Vadodara

કોમ્પ્લેક્સની ગેલેરી તૂટી પડતા 60ને બચાવી લેવાયા

વડોદરા : વડોદરા શહેરમાં એક હજારથી વધુ જર્જરિત ઇમારતો આવેલી છે, જેમાંથી સાતસોથી વધુ ઈમારતોને સંપૂર્ણ ઉતારી લેવા માટે નિર્ભયતા શાખા દ્વારા નોટિસ પણ આપવામાં આવી છે. તેમ છતાંય નોટીસને ધ્યાને નહીં લેતા મોટા અકસ્માતો સર્જાય છે. દરમિયાન આજવા રોડ સરદાર એસ્ટેટ પાસે આવેલા શેષ નારાયણ કોમ્પ્લેક્ષનો ગેલેરીનો ભાગ તૂટી પડતા નાસભાગ મચી હતી. જ્યારે ફાયરબ્રિગેડ દ્વારા કોમ્પલેક્ષમાં આવેલ આશરે 36 મકાનોમાંથી 60 થી વધુ રહીશોને સ્નોર સ્કેલની મદદથી સહીસલામત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા.

સમગ્ર રાજ્યમાં મેઘરાજાએ પોતાનો અસલ મિજાજ બતાવવાનું શરૂ છે. ત્યારે વડોદરા શહેરમાં ઘણા વિસ્તારોમાં જર્જરિત મકાનો પણ ધરાશાયી થવાના બનાવો બન્યા છે. ત્યારે મંગળવારે બપોરના સુમારે શહેરના આજવા રોડ વિસ્તારમાં આવેલા કોમ્પ્લેક્સના બે ફ્લોરની બાલ્કની ધડાકા સાથે તૂટી પડી હતી. સરદાર એસ્ટેટ નજીક આવેલા 25 વર્ષ જૂના શેષ નારાયણ કોમ્પ્લેક્સમાં યુ આકારનું બાંધકામ કરવામાં આવ્યું છે, જેમાં ગ્રાઉન્ડ ફ્લોર પર દુકાનો તેમજ ઉપરના ત્રણ ફ્લોર પર 45 ફ્લેટ આવેલા છે.

છેલ્લા કેટલાક સમયથી કોમ્પ્લેક્સની બાલ્કનીના ભાગે તિરાડો દેખાતી હતી તેમજ પોપડા પણ ખરતા હતા. જેથી કોમ્પ્લેક્સના રહીશોએ રીપેરીંગ કામ કરવા માટે નિર્ણય પણ લીધો હતો.પરંતુ આ અંગે સહમતી સાધવા માટે ચર્ચા-વિચારણા ચાલતી હતી તેને કારણે રીપેરીંગમાં વિલંબ થયો હતો.આશરે બપોરે 1 વાગ્યાના અરસામાં કોમ્પ્લેક્સના ફ્લેટમાં લોકો પોતપોતાનું ઘરકામ કરી રહ્યા હતા તેમજ કામ ધંધાવાળા લોકો ગેરહાજર હતા તે દરમિયાન એકાએક ધડાકો થયો હતો. લોકોએ જોયું તો કોમ્પ્લેક્સના વચ્ચેના ભાગના પહેલા માળની અને બીજા માળની બાલ્કની તૂટી પડતા લોકો ફસાયા હતા.

અવરજવર કરવા માટેનો દાદરો પણ તૂટી જતાં રહીશોને ઉતારવા માટે ફાયરબ્રિગેડ દ્વારા ક્રેઇનની મદદ લેવામાં આવી હતી, જ્યારે ઘર વખરીના સામાન સાથે આશરે 60 જેટલા રહીશોને સહી સલામત રીતે ઉતારી લેવામાં આવ્યા હતા.બનાવ અંગે મહિલાએ જણાવ્યું હતું કે મારી દીકરી સ્કૂલેથી આવી હતી અને સ્કૂલબેગ મૂકે ત્યાં જ ધડાકો સંભળાયો હતો.જેથી તેનો ચમત્કારિક બચાવ થયો હતો.જ્યારે બીજા એક સ્થાનિક મહિલાએ જણાવ્યું હતું કે હું જમવા બેઠી હતી.ત્યારે મારી દીકરીની દીકરી ગેલેરીમાં જઈ રહી હતી ત્યારે મેં તેને અંદર બોલાવી હતી.

આ સાથે જ મોટો ધડાકો સંભળાયો હતો.જેથી તેનો બચાવ થયો હતો.સેશ નારાયણ કોમ્પલેક્ષમાં બે ફ્લોરની બાલ્કની ધરાશાયી થતા અનેક લોકો બહાર નીકળી શકે તેમ ન હતા. જેથી પાણીગટ ફાયર બ્રિગેડની મદદ લેવાઈ હતી. સ્ટેશન ઓફિસર અમિત ચૌધરીએ બહુમાળી બિલ્ડીંગ માટે ઉપયોગમાં લેવાતી સ્નોરકેલ નો ઉપયોગ કરી 60 જેટલા લોકોને બહાર કાઢ્યા હતા.આ બનાવમાં કોઈ જાનહાની થઈ ન હતી.

Most Popular

To Top