Columns

જીવનની પરેશાનીઓ

એક દિવસ માણસ પોતાના જીવનની બધી જ જુદી જુદી કામની ,પરિવારની ,બાળકોની,સમાજની સ્વાસ્થ્યની અનેક પરેશાનીઓથી ઘેરાયેલો હતો…થાકેલો હતો …નાસીપાસ અને નિરાશ થયેલો હતો.હતાશ માણસ એક પરેશાની દૂર કરવાનો પ્રયત્ન કરતો અને બીજી અનેક માથું ઊંચકતી. પરેશાનીઓથી લડીને થાકીને હારીને માણસ સૂઈ ગયો. સપનામાં તેણે જોયું કે એક નહિ અનેક પરેશાનીઓ સુંદર સુંદરીઓ બનીને તેના પલંગની આજુબાજુ ફરી રહી હતી અને માણસ વચ્ચે થાકીને બેઠો હતો.માણસે પરેશાનીઓને પૂછ્યું, ‘અરે શું તમે બધા મને જ પરેશાન કરો છો ?? બધી જ મુશ્કેલીઓ બનીને મારા જ જીવનમાં આવો છો ??’ પરેશાનીઓ હસીને બોલી, ‘અરે અમે તો બધાના જીવનમાં છીએ પણ તમને દરેક માણસને એમ લાગે છે કે મારા જ જીવનમાં સૌથી વધારે તકલીફો છે.’

માણસ બોલ્યો, ‘અરે હું જેટલી ચિંતા કરું જેટલો તમારાથી બચવાના અને દૂર ભગવાના પ્રયત્નો કરું છું એટલી તમારી સંખ્યા વધતી જાય છે .’ પરેશાનીઓ ફરી હસીને બોલી, ‘અરે ચિંતા અમારો ખોરાક છે એટલે જેટલી ચિંતા વધારે કરીશ એટલું અમને બળ મળશે તો અમારી સંખ્યા વધશે જ…અને અમારાથી કોઈ છૂટી શકતું નથી…જો તું સામનો નહિ કરે અને દૂર ભગવાના પ્રયત્નો કરીશ તો અમે ઓછી નહિ થઈએ વધતી જ રહેશું.જેટલો તું દૂર જવાની કોશિશ કરીશ એટલો તને ઘેરી લેશું સમજ્યો…’ માણસ માથે હાથ દઈને બેઠો હતો તે ઉશ્કેરાઈ ગયો અને બોલ્યો, ‘તો હવે તમે ખુદ પરેશાનીઓ જ મને તમારાથી બચવાના માર્ગ દેખાડો…પરેશાનીઓ બોલી, ‘જો આમ ઉશ્કેરાઈ ન જા.

અમે તને રસ્તા દેખાડી શકીશું પણ તેની પર ચાલવું તો તારે જ પડશે અને મહેનત પણ તારે જ કરવી પડશે.સૌથી પહેલાં જીવનની પરેશાનીઓ અને મુશ્કેલીઓનો એટલે કે અમારો સ્વીકાર કરી અમને સમજ દૂર ભાગવાથી કે આંખ આડા કાન કરવાથી કોઈ માર્ગ નહિ મળે અને જીવનમાં જયારે અમે વધીએ ત્યારે ચૂપ રહે…શાંત થા તારા જીવનની પરેશાનીઓ વિષે રોક્કળ મચાવવાથી કે ફરિયાદો કરવાથી તે દૂર નહિ થાય.શાંત રહી કામ કરતો રહીશ તો ધીમે ધીમે માર્ગ નીકળતો જશે.’માણસ બોલ્યો, ‘એ તો કહેવું સહેલું છે પણ તમારા જેવી અનેક પરેશાનીઓથી ઘેરાયેલો કોઈ પણ માણસ શાંત કે ચૂપ ક રીતે રહી શકે એ તો ચીસ પાડી ફરિયાદ જ કરે ને…’ પરેશાનીઓ બોલી, ‘ધીરજ થી …જો તું ધીરજ રાખીશ તો શાંત રહી શકીશ અને જીવનમાં ધીરજ અને સંતોષ રાખવામાં આવે તો ધીમે ધીમે અમે બધી જ પરેશાનીઓ તારા જીવનમાંથી ચાલી જશું અને એથી પણ આગળ જો રોજ તું ભગવાનનો પાડ માનીશ અને પ્રભુ તમે જે કરો તે સારું એમ માનીશ અને પ્રભુનામ લઈશ તો ધીરજ બઢતી જશે …ભક્તિ વધતી જશે અને અમે પરેશાનીઓ તારી સાચી ખુશીઓ બની જશું.’માણસને સપનામાં પરેશાનીઓથી છૂટવાનો માર્ગ અને સમજ મળી.

Most Popular

To Top