Columns

યુવાઉછેરમાં બાળકોની પ્રવૃત્તિ પર નજર રાખવી જરૂરી છે

કેટલાંક માતાપિતા સંતાનોની સારી એવી કાળજી રાખે છે. સંતાનોને જે જોઇએ તે આપી દેવાથી જ તેઓનો વિકાસ થતો નથી. જો ઊગતી વયમાં ખરાબ સોબત મળી ગઇ તો તેવાં સંતાનો ઘરે બધી જ વ્યવસ્થા હોવા છતાં તેનો ગેરલાભ જ ઉઠાવશે. વાત વાતમાં લોકો એક ઉપમા આપે છે કે, સારી કેરી વચ્ચે એકાદ ખરાબ કેરી આવી જાય તો બીજી કેરીઓને પણ બગાડી દેશે. યુવાવસ્થાના ઉંબરે સંતાનો પગ મૂકે એટલે તેઓની પ્રવૃત્તિનું નિરીક્ષણ કરવાની જરૂર છે. તેના કયા મિત્રો, કઇ સખીઓ ઘરે આવે છે. મિત્રોના ઘરની માતા-પિતા આદિ માહિતી પણ જાણવી જરૂરી છે. જેથી તે મિત્રની ભૂમિકાથી આપણે અવગત થઇ શકીએ.

કેટલાંક ઘરોમાં પિતા નોકરીધંધામાં ખૂબ જ વ્યસ્ત રહેતા હોય છે તેથી પોતાનો યુવાન છોકરો કે છોકરી શું કરે છે તેની જાણ તેઓને હોતી જ નથી. સંતાનો જેટલા પૈસા વાપરવા માંગે તેટલા આપી દે છે પરંતુ એ પૈસા શા માટે જોઇએ છે કે તેનો કેવો ખર્ચ કર્યો તે પણ પૂછતા નથી. આવાં ઘરોમાં કિશોર અવસ્થામાંથી જ ખરાબ સંગત લાગી જતી હોય છે. પપ્પા નોકરીધંધામાં અને મા સમાજની નાની મોટી પ્રવૃત્તિમાં રત રહે છે. એવાં ઘરોમાં સંતાનોના બગડી જવાની શકયતા વધુ રહે છે. પોતાનાં સંતાનો પર પ્રેમ તો પ્રત્યેક મા-બાપને હોય જ એ સ્વાભાવિક છે પરંતુ બાળ – યુવા ઉછેરમાં તેઓની પ્રવૃત્તિ પર નજર રાખવી જરૂરી છે. 

જોઇએ તેટલો પૈસો આપ્યા કરવાથી બાળકનું અહિત માબાપ કરે છે. સંતાનો આવાં ઘરોમાંથી જ અવળે માર્ગે ચાલી જતા હોય છે. આજની શાળાકીય કેળવણી સાથે-સાથે માતા પિતાનું માર્ગદર્શન અવશ્ય રહે છે. જે ઘરોમાં કિશોર કે યુવાન વયના છોકરાછોકરીઓ પર માતાપિતાની નજર રહેતી નથી તે ઘરોમાં સંતાનોનો ઉછેર વૈજ્ઞાનિક ઢબે થતો નથી. એક સુભાષિતમાં આ ભાવાર્થનો વિચાર રજૂ થયો છે. કહ્યું છે કે, સારી સોબત પુણ્યશાળી છે. સારી મૈત્રી તીર્થ સ્વરૂપ છે. તીર્થ તો સમય આવે ત્યારે ફળ આપે છે પરંતુ સારી મૈત્રી જીવનભર ફળ આપે છે.

Most Popular

To Top