Latest News

More Posts

2014માં કેન્દ્રમાં સરકાર ગુમાવ્યા બાદ આખા દેશમાં પરાજયનો સામનો કરનાર કોંગ્રેસને લોકસભાની ચૂંટણીમાં 44 બેઠક પરથી સીધી 99 બેઠક મળતા કોંગ્રેસના આગેવાનો સહિત કાર્યકરોનો જુસ્સો ચરમસીમાએ પહોંચી ગયો હતો. કોંગ્રેસને એવું લાગ્યું હતું કે આગામી દિવસોમાં સત્તા હાથમાં આવી જશે, પરંતુ કોંગ્રેસ જેનું નામ, લોકસભાની ચૂંટણીમાં સારો દેખાવ કર્યા બાદ પણ હરિયાણા અને હવે મહારાષ્ટ્રમાં કોંગ્રેસે વિધાનસભામાં જીતની બાજી ગુમાવી.

બંને રાજ્યોમાં એવું મનાતું હતું કે, કોંગ્રેસને સત્તા મળશે, મહારાષ્ટ્રમાં ગઠબંધનમાં તો હરિયાણામાં તો કોંગ્રેસને એકલા હાથે સત્તા મળવાની ભવિષ્યવાણી હતી પરંતુ કોંગ્રેસ બંને રાજ્યો હારી ગઈ. રણમાં મીઠી વીરડી સમાન કોંગ્રેસ મહારાષ્ટ્રમાં પેટાચૂંટણીમાં લોકસભાની એક બેઠક જરૂર જીતી હતી પરંતુ વિધાનસભામાં હાર કોંગ્રેસ માટે મોટો મનોમંથનનો વિષય છે. મહારાષ્ટ્રની સાથે કોંગ્રેસે વાયનાડમાં પણ લોકસભાની પેટાચૂંટણી જીતી અને પ્રિયંકા ગાંધીનો લોકસભામાં પ્રવેશ થયો. પ્રિયંકા ગાંધીએ ગુરૂવારે લોકસભામાં શપથ લીધા અને સૌની નજર હવે એ મુદ્દે સ્થિર થઈ છે કે લોકસભામાં પ્રિયંકા ગાંધી કેવો કરિશ્મા બતાવે છે.

પ્રિયંકા ગાંધી રાહુલ ગાંધીથી બે વર્ષ નાના છે. જોકે, પરિપકવતાના મામલે એવો અનુભવ થયો છે કે પ્રિયંકા ગાંધી રાહુલ ગાંધી કરતાં વધુ પરિપકવ છે. કેરળના વાયનાડમાંથી ચૂંટણી જીતવાને કારણે પ્રિયંકા ગાંધીએ કેરળની સંસ્કૃતિ સમાન કસાવુ સાડી પહેરીને સાંસદ તરીકેના શપથ લીધા હતા. પ્રથમ પગથિયે જ પ્રિયંકા ગાંધીએ બતાવ્યું કે, કદાચ કોંગ્રેસને તે દેશમાં સત્તા પર લાવવા માટે ભરપુર પ્રયાસો કરશે. હાલમાં 52 વર્ષની વય ધરાવતા પ્રિયંકા ગાંધીને રાજકારણ વારસામાં મળ્યું છે. શરૂઆતમાં દહેરાદુન અને બાદમાં દાદી ઈન્દિરા ગાંધીની હત્યાને પગલે ઘરમાં જ સ્કૂલિંગ કરનારા પ્રિયંકા ગાંધીએ સાયકોલોજીમાં સ્નાતક અને બોદ્ધ અભ્યાસમાં અનુસ્નાતક ડિગ્રી મેળવી છે.

પ્રિયંકા ગાંધીએ 2004માં લોકસભાની ચૂંટણીમાં માતા સોનિયા ગાંધી અને ભાઈ રાહુલ ગાંધી માટે પ્રચાર કરીને સક્રિય રાજકારણમાં પગ મુક્યો હતો. સક્રિય રાજકારણમાં જોડાવવાની શરૂઆતમાં પ્રિયંકા ગાંધીની ઈચ્છા નહોતી પરંતુ બાદમાં પ્રચારથી શરૂ કરીને હાલમાં સાંસદ સુધીની સફર પુરી કરી છે. પ્રિયંકા ગાંધીએ 23 જાન્યુઆરી 2019 ના રોજ યુપીના ઉત્તર પ્રદેશના પૂર્વ ભાગના પ્રભારી એઆઈસીસીના મહાસચિવ તરીકે અને ત્યારબાદ સમગ્ર ઉત્તર પ્રદેશ રાજ્યના પ્રભારી તરીકે કામગીરી કરી હતી પરંતુ પ્રિયંકા ગાંધી યુપીમાં કોંગ્રેસને એટલી મજબુત કરી શક્યા નહીં. 2022માં થયેલી યુપીની ચૂંટણીમાં પ્રિયંકા ગાંધીએ પ્રચાર અભિયાનની કમાન સંભાળી હતી પરંતુ તમામ પ્રયાસો છતાં પ્રિયંકા ગાંધી કોંગ્રેસને જીતાડી શક્યા નહોતા.

ઉપરથી 403 વિધાનસભા બેઠકોમાંથી કોંગ્રેસને માત્ર 2 જ બેઠક મળી હતી. જેને પગલે પ્રિયંકા ગાંધીએ એઆઈસીસીના જનરલ સેક્રેટરી તરીકે રાજીનામું પણ આપી દીધું હતું. પ્રિયંકા ગાંધીનો દેખાવ પોતાના દાદી ઈન્દિરા ગાંધી જેવો હોવાથી કોંગ્રેસના કાર્યકરોને એવી આશા થઈ ગઈ હતી કે પ્રિયંકા ગાંધી પોતાની દાદીના જેવો કરિશ્મા કરી બતાવશે પરંતુ પ્રિયંકા ગાંધી કાર્યકરોની આ ઈચ્છા હજુ સુધી પુરી કરી શક્યા નથી. હાલમાં સંસદનું સત્ર ચાલી રહ્યું છે. વિપક્ષોના વિરોધને કારણે સંસદની કાર્યવાહી ચાલી શકી નથી. પરંતુ પ્રિયંકા ગાંધી લોકસભામાં શું કરે છે તેની પર કોંગ્રેસના કાર્યકરોની સાથે તમામ પક્ષના કાર્યકરોની નજર છે.

રાહુલ ગાંધી અગાઉ કરતાં વધુ પરિપકવ બન્યા છે. વધુ આક્રમક બન્યા છે. મુદ્દા આધારીત વાત કરતાં થયા છે. ટ્રોલનો સામનો કરતાં શીખ્યા છે. હવે રાહુલ ગાંધીને સંસદમાં પ્રિયંકા ગાંધીનો સાથ મળશે. ભારતમાં વિપક્ષ તરીકે જો શાસકોને ભીંસમાં મુકવા હોય તો મુદ્દાઓની કમી નથી પરંતુ કયા મુદ્દા ઉપાડવા તે વિપક્ષોએ શીખવાની જરૂરીયાત છે. પ્રિયંકા ગાંધી સારૂં ભાષણ પણ કરી શકે છે ત્યારે ભાઈ-બહેનની આ જોડી કોંગ્રેસને કેવી રીતે ફરી દેશમાં મજબુત કરવાની સાથે સત્તા પર લાવી શકે છે તે મહત્વનું છે. જો પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધી કોંગ્રેસની નૈયા પાર પાડી નહીં શકે તો કોંગ્રેસ ભવિષ્યમાં દેશમાંથી નામશેષ થઈ જશે તે નક્કી છે.

To Top