Gujarat

હવે ગુજરાત બદલાશે: અરવિંદ કેજરીવાલે ગુજરાતીમાં ટ્વીટ કરી

આપ પાર્ટીના કન્વીનર અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ તા.14મી જૂને અમદાવાદ આવી રહ્યા છે. તેઓ ગુજરાત વિધાનસભાની 2022માં યોજાનાર ચૂંટણી માટે રણનીતિને આખરી ઓપ આપશે. તેમણે રવિવારે ગુજરાતીમાં ટવીટ્ટ કરીને લખ્યું હતું કે ‘હવે ગુજરાત બદલાશે’.

કેજરીવાલની ઉપસ્થિતિમાં ન્યૂઝ ચેનલના પૂર્વ એડિટર ઈશુદાન ગઢવી સહિત અન્ય કેટલાંક સામાજીક રાજકીય આગેવાનો આપ પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. તેઓને આપ પાર્ટીનો ખેસ પહેરાવીને કેજરીવાલ સત્તાવાર રીતે પ્રવેશ આપશે તેમ મનાય છે.આ ઉપરાંત નવરંગપુરામાં અરવિંદ કેજરીવાલ આપ પાર્ટીના ગુજરાતના કાર્યાલયનું ઉદઘાટન કરીને કાર્યકરોને સંબોધન પણ કરશે.

આગામી 2022માં યોજાનાર ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આપ પાર્ટી ચૂંટણી જંગમાં જોડાશે એટલુ જ નહીં ત્રીજા મોરચા તરીકે ગુજરાતમાં ભાજપ – કોંગ્રેસને મોટી રાજકીય ટક્કર પણ આપશે, તાજેતરમાં યોજાયેલી મનપાની ચૂંટણીમાં સુરતમાં આપ પાર્ટીને 27 બેઠકો મળી હતી.

આ ઉપરાંત હાલમાં કોરોનાના કારણે મોકૂફ રાખવામાં આવેલી ગાંધીનગર મનપાની ચૂંટણીમાં પણ આપ પાર્ટીએ ઝંપલાવ્યું છે.
ગઈકાલે જ સૌરાષ્ટ્રમાં કાગવડ ખાતે પાટીદાર સમાજના અગ્રણીઓની મળેલી બેઠકમાં ટ્રસ્ટી નરેશ પટેલે કહ્યું હતું કે આગામી વિધાનસભાની ચૂંટણીમાં આપ પાર્ટીને ફાયદો થાય તેમ છે. કારણ કે પાર્ટીએ ગુજરાતમાં સારૂ કામ કર્યુ છે. આ રીતે જો પાટીદાર સમાજનો ઝુકાવ આપ પાર્ટી તરફ રહે તો ગુજરાતમાં આપને ફાયદો થાય તેમ છે.

Most Popular

To Top