Gujarat

અમદાવાદમાં ભક્તો વિના જ 144મી જગન્નાથ રથયાત્રા માત્ર 4 કલાકમાં પૂર્ણ

કોરોના મહામારીને કારણે અમદાવાદ શહેરમાં ઇતિહાસમાં સૌપ્રથમ વખત અષાઢી બીજના રોજ સોમવારે 144મી જગન્નાથ રથયાત્રા રથયાત્રા ભાવિક ભક્તો, ગજરાજો, ભજન મંડળીઓ, આખાડાઓ અને સાંસ્કૃતિક ઝાંખીઓના ટેબ્લો વગર નીકળી હતી. આ વખતની રથયાત્રા કોવિડ પ્રોટોકોલ મુજબ તેના નિયત રૂટ ઉપર ફરીને માત્ર 4 કલાકમાં જ નીજ મંદિરે પરત આવી હતી. વહેલી સવારે ચાર વાગ્યે ગણતરીના જ શ્રદ્ધાળુઓ સાથે કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહે મંગળા આરતીમાં ભાગ લીધો હતો. તેમની સાથે ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજા પણ જોડાયા હતા. છેલ્લા ઘણા વર્ષોથી અમિત શાહ મંગળા આરતીમાં અવશ્ય હાજરી આપે છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શહેરના જમાલપુર મંદિર ખાતે ભગવાન જગન્નાથજીના રથના માર્ગને સોનાની સાવરણીથી સાફ કરી પહિંદ વિધિ કરી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રીએ કચ્છી નૂતન વર્ષ અવતરે કચ્છી સમાજના ભાઈ બહેનોને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી, સાથે સાથે દેશ અને ગુજરાત કોરોનાની મહામારીમાંથી જલ્દી મુક્ત થાય તેવી પણ પ્રાર્થના કરી હતી. આ પ્રસંગે તેમની સાથે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, અમદાવાદના મેયર કિરીટ પરમાર, મંદિરના મહંત દિલીપદાસ મહારાજ, ટ્રસ્ટી મહેન્દ્ર જ્હા અને અન્ય આગેવાનો જગન્નાથજીના દર્શન-અર્ચન માટે ઉપસ્‍થિત રહ્યા હતાં.

મુખ્યમંત્રીએ પાંચમી વાર પહિન્દ વિધિ કરી પ્રસ્થાન કરાવ્યું હતું. જોકે આ વખતની રથયાત્રામાં ભક્તો અને ભજન મંડળીઓ જોડાઈ ન હતી, તેથી ખૂબ જ ઝડપથી ભગવાન નગરચર્યાએ નીકળી શક્યા હતા. ભગવાનના મોસાળ સરસપુર ખાતે થોડીક મિનિટો માટે ભગવાન જગન્નાથજી, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાના રથ રોકાયા હતા.

ભગવાન જગન્નાથજી જ્યારે મોસાળ સરસપુર આવી પહોંચ્યા ત્યારે માત્ર દસ જ મિનિટમાં ભગવાનનું મામેરૂ ભરવામાં આવ્યું હતું. આ સમયે મામેરાના યજમાનોએ ભગવાનના વાઘા તેમજ સોના ચાંદીના દાગીના અને બહેન સુભદ્રાજીને પાર્વતી શણગાર અર્પણ કરી ધન્યતા અનુભવી હતી. ગણતરીની મિનિટોમાં મોસાળાની વિધિ સંપન્ન કરી રથયાત્રા તેના નિયત રૂટ ઉપર નિજ મંદિરે જવા માટે પરત નીકળી હતી.
રથયાત્રા જ્યારે તેના રૂટ ઉપર આગળ નીકળી હતી, ત્યારે માર્ગો ઉપર ઘરની અગાસીઓ, ધાબાઓ ઉપરથી લોકોએ ભગવાન જગન્નાથના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

કડડ પોલીસ બંદોબસ્ત વચ્ચે ઇતિહાસમાં પ્રથમ વખત કરફ્યૂમાં રથયાત્રા નીકળી
ભગવાન જગન્નાથજીની રથયાત્રા કોરોનાની મહામારીને પગલે કરફ્યૂ વચ્ચે નીકળી હતી. રાજ્યના ગૃહવિભાગ અને અમદાવાદ શહેર પોલીસ દ્વારા રથયાત્રાની ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. અર્ધ લશ્કરી દળોની ટુકડીઓને તૈનાત કરવામાં આવી હતી. રથયાત્રાના રૂટ ઉપર ડ્રોનની મદદથી પોલીસ નજર રાખી રહી હતી. તેમજ સંવેદનશીલ વિસ્તાર એવા પ્રેમ દરવાજા, દરિયાપુર, રંગીલા ચોકી, શાહપુર, શાહપુર અડ્ડા સહિતના વિસ્તારોમાં પોલીસે રોડની બન્ને સાઈડએ બેરીકેટ ઊભા કર્યા હતા. જેથી કોઈપણ ભક્તો રથ સુધી નજીક પહોંચી શકે નહીં. પોલીસ બંદોબસ્તની વાત કરીએ તો એકલા અમદાવાદ શહેરમાં 9 આઈજીપી, 33 એસ.પી, 74 ડીવાયએસપી, 230 પોલીસ ઇન્સ્પેક્ટર, 607 પોલીસ સબ ઇન્સ્પેક્ટર, 11800 કોસ્ટેબલ અને 30 જેટલી એસઆરપી અને પેરામીલટરી કંપનીઓના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને ગણતરીના ખલાસીઓ સાથે ભગવાન જગન્નાથજીની રથયાત્રા તેના નિયત રૂટ ઉપર નીકળી રંગેચંગે નીજ મંદિરે પરત ફરી હતી.

લોકોએ ઘરના ધાબા પરથી ભગવાનના રથ ઉપર પુષ્પવર્ષા કરી
રથયાત્રા જ્યારે રાયપુરમાં પહોંચી ત્યારે ભક્તોએ ભગવાનના રથ ઉપર પોતાના ઘરની અગાસી ધાબા ઉપરથી પુષ્પવર્ષા કરી હતી, તેવી જ રીતે ખાડિયામાં પણ લોકોએ ભગવાનના રથ ઉપર પુષ્પા વર્ષા કરી રથયાત્રામાં જોડાયાનો આનંદ માણ્યો હતો. ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને ગણતરીના ખલાસીઓ સાથે ભગવાન જગન્નાથજીની રથયાત્રા તેના નિયત રૂટ ઉપર નીકળી રંગેચંગે નીજ મંદિરે પરત ફરી હતી

Most Popular

To Top