Madhya Gujarat

ખાનપુરનો વાવકુવા અલદરી માતા ધોધ પ્રવાસી માટે પ્રતિબંધીત કરાયો

લુણાવાડા: મહીસાગર જિલ્લો કુદરતી સૌંદર્યના કારણે આગવી ઓળખ ધરાવે છે. જિલ્લાના ઘણાખરા વિસ્તારોમાં જંગલ આવેલા છે, તેમજ નાના મોટા ડુંગરો, ટેકરીઓ અને અવિરત વહેતી નદીઓના કારણે અહીંયા પ્રકૃતિના અનેરા દર્શન થાય છે. જિલ્લામાં વર્ષા ઋતુના આગમનથી જ પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. તેવામાં મહીસાગરમાં છેલ્લા ગત સપ્તાહમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેના કારણે અનેક નદી નાળાઓ વહેવા લાગ્યા છે, કેટલાક તળાવો છલકાયા હતાં. બીજી તરફ પ્રાકૃતિક ઝરણાં, ધોધ પણ વહેતા થયા છે. આવું જ એક ઝરણું (ધોધ) છે. ખાનપુર તાલુકામાં કે જે ધોધમાર વરસાદ વરસતા શરૂ થયો હતો.

ખાનપુર તાલુકામાં આવેલા વાવકુવા જંગલ વિસ્તાર કે જ્યાં અલદરી માતાનો ધોધ આવેલો છે. અહીંયા રાજ્યભરમાંથી પર્યટકો પ્રવાસે આવતા હોય છે તેમજ મહીસાગર જિલ્લાની પડોશમાં આવેલા રાજસ્થાન, મધ્યપ્રદેશ રાજ્યમાંથી પણ પ્રવાસીઓ અહીંયા આવે છે. અહીં આવતા પ્રવાસીઓ પ્રકૃતિને નિહાળી આનંદિત થાય છે. હાલ આ ધોધ વહેવા લાગતા ગુજરાત સહિત આસપાસના રાજ્યના પ્રવાસીઓ માટે ખુશી છવાઈ હતી. અહીં ચોફેર જંગલ વિસ્તાર છે અને વચ્ચે ખળ ખળ વહેતુ ઝરણું અને ધોધ જે પ્રકૃતિ પ્રેમીઓનું મન મોહી લે છે. સાથે સાથે જિલ્લામાં વસતા સ્થાનિક લોકોમાં અલદરી માતાના ધોધ સાથે અનેરી આસ્થા જોડાયેલી છે. પરંતુ પ્રવાસીઓ ધોધમાં ડૂબી જવાના કિસ્સાઓને ધ્યાનમાં લઈ ખાનપુર તાલુકના મામલતદાર દ્વારા ચોમાસા દરમ્યાન ધોધ જોવા આવતા પ્રવાસીઓ પર પ્રતિબંધ રાખવા હુકમ કરવામાં આવતા કડક બંદોબસ્ત ગોઠવવામાં આવતાં પ્રકૃતિ પ્રેમીઓ નિરાશ જોવા મળ્યા હતા.

Most Popular

To Top