Gujarat

કચ્છ અને મહેસાણાની શાળામાં હિંદુ બાળકો પાસે નમાજ પઢાવાતા વિવાદ

કચ્છ: કચ્છ (Kutch) અને મહેસાણામાં (Mehsana) બકરી ઈદના (Bakri Eid) દિવસે શાળામાં (School) હિંદુ બાળકો પાસે નમાજ (Namaz) અદા કરાવવામાં આવતા વિવાદ થયો છે. સોશિયલ મીડિયા (Social Media) પર શાળામાં હિંદુ બાળકો પાસે નમાજ અદા કરાવતો વિડીયો (Video) વાયરલ થયા બાદ લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. બકરી ઈદના દિવસે બાળકોને ટોપી પહેરાવીને ‘સ્કૂલ એક્ટિવિટી’ના નામે નમાજ અદા કરાવડાવવામાં આવી હતી. જેને લઈને ભારે વિરોધ થયા બાદ શાળાએ માફી માંગવી પડી છે. આ મામલે જિલ્લા શિક્ષણાધિકારીએ તપાસના આદેશ આપ્યા છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે શાળામાં અભ્યાસ કરતા હિંદુ બાળકોના માથે મુસ્લિમો પહેરે તેવી ગોળ ટોપી છે અને તેઓ નમાજ અદા કરતા જોવા મળી રહ્યા છે. જાણકારી મુજબ આ વિડીયો મુન્દ્રાની પર્લ સ્કૂલનો છે અને જે બાળકો પાસે આ બધું કરાવવામાં આવી રહ્યું હતું તેઓ હિંદુ છે. આ વિડીયો શાળાએ જ પોતાના ફેસબુક પેજ પર અપલોડ કર્યો હતો. જો કે વિવાદ થતા આ વીડિયોને ડિલિટ કરી દેવામાં આવ્યો હતો.

શિક્ષણાધિકારીએ કચ્છની શાળાના વાયરલ થયેલા વીડિયો મામલે જણાવ્યું કે અમે આ ઘટનાની તપાસ કરવા માટે એક ટીમને મુન્દ્રા મોકલી છે. અમે આ બાબતને અત્યંત ગંભીરતાથી લઇ રહ્યા છીએ અને તપાસ બાદ શાળા સામે માન્યતા રદ કરવા સુધીની કાર્યવાહી પણ કરવામાં આવી શકે છે. અમારી ટીમ વાલીઓ, બાળકો અને શાળા સંચાલકોને મળીને મામલાની યોગ્ય તપાસ કરશે.

મુન્દ્રાની પર્લ સ્કૂલના આચાર્યએ આવી ભૂલ બીજી વાર ન થાય તે માટે ખાતરી આપી
કચ્છની શાળામાં થયેલા ઈદની ઉજવણી મામલે શાળાનાં આચાર્યએ જણાવ્યું હતું કે ઈદના તહેવાર નિમિત્તે અમે શાળાનાં બાળકો માટે આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. અમે બાળકોને વિવિધ ધર્મોના તહેવારોની ઉજવણી કરતા શીખવીએ છીએ. શાળામાં અનેક એક્ટિવિટી કરાવીએ છીએ પરંતુ અમારો ઈરાદો કોઈને મનદુઃખ પહોંચાડવાનો બિલકુલ ન હતો. તેમણે આવી ભૂલ બીજી વાર ન થાય તે માટે ખાતરી પણ આપી હતી.

મહેસાણાની કિડ્સ કિંગ્ડમ સ્કૂલની સંચાલિકાએ માફી માગી
બીજી તરફ મહેસાણાની રાધનપુર રોડ પર આવેલી કિડ્સ કિંગ્ડમ સ્કૂલમાં બકરી ઈદની ઉજવણી કરાઈ હતી જેના ફોટા સોશિયલ મીડિયા પર મુકાયા હતા જેના કારણે આ શાળાના સંચાલક પર પણ લોકો ગુસ્સે ભરાયા છે. મહેસાણાની કિડ્સ કિંગ્ડમ સ્કૂલ પર હિન્દુ સંગઠનોએ હોબાળો કરી શાળાના સંચાલકો માફી માગે એવી માગ કરી હતી ત્યારે આજે શાળાનાં સંચાલિકા રાશિ ગૌતમે કહ્યું હતું કે મારા અને મારી સ્કૂલ તરફથી કોઈની લાગણી દુભાઈ હોય તો હું તે બદલ માફી માગું છું. અમારો કોઈની લાગણી દુભાવવાનો ઉદ્દેશ હતો નહીં. ભવિષ્યમાં લોકોની લાગણી દુભાઈ તેવા કોઈ કાર્યક્રમની શાળામાં ઉજવણી કરવામાં નહીં આવે.

Most Popular

To Top