીનો બીજો મહત્વપૂર્ણ પાસો ચીનના શક્તિશાળી સૈન્ય નેતા ઝાંગ યુશિયા સાથે ઝાઓના જૂના સૈન્ય સંબંધોને લઈને ચર્ચામાં આવ્યો છે. અહેવાલોમાં જણાવાયું છે કે ઝાઓએ પોતાની કારકિર્દીના એક તબક્કે ઝાંગ હેઠળ કામ કર્યું હતું. જોકે, બંને વચ્ચેના જૂના સૈન્ય સંબંધોને આધારે ઝાઓ કોઈ ચોક્કસ ‘ગૂટ’ના સભ્ય હતા એવું સાબિત થતું નથી. ચીનની અત્યંત ગોપનીય સત્તા વ્યવસ્થાને કારણે આવા સંબંધો અને આંતરિક રાજકીય સમીકરણોની ચોક્કસ માહિતી બહાર આવતી નથી.ઝાંગ યુશિયા પોતે ચીનની સૈન્ય વ્યવસ્થામાં અત્યંત શક્તિશાળી વ્યક્તિ રહ્યા હતા અને સેન્ટ્રલ મિલિટરી કમિશનના ઉપાધ્યક્ષ સુધી પહોંચ્યા હતા. પરંતુ 2026માં તેમના વિરુદ્ધ પણ ગંભીર શિસ્ત અને કાયદાકીય ઉલ્લંઘનોની તપાસ શરૂ થઈ અને 28 ઓગસ્ટે તેમને સેન્ટ્રલ મિલિટરી કમિશનની રાજ્ય સંસ્થામાંથી દૂર કરવામાં આવ્યા હતા.
ઝાઓને CPPCCમાંથી દૂર કરવામાં આવ્યા બાદ અને ત્યારબાદ ઝાંગ સામે થયેલી કાર્યવાહી વચ્ચેના સમયગાળાને કારણે બંને ઘટનાઓ વચ્ચે કોઈ વ્યાપક સૈન્ય નેટવર્ક અથવા આંતરિક ‘ક્લીન-અપ’ની કડી હોઈ શકે તેવી અટકળો ઊભી થઈ છે. જોકે, આ અંગે બેઇજિંગે કોઈ સત્તાવાર કારણ આપ્યું નથી.ચીનની સૈન્ય વ્યવસ્થામાં ભ્રષ્ટાચાર પણ એક મોટો મુદ્દો રહ્યો છે. PLAમાં વિશાળ પ્રમાણમાં સૈન્ય સાધનો, ટેક્નોલોજી અને અન્ય ખરીદી પ્રક્રિયાઓ થાય છે, જો કે તેના કારણે ઉચ્ચ સ્તરે ગેરરીતિની સંભાવના અંગે લાંબા સમયથી ચર્ચા થતી રહી છે. શી જિનપિંગે સત્તામાં આવ્યા બાદ ભ્રષ્ટાચાર વિરોધી અભિયાનને વિશાળ બનાવ્યું અને હજારો અધિકારીઓ સામે કાર્યવાહી થઈ હોવાનું અહેવાલોમાં સામે આવ્યું છે. સૈન્ય ક્ષેત્ર પણ આ અભિયાનથી અછૂત રહ્યું નથી.પરંતુ વિશ્લેષકોના મતે ચીનમાં આવા અભિયાનોનો મુદ્દો માત્ર ભ્રષ્ટાચાર પૂરતો મર્યાદિત નથી. શી જિનપિંગ માટે સૈન્યની પાર્ટી પ્રત્યેની અખંડ વફાદારી પણ એટલી જ મહત્વપૂર્ણ છે.
માઓના ‘પાર્ટી કમાન્ડ્સ ધ ગન’ના સિદ્ધાંતનો આધુનિક અર્થ એ જ છે કે PLAમાં કોઈ પણ વ્યક્તિ કે જૂથ એટલું શક્તિશાળી ન બને કે તે કમ્યુનિસ્ટ પાર્ટીના કેન્દ્રીય નેતૃત્વ માટે સ્વતંત્ર શક્તિ કેન્દ્ર બની શકે.ઝાઓ ઝોંગકી સામેની કાર્યવાહીનો સંદેશ પણ આ જ દિશામાં જોવામાં આવી રહ્યો છે. ડોકલામ અને ગલવાન જેવા સંવેદનશીલ સરહદી સંઘર્ષો દરમિયાન મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર અને લાંબા સૈન્ય અનુભવ ધરાવતા જનરલને રાજકીય પદોથી દૂર કરવું દર્શાવે છે કે ચીનમાં ભૂતકાળની સૈન્ય ભૂમિકા અથવા અનુભવ કોઈ વ્યક્તિને કાયમી રાજકીય સુરક્ષા આપતો નથી.
ભારતના દૃષ્ટિકોણથી પણ આ ઘટનાક્રમ મહત્વપૂર્ણ છે. ઝાઓ એ જ સૈન્ય કમાન્ડના વડા હતા જે ભારત-ચીન સરહદના મોટા ભાગના વિસ્તાર માટે જવાબદાર છે. ડોકલામ, ગલવાન દરમિયાન તેમની કમાન્ડ હેઠળ ચીનની સૈન્ય વ્યૂહરચના અમલમાં આવી હતી. તેથી તેમની રાજકીય હકાલપટ્ટી ચીનના આંતરિક સૈન્ય અને રાજકીય સમીકરણોમાં મોટા ફેરફારના સંકેત તરીકે જોવામાં આવી રહી છે.હાલ સૌથી મોટો પ્રશ્ન એ છે કે ઝાઓ ઝોંગકી પર કાર્યવાહીનું સાચું કારણ શું છે? ચીનના સત્તાવાર તંત્રએ હજુ સુધી કોઈ સ્પષ્ટ જવાબ આપ્યો નથી. તેથી ભ્રષ્ટાચાર, આંતરિક સૈન્ય નેટવર્ક, રાજકીય વફાદારી અથવા જિનપિંગના સૈન્ય પર વધુ મજબૂત નિયંત્રણ જેવા તમામ મુદ્દાઓ પર ચર્ચા ચાલી રહી છે.
એક વાત સ્પષ્ટ છે કે શી જિનપિંગની ચીનમાં સૈન્ય માટે સૌથી મોટો સંદેશ યથાવત છે,સેના શક્તિશાળી હોઈ શકે, જનરલ પ્રભાવશાળી હોઈ શકે, પરંતુ અંતિમ નિયંત્રણ કમ્યુનિસ્ટ પાર્ટી અને તેના સર્વોચ્ચ નેતૃત્વનું જ રહેશે. ગલવાન અને ડોકલામ દરમિયાન મહત્વપૂર્ણ કમાન્ડ સંભાળનારા જનરલ ઝાઓ ઝોંગકી સામેની કાર્યવાહી આ જ સિદ્ધાંતના નવા પ્રદર્શન તરીકે જોવામાં આવી રહી છે.