Latest News

More Posts

સુરતઃ પશ્ચિમ રેલવે અત્યાર સુધીનું સૌથી મોટું ડાયવર્ઝન એનાઉન્સ કર્યું છે. સુરતના રેલવે સ્ટેશન પર નિયમિત ઉભી રહેતી 200 ટ્રેન આગામી 60 દિવસ સુરતમાં રોકાશે નહીં. આ તમામ ટ્રેનો આજે તા. 8 જાન્યુઆરીની મધરાતથી સુરતથી નજીક આવેલા ઉધના રેલવે સ્ટેશન પર થોભશે. લાખો યાત્રીઓએ સુરતના બદલે ઉધના સ્ટેશન પરથી ટ્રેન પકડવી પડશે.

ગુજરાતમાં સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ 2 અને 3 આગામી 60 દિવસ સુધી બંધ રહેશે. પશ્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝનના જણાવ્યા અનુસાર, આવી સ્થિતિમાં સુરતથી મુંબઈ જતી ટ્રેન 122 ઉધના રેલવે સ્ટેશનથી ચલાવવામાં આવશે. એટલું જ નહીં વડોદરા તરફ જતી 79 ટ્રેનો પણ ઉધના રેલવે સ્ટેશન પરથી જશે.

પશ્ચિમ રેલવેના સીપીઆરઓ વિનીત અભિષેકે એક નિવેદનમાં જણાવ્યું છે કે લોકોને માહિતી આપવાના હેતુથી રેલવે દ્વારા એક QR કોડ પણ જારી કરવામાં આવ્યો છે. હવે લોકો આ QR કોડની મદદથી આ ડાયવર્ટ કરાયેલી ટ્રેન વિશે માહિતી મેળવી શકશે.

આ કામ 2026માં પૂર્ણ થશે
કેન્દ્ર સરકારની મંજૂરી બાદ ડાયમંડ સિટીના રેલ્વે સ્ટેશનનો પુનઃવિકાસ કરવામાં આવી રહ્યો છે. તેનું કામ સુરત ઈન્ટીગ્રેટેડ ટ્રાન્સપોર્ટેશન ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (SITCO) દ્વારા કરવામાં આવી રહ્યું છે. તે ભારતીય રેલ્વે અને ગુજરાત સરકાર વચ્ચે રચાયેલ સ્પેશિયલ પર્પઝ વ્હીકલ (SPV) છે. સ્ટેશનના પુનઃવિકાસ પર અંદાજે 980 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે.

તેને ડિસેમ્બર 2026 સુધીમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય છે. સુરત સ્ટેશનને મલ્ટી-મોડલ ટ્રાન્સપોર્ટ હબ (MMTH) તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે જે એક છત નીચે સીમલેસ કનેક્ટિવિટી પૂરી પાડવા માટે રેલવે, GSRTC સિટી બસ ટર્મિનલ સ્ટેશન, સુરત BRTS/સિટી બસ સ્ટેશન, મેટ્રો વગેરેને એકીકૃત કરશે.

8 જાન્યુઆરીથી પ્લેટફોર્મ બંધ થઈ જશે
સુરત સ્ટેશનના ચાલી રહેલા સ્ટેશન રિડેવલપમેન્ટના કામ (ફેઝ-2)ના સંદર્ભમાં પ્લેટફોર્મ નંબર 4 પર કોન્કોર્સનું કામ પૂર્ણ થઈ ગયું છે. હવે પ્લેટફોર્મ નંબર 2 અને 3 પર કામ શરૂ કરવા માટે 8 જાન્યુઆરી 2025થી બ્લોક શરૂ કરવામાં આવશે. સુરત રેલ્વે સ્ટેશનથી ઉપડતી/ટર્મિનેટ થતી કેટલીક ટ્રેનોના ટર્મિનલને હંગામી ધોરણે ઉધના સ્ટેશન પર ખસેડવામાં આવી રહ્યા છે.

કેટલીક MEMU/પેસેન્જર ટ્રેનો પણ ઉધના, ભેસ્તાન અને નવસારી સ્ટેશનોથી ટૂંકી ઉપડશે/સમાપ્ત થશે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ટર્મિનલના રૂપાંતરણથી કામગીરી સરળ બનશે. તેનાથી સુરત સ્ટેશન પર ભીડ ઓછી થશે. પશ્ચિમ રેલ્વેએ મુસાફરોને તેમની મુસાફરી પહેલા ફેરફારો તપાસવા વિનંતી કરી છે.

To Top