SURAT

પત્ની પતિને ટિફિન આપવા ગઈને અડધો જ કલાકમાં ચોર ઘરમાંથી દાગીના ચોરી ગયા

સુરત (Surat) : ડિંડોલીમાં શ્રમજીવી પરિવારના મકાનને અજાણ્યાઓ નિશાન બનાવીને રૂપિયા 1 લાખના દાગીના (Jewelry Theft) ચોરી કરી ગયા હતા. માત્ર અડધો કલાકના સમયમાં જ આ ચોરી થતાં પરિવાર પણ ચોંકી ઉઠ્યો હતો અને પોલીસમાં ફરિયાદ આપી હતી. પ્રાપ્ત વિગતો મુજબ ડિંડોલી કરાડવા રોડ આરાધના સોસાયટીમાં રહેતા ૩૯ વર્ષીય કેશીયર શંકર કનોજીયા ઘર નજીક જ સોનાલી ડ્રાય ક્લિનર્સના નામથી લોન્ડ્રીનું કામકાજ કરે છે.

બુધવારે સવારના સમયે તેઓ દુકાન ઉપર હતા ત્યારે 9 વાગ્યે તેમની પત્ની તેમને ટીફિન આપવા માટે આવી હતી. ટીફિન (Tiffin) આપીને સાડા નવે તેમની પત્ની ઘરે ગઇ ત્યારે મકાનના ઉપરના પહેલા માળે કબાટનું લોક તુટેલૂં હતું. આ બાબતે તેમણે પતિને જાણ થતા તેઓ તાત્કાલિક ઘરે પહોંચી ગયા હતા અને તપાસ કરતા ઘરમાંથી રૂા.1.04 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીનાની ચોરી થઇ હતી. આ બાબતે ડિંડોલી પોલીસને ફરિયાદ કરવામાં આવતા પોલીસે (Police) ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

એટીએમમાંથી પૈસા ઉપાડી આપવાના બહાને અજાણ્યાએ કાર્ડ બદલી રૂા.5000 ઉપાડી લીધા
સુરત : એટીએમમાં મદદ કરવાના બહાને એટીએમ કાર્ડ બદલીને ઠગાઇ કરતા યુવકને પોલીસે પકડી પાડ્યો હતો. આ યુવકે ડિંડોલીમાં રહેતી એક યુવતીના એટીએમમાંથી પણ પાંચ હજાર ઉપાડી લીધા હોવાનું બહાર આવતા પોલીસે યુવકની સામે ચોરીની ફરિયાદ નોંધી તેની ધરપકડ કરી હતી.

ડિંડોલી પોલીસના જણાવ્યા મુજબ નવાગામ ડિંડોલી આર.ડી.નગર સોસાયટીમાં રહેતા મૂળ મહારાષ્ટ્રના ધુળેના નેરકુસુંબ ગામના વતની ભાલચંદ્ર ભાવરાવ પાટીલ પાંડેસરા જીઆઈડીસીમાં આવેલી પ્રગતિ ડાંઈગ મીલમાં કોન્ટ્રાક્ટર તરીકે કામ કરે છે. ભાલચંદ્રની પત્ની યોગીતાબેનને પૈસાની જરૂર પડતા તેના ભાઈ ઋષભને એટીએમ કાર્ડ આપી નવાગામ ચિંતાચોક પાસે આવેલા એસબીઆઈના એટીએમમાં પૈસા ઉપાડવા માટે મોકલ્યો હતોï. ઋષભ એટીએમમાં પૈસા ઉપાડવા માટે ગયો હતો. પરંતુ એટીએમમાંથી પૈસા નીકળતા ન હતા. તે વખતે તેની પાછળ ઉભેલા બે અજાણ્યાઓએ પૈસા કાઢી આપવા મદદ કરવાને બહાને પીન નંબર જાણી લીધા બાદ નજર ચુકવી એટીએમ કાર્ડ બદલી નાંખીને રૂા.5 હજાર ઉપાડી લીધા હતા. યોગીતાબેનએ ફોન-પે એપ્લિકેશનમાં બેંક બેલેન્સ ચેક કરતા રૂપિયા ઉપડી ગયા હોવાનું બહાર આવ્યું હતું. આ બનાવ અંગે પોલીસમાં ફરિયાદ આપવામાં આવી હતી. બીજી તરફ પોલીસે મુંબઇના એરોલી પાસે સંજય ગાંધીનગરમાં રહેતો અબ્દુલ હકીક સમસાદ ખાનને પકડી પાડ્યો હતો. અબ્દુલ હકીકની પાસેથી 24 જેટલા એટીએમ કાર્ડ પણ મળી આવ્યા હતા. પોલીસે યોગીતાબેન અને ઋષભને બોલાવીને પુછપરછ કરતા અબ્દુલ હકીકે જ એટીએમ કાર્ડ બદલી નાંખ્યું હોવાનું બહાર આવ્યું હતું. જેને લઇને પોલીસે અબ્દુલ હકીકની સામે એક ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

Most Popular

To Top