SURAT

લાલુ જાલીમ ગેંગના ગુંડા શિવમ કાલીએ અમરોલીમાં જાહેરમાં કોયતાથી કાન્હા રાઉત પર હુમલો કર્યો

સુરત: ગુજસીટોકમાં જેલમાં કેદ લાલુ જાલીમના સાગરિતોએ સુરતના અમરોલી વિસ્તારમાં ફરી એકવાર દાદાગીરી શરૂ કરી દીધી હોવાની ઘટના બની છે. લાલુ જાલીમ ગેંગના સાગરિતો શિવમ કાલી, પ્રશાંત ટકલા અને નિકુંજ ચૌહાણે અહીં જૂની અદાવતમાં કાન્હા રાઉત નામના ઈસમ પર જાહેરમાં કોયતા અને લોખંડની ટોમીથી હુમલો કર્યાની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર જગાવી દીધી છે.

  • ગુજસીટોકમાં જેલમાં કેદ હોવા છતાં લાલુ જાલીમ ગેંગનો આતંક યથાવત
  • નિકુંજ ચૌહાણના કહેવા પર શિવમ કાલી અને પ્રશાંત ટકલાએ કાન્હા રાઉત પર હુમલો કર્યો હોવાની ચર્ચા
  • શિવમ કાલી અને પ્રશાંત ટકલા જાહેરમાં લોકોની વચ્ચે કોયતા અને ટોમી લઈ દોડ્યા

મૂળ ઓડીશા ગંજામનો વતની અને સુરતમાં અમરોલી ખાતે કોસાડ આવાસમાં રહેતો 23 વર્ષીય કાન્હુચરણ ઉર્ફે કાન્હા મદનમોહન રાવત બપોરે ઘર નજીક ભરતેશ્વર મહાદેવ મંદિર પાસેથી જઇ રહ્યો હતો. ત્યારે પ્રકાશ ઉર્ફે ચુચી મહેન્દ્રસીંગ રાજપૂત (રહે. તાપી દર્શન સોસાયટી, અમરોલી-છાપરાભાઠા રોડ) અને તેના મિત્ર શીવમ ઉર્ફે કાલી બેચુરામ કનોજીયા (રહે. જહાંગીરપુરા), પ્રશાંત ઉર્ફે ટકલા બિહારી સંતોષ ચૌધરી (રહે. ભગુનગર, અમરોલી) એ આંતરી ઢીક-મુક્કીનો માર માર્યો હતો. બે વર્ષ પહેલા કાન્હાનો પ્રકાશ ઉર્ફે ચુચી સાથે પૈસા બાબતે ઝઘડો થયો હતો. તેની અદાવત રાખીને ત્રણેય તેના પર તૂટી પડ્યા હતા. ઉપરાંત શિવમે શેરડી કાપવાના કોયતા વડે માથામાં અને પ્રશાંત ઉર્ફે ટકલાએ લોખંડની ટોમી હાથમાં મારી દીધી હતી.

આ હુમલો નિકુંજ ચૌહાણના કહેવા પર થયો હોવાનું ભોગ બનનારે પોલીસને જણાવ્યું છે. કાના રાઉતે એવો આરોપ લગાવ્યો છે કે શિવમ કાલી અને અન્ય ત્રણ ઈસમોએ નિકુંજ ચૌહાણના કહેવા પર તેની પર હુમલો કર્યો છે. નિકુંજ ચૌહાણ પણ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. તે હાલમાં જ ગુજસીટોકમાંથી જામીન પર જેલમાંથી છૂટીને બહાર આવ્યો છે. બહાર આવતા જ ફરી એકવાર લાલુ જાલીમ ગેંગની દાદાગીરી અમરોલી વિસ્તારમાં શરૂ થઈ ગઈ છે.

દરમિયાન શિવમ કાલીએ ભૂતકાળમાં પણ કાના રાઉતને જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાનું પણ જાણવા મળ્યો છે. તેની ઓડિયો ક્લીપ પણ વાયરલ થઈ હતી. જેમાં અપશબ્દો બોલી શિવમ કાલી કાના રાઉતને મારવાની ધમકી આપતો સાંભળવા મળે છે. આ ઓડિયો ક્લીપ જ દર્શાવે છે કે અમરોલીમાં ફરી એકવાર લાલુ જાલીમ ગેંગ સક્રિય થઈ ગઈ છે.

Most Popular

To Top