Latest News

More Posts

ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા વાર્ષિક દીક્ષાંત સમારંભમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની પ્રેરક ઉપસ્થિતિ

સ્વ’ના વિકાસ સાથે સમાજ અને માનવજાતના કલ્યાણ માટે જ્ઞાનનો ઉપયોગ કરવાની અપીલ
ગોધરા:
પંચમહાલ જિલ્લાના વિંઝોલ સ્થિત ગોવિંદ ગુરુ યુનિવર્સિટીનો 7મો વાર્ષિક દીક્ષાંત સમારંભ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ દીક્ષાંત સમારંભમાં યુનિવર્સિટીની વિવિધ શાખાઓના ૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી તથા સુવર્ણ ચંદ્રક એનાયત કરવામાં આવ્યા હતા. સાથે સાથે ૧૪૦ જેટલા વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ (PhD)ની ડિગ્રી આપવામાં આવી હતી.

ગુરુ ગોવિંદને સ્મરણાંજલિ, સમાજ સુધારણાનો સંદેશ
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ભારતની આઝાદીમાં યોગદાન આપનાર સ્વાતંત્ર્ય સેનાની તથા સમાજ સુધારક ગુરુ ગોવિંદને સ્મરણાંજલિ અર્પણ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ગુરુ ગોવિંદે આદિવાસી સમાજમાં રહેલા કુરિવાજો દૂર કરી સમાજ સુધારણાનું મહત્ત્વપૂર્ણ કાર્ય કર્યું હતું, જે આજે પણ યુવાનો માટે પ્રેરણારૂપ છે.
શિક્ષકો અને માતા-પિતાના ત્યાગની ગૌરવપૂર્વક યાદ

રાજ્યપાલે ગોલ્ડ મેડલ વિજેતાઓ સહિત તમામ ડિગ્રીધારક વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા. સાથે જ વિદ્યાર્થીઓના જીવન ઘડતરમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર શિક્ષકો તેમજ પોતાના સપનાઓને બાજુએ રાખી સંતાનોના શિક્ષણ માટે સમર્પિત માતા-પિતાના ત્યાગને ગૌરવપૂર્વક યાદ કર્યા હતા.
સત્ય, ધર્મ અને માનવતાના માર્ગે ચાલવાની અપીલ

તૈત્તિરીય ઉપનિષદના ઉપદેશનો ઉલ્લેખ કરતાં રાજ્યપાલે જણાવ્યું હતું કે સત્ય પ્રકાશની જેમ અંધકારને દૂર કરે છે અને સત્યવાદી જીવન ભય અને તણાવથી મુક્ત રાખે છે. તેમણે વિદ્યાર્થીઓને અપીલ કરી હતી કે તેઓ શુભકર્મ, વિવેક અને બુદ્ધિકૌશલ્ય દ્વારા મેળવેલા જ્ઞાનનો ઉપયોગ ‘સ્વ’ના વિકાસની સાથે સમાજ અને માનવજાતના કલ્યાણ માટે કરે.
રાજ્યપાલે ઉમેર્યું હતું કે માનવ જીવન માત્ર રોટી, કપડાં અને મકાન પૂરતું નથી, પરંતુ સહિષ્ણુતા, દયા અને પરોપકાર માનવતાની સાચી ઓળખ છે. શિક્ષણનો હેતુ માનવતા અને નૈતિકતાનો વિકાસ કરવાનો હોવો જોઈએ.
ચારિત્ર્ય નિર્માણ અને રાષ્ટ્ર ઘડતરની વાત
યુવા પદવીધારકોને સંબોધતા રાજ્યના ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ મંત્રી ત્રિકમભાઈ છાંગાએ જણાવ્યું હતું કે શિક્ષણનો હેતુ માત્ર રોજગાર મેળવવાનો નથી, પરંતુ ચારિત્ર્ય નિર્માણ દ્વારા સમાજ અને રાષ્ટ્રના ઘડતરમાં યોગદાન આપવાનો છે. જીવનના આગામી દસ વર્ષોને કારકિર્દી નિર્માણ માટે અત્યંત મહત્વના ગણાવી તેમણે યુવાનોને સંપૂર્ણ પરિશ્રમ અને સકારાત્મક દૃષ્ટિકોણ સાથે આગળ વધવા આહ્વાન કર્યું હતું.
યુનિવર્સિટીની પ્રવૃત્તિઓ અને ડિજિટલ સ્ટુડિયોનું ઇ-લોકાર્પણ
આ પ્રસંગે યુનિવર્સિટીના કુલપતિ હરિભાઈ કટારિયાએ સ્વાગત પ્રવચન કરીને યુનિવર્સિટીની શૈક્ષણિક, સંશોધન, રમતગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વાર્ષિક અહેવાલ રજૂ કર્યો હતો. કુલ સચિવ ડૉ. અનિલ સોલંકીએ આભાર વિધિ કરી હતી.
દીક્ષાંત સમારંભ દરમિયાન રાજ્યપાલ દ્વારા ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના ડિજિટલ સ્ટુડિયોની ઇ-લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું. મહાનુભાવો દ્વારા રાજ્યપાલનું સુતરની માળા પહેરાવી અને પીઠોરા પેઇન્ટિંગનું સ્મૃતિચિહ્ન આપી સન્માન કરવામાં આવ્યું હતું.
મહાનુભાવોની વિશાળ ઉપસ્થિતિ
આ સમારોહમાં જિલ્લા પ્રભારી મંત્રી રમેશભાઈ કટારા, રાજ્યસભા સાંસદ જસવંતસિંહ પરમાર, ધારાસભ્ય નિમિષાબેન સુથાર, જિલ્લા કલેક્ટર અજય દહિયા, જિલ્લા વિકાસ અધિકારી ડી.એમ. દેસાઈ, પોલીસ અધિક્ષક હરેશ દુધાત સહિત યુનિવર્સિટીના ટ્રસ્ટીગણ, આચાર્યો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

To Top