Dakshin Gujarat

ભરૂચથી વલસાડ આવેલા વિદ્યાર્થીને અકસ્માત નડ્યો, બ્રેઇન હેમરેજ અને ગુપ્તાંગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી

વલસાડ : વલસાડમાં (Valsad) પોલિટેક્નિક કોલેજમાં અભ્યાસ માટે આવેલા ભરૂચના (Bharuch) વિદ્યાર્થીઓને કલ્યાણબાગ પાસે અકસ્માત (Accident) નડ્યો હતો. જેમાં એક વિદ્યાર્થી રોડ પર પડી જતાં તેને બ્રેઇન હેમરેજ (Brain hemorrhage) થયું અને તેના ગુપ્તાંગ પરથી કાર ચાલી જતાં તે કોમામાં (Coma) સરી પડ્યો હતો. જ્યારે અન્યને નાની મોટી ઇજા પહોંચી હતી. આ ઘટના ત્યારે બની હતી, જ્યારે તેઓ ચાલતા ચાલતા રોડ ક્રોસ કરી રહ્યા હતા.

  • મિત્રો સાથે વિદ્યાર્થી રોડ ક્રોસ કરી રહ્યા હતો
  • વિદ્યાર્થીને ઈકો ચાલકે અડફેટે લીધા
  • કલ્યાણ બાગ પાસેથી ચાલતો જતો હતો ત્યારે ઇકો કારે અડફેટે લઇ ગુપ્તાંગ પર કાર ચઢાવી દીધી

ભરૂચના અંકલેશ્વરના બોઇડ્ર ગામે રહેતો હરમિત બળવંતસિંહ રાજ તેના જંબુસર ખાતે રહેતા મિત્ર દિવ્યરાજ ભરતસિંહ સિંધા, પ્રજ્ઞેશ વસાવા, ધ્રુવ સૂર્યવંશી, કિર્તી મકવાણા અને યશરાજ સાથે સ્ટેશન પર એક હોટેલમાં રાત્રી ભોજન કરી પરત થઇ રહ્યા હતા. તેઓ કલ્યાણબાગ પાસે પહોંચ્યા ત્યારે રોડ ક્રોસ કરી રહ્યા હતા. એ સમયે પુરપાટ ઝડપે આવતી એક ઇકો કાર (નં. જીજે-15-સીએચ-1527)ના ચાલકે તેમને અડફેટે લઇ ગંભીર અકસ્માત સર્જ્યો હતો. આ અકસ્માતમાં દિવ્યરાજ રોડ પર પડી જતાં તેને માથામાં ગંભીર ઇજા પહોંચી હતી અને ટાયર તેના બે પગ વચ્ચેથી ફરી જતાં તેને ગુપ્તભાગે પણ ગંભીર ઇજા પહોંચી હતી. જેને સારવાર અર્થે પહેલાં વલસાડની હોસ્પિટલમાં અને પછી સુરતની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો.

આ અકસ્માતના પગલે દિવ્યરાજ કોમામાં સરી પડ્યો છે. આ ઘટનામાં હરમિત સહિત અન્યને નાની મોટી ઇજા પહોંચી હતી. આ ઘટનાના પગલે તમામ વિદ્યાર્થીઓ હતપ્રત થઇ ગયા હતા. આ અકસ્માત કરી ઇકો કારના ચાલકે કાર ભગાવી દીધી હતી. જોકે, વિદ્યાર્થીઓએ તેનો નંબર નોંધી લીધો હતો. આ સંદર્ભે હરમિતે વલસાડ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ઇકો કારના ચાલક વિરૂદ્ધ ગુનો દાખલ કરી તેને પકડવાની કવાયત હાથ ધરી છે.

ઉચ્છલના સાકરદા પાસે કાર ઝાડ સાથે અથડાતાં ઘવાયેલા યુવકનું મોત
વ્યારા: ઉચ્છલનાં ભીતભુદ્રક ગામની સીમમાં સાકરદા તરફ જતાં રોડ ઉપર ઝાડ સાથે ફોર વ્હીલ ગાડી ધડાકાભેર અથડાતા ગંભીર રીતે ઘવાયેલા યુવકનું સારવાર દરમિયાન કરૂણ મોત નિપજ્યું હતું. જ્યારે કાર ચાલક સહિતનાં ત્રણ ઘવાયા હતા.
નંદુરબારના નવાપુરનાં બેડકીપાડા ગામે રહેતા મનિષભાઇ કરમ્યાભાઇ ગાવિત અર્ટીગા ફોર વ્હીલ ગાડી નં. જી.જે. ૦૫ આર.જી. ૨૦૫૫ લઈને મિત્રો સાથે કોઇ કામ અર્થે જઈ રહ્યા હતા, ત્યારે તા.૦૩/૦૬/૨૦૨૨ રાત્રીનાં ૯ વાગ્યાના અરસામાં મનિષભાઇ ગાવિતે ડ્રાઇવિંગમાં બેદરકારી દાખવતા આ કાર ભીતભુદ્રક ગામની સીમમાં ઉચ્છલથી સાકરદા તરફ જતાં રોડની બાજુમાં આવેલા પાપડીના ઝાડ સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં મહેશભાઇ કરમ્યાભાઇ ગાવિતને માથાના ભાગે તેમજ ડાબા પગે ફેક્ચર થયું હતું. જ્યારે પાછળ બેસેલા અલ્પેશભાઇ ગણેશભાઇ ગામીતને ડાબા પગે ફેક્ચર તેમજ અંકેશભાઇ કાંતુભાઇ ગાવિતને માથાના ભાગે ઇજા થઈ હતી.

અંકેશભાઇ ગાવિતની હાલત વધુ નાજુક હોય પ્રથમ ઉચ્છલ સરકારી દવાખાને અને ત્યાંથી વધુ સારવાર માટે વ્યારા જનરલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. ત્યાંથી વધુ સારવાર માટે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ત્યાં સારવાર દરમ્યાન અંકેશ ગાવિતનું મોત નિપજ્યું હતું. જે સંદર્ભે ઉચ્છલ પોલિસે તા.૦૮/૦૬/૨૦૨૨ અંકેશનાં પિતા કાંતુભાઇ રતુભાઇ ગાવિત ઉ.વ.૪૪ (રહે.બેડકીપાડા ગામ પોસ્ટ, ગડત, તા.નવાપુર, જિ.નંદુરબાર (મહારાષ્ટ્ર)ની ફરિયાદને આધારે કાર ચાલક મનિષ ગાવિત વિરૂધ્ધ ગુનો નોંધી વધુમાં તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top