Editorial

યુવા અવસ્થામાં હાર્ટ એટેક પાછળ કોરોના કેટલો જવાબદાર તેનું ઝડપી રિસર્ચ થાય તે જરૂરી

રાજકોટ સહીત રાજ્ય અને દેશમાં યુવાનોમાં વધતા જતા હાર્ટ એટેકના બનાવો ચિંતા જનક રીતે આગળ વધી રહ્યા છે. વધતા જતા હાર્ટ એટેકના બનાવ અંગે કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગે પણ ચિંતા વ્યક્ત કરી છે અને કોરોના પછી વધેલા હાર્ટ એટેકના બનાવો ઉપર રિસર્ચ શરૂ કરી દેવામાં આવ્યું છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી માંડવીયાએ જણાવ્યું હતું કે, સરકાર ચિંતિત છે અને ICMR દ્વારા રિસર્ચ શરૂ કરવામાં આવ્યું છે અને આ પછી રિપોર્ટ આવ્યે આગળ કોઈ નિર્ણય જાહેર કરવામાં આવશે.

કોરોના પછી હાર્ટ એટેકના બનાવોમાં વધારો થયો હોવાનું અને ખાસ કરીને યુવાનોમાં હાર્ટ એટેકના બનાવોમાં વધારો થયો હોવાનું ખુદ કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાએ સ્વીકાર્યું છે. આજે રાજકોટની મુલાકાતે આવેલા કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાએ જણાવ્યું હતું કે હાર્ટ એટેકના બનાવો પર ICMR દ્વારા રિસર્ચ શરૂ કરી દેવામાં આવ્યું છે. કોરોના પછી હાર્ટ એટેકના બનાવો વધી રહ્યા છે એના માટે હેલ્થ મિનિસ્ટ્રી દ્વારા ICMR ને સ્ટડી આપેલ છે. ICMR છેલ્લા ચાર મહિનાથી ડિટેઇલ સ્ટડી કરી રહી છે.

ભારત પાસે કોવીન સોફ્ટવેર છે તેમાં વેક્સિનેટેડ દરેક વ્યક્તિના ડેટા ઉપલબ્ધ છે. એ ડેટાનું એનાલિસિસ કરીને ICMR રિપોર્ટ આપશે જેના આધારે આગળ નિર્ણય કરી શકીશું. હાર્ટ એટેકથી મોત થવું એ સામાન્ય બાબત છે પરંતુ, છેલ્લા એક વર્ષમાં જે રીતે 18થી 40 વર્ષના યુવાનો હાર્ટ એટેકનો ભોગ બની રહ્યાં છે તે ખૂબ જ ગંભીર બાબત કહી શકાય તેમ છે. ક્રિકેટ કે ફૂટબોલ રમતા રમતા લોકોને હાર્ટ એટેક આવી જાય છે. જીમમાં કસરત કરતી વખતે પણ લોકો હ્રદયરોગના હુમલાનો શિકાર બન્યાના કિસ્સા છે.

એટલું જ નહીં લગ્નના વરઘોડામાં નાચતા નાચતા પણ લોકોને એટેક આવ્યાના કિસ્સા સામે આવ્યા છે. એટલે આ બાબત ખૂબ જ ગંભીર ગણી શકાય તેમ છે. સરકાર યુવા અવસ્થામાં વધી રહેલા એટેકના બનાવ મુદ્દે ચિંતિત છે એ ખૂબ જ સારી બાબત છે પરંતુ આ રિસર્ચ હજી ઝડપથી થાય તે પણ ખૂબ જરૂરી છે. હાર્ટ એટેકના એક કિસ્સાની વાત કરીએ તો સ્ટેટ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ  વિભાગના સિનિયર ક્લાર્ક વસંત રાઠોડ શનિવારે ક્રિકેટ રમતી વખતે હાર્ટ એટેકથી મૃત્યુ પામ્યા હતા. આ ઘટનાની વાયરલ થયેલી ક્લિપમાં રાઠોડ બોલિંગ ક્રિઝ પર પહેલા સ્ક્વોટિંગ કરતા અને પછી અચાનક જમીન પર ઢળી પડતા જોવામાં આવ્યા હતા.

આની થોડી જ સેકંડોમાં તેઓ બેભાન થઈ જાય છે અને પછી ટીમના સાથીઓ અને ડોકટરો તેમની પાસે દોડે છે. ત્યારપછી રાઠોડને પ્રાથમિક સારવાર આપીને સોલા સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. 40 વર્ષથી ઓછી ઉંમરના લોકો હાર્ટ એટેકનો ભોગ બને છે. નિષ્ણાતોએ જણાવ્યું હતું કે તે શારિરીક શ્રમ અને પ્લેક ફાટવાને કારણે થઈ શકે છે. પ્લેક એ એક ચરબીયુક્ત પદાર્થ છે જે ધમનીની દિવાલમાં એકઠા થાય છે, જેનાથી ધમનીઓ ભરાઈ જાય છે.

તેઓએ ઉમેર્યું હતું કે જ્યારે કોઈપણ વ્યક્તિ હાર્ટ એટેકનો ભોગ બને છે ત્યારે યુવાન જૂથ માટે મૃત્યુની શક્યતા પ્રમાણમાં વધુ હોય છે.  છેલ્લા કેટલાક વર્ષોમાં કાર્ડિયોવેસ્ક્યુલર રોગોમાં વધારો કરવામાં કોવિડ ચોક્કસપણે ભૂમિકા ભજવી ગયો છે, ધમનીઓમાં પ્લેક બિલ્ડ-અપનું ભંગાણ અચાનક થોડી મિનિટોમાં ધમનીમાં અવરોધ 20-30% થી 100% સુધી વધારી શકે છે. તે ત્યારે થઈ શકે છે જ્યારે કોઈ વ્યક્તિ સખત મહેનત કરે છે જેમાં જિમ કસરત અથવા રમતગમતનો સમાવેશ થાય છે. ધમનીના બ્લોકેજ સંકેતો આપે છે, જે ઘણીવાર સમયસર હસ્તક્ષેપમાં પરિણમે છે.

જોકે, તકતીઓ ધરાવતા લોકો તેમના જીવનને સામાન્ય લોકોની જેમ જ પસાર કરે છે, કારણ કે તેઓ જાણતા નથી કે આ તેમના શરીરમાં અસ્તિત્વ ધરાવે છે. તેમણે ઉમેર્યું હતું કે, હૃદય રોગોવાળા યુવાન દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. વેન્ટ્રિક્યુલર ટાકીકાર-ડિયા અથવા અનિયમિત હૃદયના ધબકારાની લય ઘણીવાર યુવાનોમાં હૃદયરોગના હુમલાનું કારણ બની જાય છે. ઘટનાઓનો અર્થ એ નથી કે વ્યક્તિએ રમતગમતમાં ભાગ લેવાનું બંધ કરવું જોઈએ.

સમયની જરૂરિયાત એ છે કે તમારા શરીરને સમજવું, જ્યારે શરીરમાં કોઈ અનિયમિતતાનો અનુભવ થાય ત્યારે એલાર્મ વગાડવો અને નિયમિત આરોગ્ય તપાસની ખાતરી કરવી. 40ની નીચેની વસતિમાં કોરોનરી આર્ટરી ડિસીઝ નો વ્યાપ છેલ્લા ત્રણ વર્ષમાં લગભગ 20% વધ્યો છે. આ અચાનક હૃદયરોગનો હુમલો એકલતામાં થતો નથી. ડાયાબિટીસ, હાયપરટેન્શન અથવા બિનઆરોગ્યપ્રદ જીવનશૈલી જેવા ગુપ્ત રોગો સહિત ઘણીવાર અંતર્ગત કારણો હોય છે. 30 વર્ષ પછી નિયમિત આરોગ્ય તપાસ અસરકારક નિવારક પરિબળ બની શકે છે.

Most Popular

To Top