Surat Main

પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા સામે સુરતમાં હવે ‘આપ’ પણ મેદાનમાં: કરી બાઈક વેચવાની જાહેરાત

સુરત: (Surat) સુરતમાં કોંગ્રેસની સાયકલ રેલી બાદ હવે આમ આદમી પાર્ટી દ્વારા દેશમાં પેટ્રોલ ડિઝલના (Petrol Diesel) ભાવ વધારાનો વિરોધ શરૂ કરાયો છે. જોકે આપ પાર્ટી (Aam Admi Party) દ્વારા અનોખી રીતે સોમવારે ભાવ વધારાનો વિરોધ કરાયો હતો. આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા ગાડી વેચવાની છે એ પ્રકારના બેનરો સાથે વિરોધ નોંધાવી સરકાર વિરૂદ્ધો મોરચો ખોલવામાં આવ્યો છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઇ પણ પ્રકારનો ઘટાડો કરી શકતી ન હોવાથી તેઓ ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને રાહત આપવામાં નિષ્ફળ થઇ રહ્યા હોવાનો આપના કાર્યકર્તાઓ દ્વારા આક્ષેપ કર્યો હતો. સાથે જ બાઈક (Bike) અને કાર (Car) પર ગાડી વેચવાની છે બેનર લગાવવામાં આવ્યા હતાં.

દેશભરમાં પેટ્રોલ-ડિઝલના વધતા ભાવને કારણે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓમાં પણ ધરખમ વધારો થઈ રહ્યો છે. ખાદ્ય તેલ પણ છેલ્લા લાંબા સમયથી ભારે મોંઘુ થયું છે. રોજ કમાવીને ખાવાની સ્થિતિ પેટ્રોલના ભાવ વધારાને કારણે ખુબજ દયનીય બની છે. સોને પાર પહોંચી રહેલા પેટ્રોલના ભાવને કારણે અનેક ચીજ વસ્તુઓ પર અસર થઈ રહી છે. ત્યારે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા ભાવ વધારાનો વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. હવે સુરતમાં આમ આદમી પાર્ટીએ પણ વિરોધમાં ઝંપલાવ્યું છે.

આમ આદમી પાર્ટીના યુવા સંઘના કાર્યકર્તાઓએ સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં બેનરો લઇને વિરોધ નોંધાવ્યો હતો. કાર અને બાઈક વેચવાની જાહેરત કરતાં બેનરો લગાડી અનોખી રીતે વિરોધ કરવામાં આવ્યો હતો. શહેરનાં અણુવ્રત દ્વાર, અડાજણ, ભાગળ ચાર રસ્તા, વરાછા વગેરે વિસ્તારોમાં આપના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાને કારણે હવે લોકોને કાર અને બાઈક વેચવાનો વારો આવ્યો છે તેવો સંદેશ વહેતો કરાયો હતો. ગાડીમાં પેટ્રોલ ભરાવા કરતા તેને વેચી દેવી પોષાસે તેવા લખાણ સાથેના બેનરો લગાડી વિરોધ નોંધાવ્યો હતો.

આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા સ્કૂલોમાં ફી વધારાને લઇને પણ રોષ વ્યક્ત કરાયો હતો. કોરોનાને કારણે લોકોની આવક ઉપર માઠી અસર થઇ છે. એવામાં બાળકોની સ્કૂલ ફી ભરી શકાય તેવી કેટલાક પરિવારોની સ્થિતિ ન હોવા છતાં પણ શાળાના સંચાલકો દ્વારા ઘટાડો કર્યા વગર ફી વસુલવામાં આવી રહી છે. જેને લઈને પણ બાઈક અને કાર વેચવી પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું હોવાનું જણાવાયું હતું.

Most Popular

To Top