Business

કાયમી આનંદ

એક અનુભવ સમૃધ્ધ વૃદ્ધ સાધુ ફરતા ફરતા એક ગામમાં આવ્યા….સાધુ જીવન જીવતા આ મહાત્મા ફરતા રહેતા …જે મળે તે ખાઈ લેતા …ઝાડ નીચે સુઈ જતા …અને જે મળે તેની સાથે પોતાના અનુભવ અને જ્ઞાનની વાતો કરતા….ન કોઈ ઈચ્છા ..ન કોઈ આગ્રહ ..ન ઝૂંપડી..ન પાથરણું …ન કોઈ ઉપદેશ ..આશ્રમ ..શિષ્યો બનાવવાનો વિચાર …અને ન કોઈ પોતાનો ઉપદેશ સાંભળે અને સુધરે તેવો આગ્રહ …સાચા અર્થમાં સઘળું છોડી દેનાર સાધુ… આવા મહાત્મા ગામને પાદર આવ્યા ..ગામલોકોએ આવકાર આપ્યો…કોઈના પણ ઘરે જવાની ના પાડી …અને ભિક્ષા પણ એક જ ઘરની સ્વીકારીશ તેમ કહ્યું….રોજ ગામલોકો સાધુ પાસે આવે અને કહે ‘બાપજી કૈંક વાતો કરો કે અમારું જીવન સુધરે..’સાદું સરળ ભાષામાં સરસ વાતો કહી તેમને સમજાવતા….ઘણા દિવસ વીત્યા.

સાધુએ હવે ત્યાંથી જવાનું નક્કી કર્યું અને ગામલોકોની વિદાય માંગી…ગામલોકોએ કહ્યું, ‘બાપજી જતા પહેલા અમને જીવનમાં હંમેશા આનંદ જ આનંદ રહે તે માટે શું કરવું તે સમજાવતા જાવ.’ સાધુએ સરસ વાત સમજાવી…..સાધુએ જણાવ્યું, ‘ચાર વાત ધ્યાનમાં રાખજો.પહેલી વાત -પોતાની જાતને જ્ઞાન અને અનુભવ સમૃધ્ધ બનાવો અને અન્યણે તેનો લાભ આપતાં રહો ..જ્યાં જાવ ત્યાં ખુબ કામ કરો …મદદરૂપ બનો …જાતને અનિવાર્ય બનાવો અને કોઈના પર બોજો ન બનો…. બીજી વાત તંદુરસ્ત રહો …નીરોગી અને સ્વસ્થ તનમાં જ સ્વસ્થ મન રહે છે અને અન્યની સેવા કરવા ..બીજાને મદદરૂપ થવા પણ તમારે પોતે તંદુરસ્ત રહેવું ખુબ જ જરૂરી છે.

માટે રોજ ચાલો ..કસરત કરો અને પ્રમાણસર ખોરાક લો …માંદા..બીમાર  બની કોઈપર ભારરૂપ બનવું..કોઈની સેવા લેવી તેના કરતા પોતે આત્મનિર્ભર રહેવું સારું.કોઈપર પરાવલંબી જીવન દુઃખદાયક અને સ્વાવલંબી જીવન આનંદદાયક રહે છે.’ ગામલોકો સાધુની વાત ધ્યાનથી સાંભળી રહ્યા હતા.સાધુએ આગળ કહ્યું, ‘ત્રીજી વાત -આળસનો ત્યાગ કરો …આળસુ માણસના ભાગે વહેલું મોડું દુઃખ જ આવે છે.આળસને તમારી આસપાસ પણ ફરકવા ન દો…પ્ર્માંદીએ બધા કામ માટે બીજા પર આધાર રાખવો પડે છે અને પરોપજીવી જીવન આનંદ આપતું નથી. ચોથી વાત – પૈસા સાચી રીતે મહેનતથી કમાવ અને એક એક પૈસાનો સદુપયોગ કરો ..મોજ શોખ,દેખાડો ,પાખંડ,લુચ્ચાઈ થી દુર રહેજો અને તમને પ્રાપ્ત લક્ષ્મી ઈશ્વરની ભેટ અને આશિષ છે તેમ માની આભિમાન ન કરવું અને હંમેશા સારા માર્ગે લક્ષ્મીનો ઉપયોગ કરવો….જો આ ચાર વાત યાદ રાખી જીવન જીવશો તો જીવનમાં તમને આનંદ જ આનંદ મળશે અને તમે અન્યને પણ આનંદ જ આનંદ આપી શકશો.’ આટલું કહી સાધુએ વિદાય લીધી.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top