Dakshin Gujarat

‘નેતાઓ અધિકારીઓ પાસે હપ્તા લે છે’, નર્મદા જિલ્લાના ભાજપના સાંસદ મનસુખ વસાવા આવું કેમ બોલ્યા?

રાજપીપળા: અત્યાર સુધી સાંભળ્યું હતું કે અધિકારીઓ હપ્તા ઉઘરાવે છે પરંતુ હવે નવી વાત બહાર આવી છે. પ્રજાના મતથી ચૂંટાયેલા નેતાઓ દર મહિને અધિકારીઓ પાસેથી ટકાવારી રૂપે હપ્તા લે છે. આ મુજબનો આક્ષેપ કરતા એક નનામા પત્રએ નર્મદા જિલ્લામાં ખળભળાટ મચાવી દીધો છે.

નર્મદા જિલ્લાના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો પાસેથી જિલ્લાના રાજકીય પાર્ટીના નેતાઓ દર મહિને હપ્તા લે છે એ રીતનો એક નનામો પત્ર ભાજપ સાંસદ મનસુખભાઈ વસાવાને મળ્યો છે. તો બીજી બાજુ મનસુખભાઈ વસાવાએ આ પત્રમાં લખેલી તમામ બાબતો સત્ય હોવાનો સ્વીકાર કરતાં જિલ્લાના રાજકારણમાં હાલ ખળભળાટ મચ્યો છે.

નર્મદા જિલ્લામાં ભાજપ, કોંગ્રેસ અને આપના નેતાઓ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો પાસે દર મહિને ધાકધમકી આપી હપ્તા માંગે છે. અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો એમનાથી ત્રાસી ગયા છે. કેટલાક નેતાઓ અધિકારીઓ પાસે પ્રજાને ગેરમાર્ગે દોરવા વિકાસનાં કામમાં તપાસ માંગે છે અને એ જ અધિકારીઓ પાસે દર મહિને ખંડણી, ટકાવારી અને હપ્તા લે છે. આવા અનેક ગંભીર આક્ષેપો કરતો એક નનામો પત્ર ભાજપ સાંસદ મનસુખ વસાવાને મળ્યો છે. તો આ બાબતે ભાજપ સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે, આવો નનાનો પત્ર મને મળ્યો છે એ પત્ર કોણે લખ્યો છે એ મને ખ્યાલ નથી. પરંતુ પત્રમાં લખેલી તમામ બાબતો એકદમ સત્ય છે.

ભાજપ સાંસદ મનસુખભાઈ વસાવાએ વધુમાં જણાવ્યું હતું કે આ સિલસિલો મોટા પાયે ચાલતો થયો છે. આ કોઈ એક પક્ષના લોકો નહીં, પરંતુ પત્રમાં તમામ પક્ષોનાં નામોનો ઉલ્લેખ છે. આ તમામ આક્ષેપો સાચા છે. હવે એટલી હદે આ ટકાવરી માંગે છે કે, અધિકારીઓ અને મોટા કોન્ટ્રાક્ટરો ત્રાસી ગયા છે.

કોઈ પણ વિકાસનાં કામોમાં જો ટકાવારી અને ખંડણી આપવામાં આવે તો સ્વાભાવિક છે કે એમાં સરકારના પૈસાનો દુરુપયોગ થવાનો છે અને ભ્રષ્ટાચાર થવાનો જ છે. અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સીધી રીતે હપ્તા કે ટકાવારી ન આપે તો એ અધિકારીઓ પાસે પ્રજાને ગેરમાર્ગે દોરવા તપાસ માંગે છે. એ તપાસ માંગવા છતાં પણ પાછા હપ્તા તો માંગવાના જ. જો કે, આવા કટકીબાજ લોકોનો સમય પૂરો થવાનો છે. મેં જિલ્લા સંકલનની બેઠકમાં અધિકારીઓનું ધ્યાન દોર્યુ હતું કે વિકાસનાં કામો ગુણવત્તા કરાવો અને સરકાર ગ્રાન્ટ કાળજીથી વાપરો.

Most Popular

To Top