National

દિલ્હીમાં મણિપુરી સંગીતકારનું મોત, રાહુલ ગાંધીએ પૂછ્યું- ગૃહ મંત્રાલય શું કરી રહ્યું છે?

દિલ્હીમાં મણિપુરના 54 વર્ષીય સંગીતકાર ચોંગથમ વિક્રમ સિંહ પર થયેલા હુમલામાં સારવાર દરમિયાન તેમનું મોત થયું છે. કિલોકરી ગામમાં રહેતા વિક્રમ સિંહ રવિવારે રાત્રે કચરો ફેંકવા માટે ઘરની બહાર ગયા હતા. આ દરમિયાન રસ્તા પર હોબાળો કરી રહેલા કેટલાક યુવકોને તેમણે અવાજ ઓછો કરવા કહ્યું હતું. ત્યારબાદ તેમની સાથે બોલાચાલી થઈ અને આરોપીઓએ તેમનો પીછો કરીને તેમના પર હુમલો કર્યો હતો. મળતી માહિતી મુજબ, રવિવારે રાત્રે આશરે 11:30 વાગ્યે વિક્રમ સિંહ કચરો ફેંકવા માટે નીચે ગયા હતા. ત્યાં લગભગ આઠ યુવકો શોર કરી રહ્યા હતા. વિક્રમ સિંહે તેમને અવાજ ઓછો કરવા કહ્યું હતું. આ વાતથી યુવકો ઉશ્કેરાયા અને તેમનો પીછો કરતા બિલ્ડિંગના ત્રીજા માળ સુધી પહોંચ્યા હતા. ત્યારબાદ તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો.

હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા વિક્રમ સિંહને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. ઘટનાની જાણ થતાં પોલીસે તપાસ શરૂ કરી હતી અને અત્યાર સુધીમાં સાત પુખ્ત આરોપીઓ તથા એક સગીરની ધરપકડ કરી હોવાનું સામે આવ્યું છે. પોલીસે આ મામલે ભારતીય ન્યાય સંહિતા હેઠળ કેસ નોંધ્યો છે. ધરપકડ કરાયેલા આરોપીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે અને હુમલા પાછળનું ચોક્કસ કારણ તથા સમગ્ર ઘટનાક્રમ અંગે વધુ તપાસ ચાલી રહી છે.

આ ઘટનાએ દિલ્હીમાં પૂર્વોત્તરના લોકોની સુરક્ષાને લઈને પણ સવાલો ઉભા કર્યા છે. મણિપુરના રહેવાસી વિક્રમ સિંહ પર થયેલા હુમલા બાદ પૂર્વોત્તર રાજ્યોમાંથી દિલ્હીમાં રહેતા લોકોની સુરક્ષાને લઈને ચર્ચા તેજ બની છે. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પણ આ ઘટનાને લઈને કેન્દ્ર સરકાર અને દિલ્હી પોલીસ સામે સવાલો ઉઠાવ્યા છે. તેમણે પૂછ્યું છે કે દિલ્હીમાં પૂર્વોત્તરના લોકો વિરુદ્ધ વધતી અરાજકતા અને હિંસા રોકવા માટે ગૃહ મંત્રાલય તથા દિલ્હી પોલીસ શું કરી રહી છે.

રાહુલ ગાંધીએ આ મામલે ઝડપી તપાસ કરવાની અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. તેમણે એવી પણ માગ કરી છે કે પૂર્વોત્તરના લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે અસરકારક પગલાં લેવામાં આવે. મણિપુરના પૂર્વ મુખ્યમંત્રી એન. બિરેન સિંહે પણ વિક્રમ સિંહના મોત પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. હાલ પોલીસ આ કેસમાં ધરપકડ કરાયેલા આરોપીઓની પૂછપરછ કરી રહી છે. ઘટનાના કારણો, હુમલામાં કોની કેટલી ભૂમિકા હતી અને આરોપીઓએ વિક્રમ સિંહનો પીછો કરીને તેમના ઘર સુધી જઈને હુમલો કેમ કર્યો તે અંગે તપાસ કરવામાં આવી રહી છે. આ ઘટનાએ રાજધાની દિલ્હીમાં કાયદો અને વ્યવસ્થા ઉપરાંત પૂર્વોત્તરના લોકોની સુરક્ષાને લઈને ગંભીર ચર્ચા ઉભી કરી છે. હવે તપાસમાં સામે આવનારી વિગતો અને કોર્ટની કાર્યવાહી પર સૌની નજર રહેશે.

Most Popular

To Top