SURAT

સુરત: લાઈટ કમિટીના ચેરમેનને ડે.ઈજનેરે સંભળાવ્યું ‘આટલા વાગે ફોન કરો છો, ભાન પડે છે કે નહીં’

સુરત : છેલ્લા થોડા સમયથી સુરત મનપાના (SMC) વહીવટમાં ચુંટાયેલા પ્રતિનિધિની પકડ ઢીલી પડી રહી હોવાની ચર્ચા વચ્ચે મનપાની લાઇટ ફાયર સમિતિની (Light Fire Committee) ચેરમેન કિશોર મિયાણીને સ્ટ્રીટ લાઇટ (Street light) બંધ હોવા અંગે ફોન (Call) કરતાં કતારગામ ઝોનમાં લાઇટ વિભાગના ડેપ્યુટી ઇજનેરે ચેરમેન સાથે એલફેલ ભાષામાં વાત કરી ગેરવર્તણુંક કરતા વિવાદ થયો છે.

  • કિશોર મિયાણી સાથે ડે.ઈજનેર શશી પટેલના ઉદ્ધતવર્તન અંગે મેયરે કમિશનરને નોંધ મુકી કાર્યવાહી કરવા જણાવ્યું
  • કતારગામની વિજયનગર સોસાયટીમાં નવરાત્રી દરમિયાન સ્ટ્રીટલાઈટ બંધ હોવાથી ફોન કરનાર સાથે એલફેલ ભાષામાં વાત કરી ગેરવર્તણુંક કરતા વિવાદ થયો
  • મનપાના અધિકારીઓ માટે શાસકો ભાજીમુળા હોય તેવી પ્રતિતિ થઇ

મળતી વિગતો મુજબ કતારગામ ઝોનમાં વિજય નગર-1 સોસાયટીમાં નવરાત્રિ સમયે જ સ્ટ્રીટ લાઈટ બંધ હોવાથી લાઈટ એન્ડ ફાયર કમિટીના ચેરમેન કિશોર મીયાણીને આ અંગે ફરિયાદ કરી હતી. તેથી કિશોર મીયાણીએ કતારગામ ઝોનમાં લાઈટ વિભાગમાં ફરજ બજાવતા ડેપ્યુટી ઈજનેર શશીકાન્ત પટેલને આ સમસ્યાનું નિરાકરણ લાવવા રાત્રે 11 વાગ્યે ફોન કર્યો હતો. જો કે ડેપ્યુટી ઈજનેરે લાઈટ સમિતિના ચેરમેન સાથે ઉદ્ધતાઇથી વાત કરતા કહ્યું હતું કે, તમને ભાન નથી હું અત્યારે ડ્યુટી પર નથી. તમે મારા નીચેના કર્મચારી સાથે વાત કરી લો નહીંતર ઈજારદાર સાથે વાત કરો. તોછડાઈ ભર્યો જવાબ આપી ડેપ્યુટી ઈજનેરે ફોન કટ કરી દીધો હતો.

તેથી મનપાના અધિકારીઓ માટે શાસકો ભાજીમુળા હોય તેવી પ્રતિતિ થઇ રહી છે. જો કે આ મુદ્દે લાઈટ એન્ડ ફાયર કમિટીના ચેરમેન કિશોર મીયાણીએ મેયર હેમાલી બોઘાવાલાને લેખિતમાં ફરિયાદ કરી છે. મેયરે ડેપ્યુટી ઈજનેર સામે કાર્યવાહી કરી ત્રણ દિવસમાં રિપોર્ટ કરવા મનપા કમિશનરને નોંધ મુકી છે. અત્રે ઉલ્લખનીય છે કે, જેણે ચેરમેન સાથે ઉદ્ધતવર્તન કર્યુ તે ડેપ્યુટી ઈજનેર શશીકાન્ત અગાઉ સ્મીમેર હોસ્પિટલમાં આસિસ્ટન્ટ ઈજનેરની પોસ્ટ પર હતા પરંતુ ત્યાં એસી બંધ હોવાની ફરિયાદ હતી. આવી નબળી અને વિવાદી કામગીરી છતાં તેને ડેપ્યુટી ઈજનેર તરીકે પ્રમોશન આપવામાં આવતા વિવાદ થયો હતો.

Most Popular

To Top