Madhya Gujarat

ખેડાના ઢઠાલ ગામમાં નજીવી બાબતે થયેલી તકરારમાં યુવકની હત્યા

નડિયાદ: ખેડા તાલુકાના ઢઠાલ ગામની સીમમાં આવેલ એક ખેતરમાં તૈયાર થયેલ ડાંગરનો પાક લેવા મુદ્દે ખેતર માલિક તેમજ ગામમાં રહેતાં એક માથાભારે પરિવાર વચ્ચે તકરાર થઈ હતી. જે ઉગ્ર બનતાં ઉશ્કેરાયેલાં માથાભારે પરિવારના ત્રણ સભ્યોએ ધારીયાં વડે હુમલો કરી જમીન માલિકની હત્યા કરતાં ચકચાર મચી હતી. આ મામલે ખેડા ટાઉન પોલીસે ત્રણ સામે હત્યાનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

ખેડા તાલુકાના ઢઠાલ ગામે રહેતાં પ્રિતેશભાઈ ઉર્ફે રાજુભાઈ બાબુભાઈ મકવાણા ગત રવિવારના રોજ સવારના સમયે ગામની કાળી ભોયથી ઓળખાતી સીમમાં આવેલ પોતાના ખેતરમાં તૈયાર થયેલ ડાંગરનો પાક હાર્વેસ્ટરથી કઢાવી રહ્યાં હતાં. તે વખતે ગામમાં રહેતાં પ્રતાપભાઈ દેસાઈભાઈ પરમાર તેમજ તેમના બે પુત્રો જગદીશ અને દશરથ હાથમાં ડંડા તેમજ ધારીયું લઈને પ્રિતેશભાઈ મકવાણાના ખેતરમાં પહોંચી આ ખેતર અમારૂ છે, તમે ડાંગરનો પાક કેમ લો છો તેમ કહી ઝઘડો કરવા લાગ્યાં હતાં.

તુતુ….મેમે બાદ બોલાચાલી ઉગ્ર બનતાં ત્રણેય જણાં જાતિવિષયક અપશબ્દો બોલી પ્રિતેશભાઈ સાથે ઝપાઝપી કરવા લાગ્યાં હતાં. દરમિયાન ઉશ્કેરાયેલાં દશરથે હાથમાંનું ધારીયું પ્રિતેશભાઈના ગળાના ભાગે ફટકારી દીધું હતું. જેથી પ્રિતેશભાઈ લોહીલુહાણ હાલતમાં જમીન પર ફસડાઈ પડ્યાં હતાં અને ગંભીર ઈજાને પગલે ઘટનાસ્થળે જ તેમનું મોત નિપજ્યું હતું. બાજુના ખેતરમાં કામ કરી રહેલાં પ્રિતેશભાઈના પિતરાઈભાઈ પ્રકાશભાઈ હીરાભાઈ મકવાણા અને ભાભી રેશ્માબેન તેમજ કાકી લક્ષ્મીબેન મામલો થાળે પાડવા માટે ઝઘડામાં વચ્ચે પડ્યાં હતાં.

તે વખતે ઉશ્કેરાયેલા પ્રતાપભાઈ અને જગદીશભાઈએ હાથમાંની લાકડી વડે લક્ષ્મીબેન ઉપર હુમલો કરી ઈજા પહોંચાડી હતી. બુમાબુમને પગલે આસપાસ લોકોનું ટોળું એકત્રિત થઈ જતાં આ ત્રણેય જણાં હથિયારો લઈને ત્યાંથી ભાગી ગયાં હતાં. આ બનાવ અંગે પ્રકાશભાઈ હીરાભાઈ મકવાણાની ફરીયાદને આધારે ખેડા ટાઉન પોલીસે પ્રતાપભાઈ દેસાઈભાઈ પરમાર, જગદીશ પ્રતાપભાઈ પરમાર અને દશરથ પ્રતાપભાઈ પરમાર સામે આઈ.પી.સી કલમ ૩૦૨, ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ તેમજ અનુસુચિત જાતિ અને અનુ. જન. જાતિ પ્રતિબંધ અધિનિયમની કલમ ૩(૧)(આર), ૩(૧)(એસ), ૩(૨)(વીએ) મુજબનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top