SURAT

પગમાં ઘૂસેલો સળિયો લઈને દર્દી સ્મીમેરમાં કલાકો સુધી રઝળતો રહ્યો

સુરત: સ્મીમેર હોસ્પિટલમાંથી માનવતાને શર્મસાર કરતો બનાવ સામે આવ્યો છે. ઘરના છાપરા પરથી પડી ગયા બાદ પગમા સળીયો (Rod) ઘુસી જતા યુવક કલાકો સુધી સ્મીમેરમાં (Smimer) ભટકતો રહ્યો હતો. નવા કમેલાનો આ યુવક બપોરે સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ પહોંચ્યો હતો. પરંતુ સાંજ સુધી તેને સારવાર (Treatment) ન મળતા આરોગ્ય તંત્ર ઉપર પણ સવાલો ઉભા થયા છે. તેમજ સમગ્ર મામલે પરિવારે હોસ્પિટલ તંત્ર ઉપર રોષ ઠાલવ્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ સલાબતપુરા પોલીસના હદ વિસ્તારમાં આવેલા નવા કમેલા સંજય નગરનો વતની સંજય રમેશ રાઠોડ પોતાના ઘરના પતરા ઉપર ચઢી સાફસફાઇ કરી રહ્યો હતો. દરમિયાન પગ લપસતા તે નીચે પડી ગયો હતો. તેમજ તેના પગમાં લોખંડનો મોટો સળિયો ઘુસી ગયો હતો. ત્યાર બાદ પરિવાર સંજયને લઇને બપોરે લગભગ 2:30 વાગ્યાની આસપાસ શહેરની સ્મીમેર હોસ્પિટલ પહોંચ્યો હતો. પરંતુ અહીં તેમને ખૂબ જ કળવો અનુભવ થયો હતો. સતત 4 વાગ્યા સુધી હોસ્પિટલ તંત્રએ યુવકને હોસ્પિટલમાં આમ થી તેમ રખડાવ્યો હતો. ત્યાર બાદ સારવાર આપી હતી. સમગ્ર મામલે સંજયના પરિવારે હોસ્પિટલ તંત્ર ઉપર રોષ ઠાલવ્યો હતો.

સંજયના પરિવારના જણાવ્યા મુજબ રવિવારે બપોરે સંજય પોતાના ઘરના છાપરા ઉપર સાફ સફાઇ કરવા ગયો હતો. પરંતુ આ દરમિયાન તે નીચે પડી ગયો હતો. ત્યાર બાદ તેને સારવાર માટે સ્મીમેર લવાયો હતો. હોસ્પિટલમાં આમ થી તેમ ઘણાં ધક્કા ખાધા બાદ તેઓએ 2:53 મિનિટે સારવાર માટે કેસ કઢાવ્યો હતો. ત્યાર બાદ પણ 4 વાગ્યા સુધી તેમને એક વિભાગથી બીજા વિભાગમાં વધુ ધક્કા ખવડાવ્યા હતા. પરિવારે પોતાનો રોષ ઠાલવતા કહ્યું કે અમને એવું લાગે છે કે અહીં દર્દીઓને દવા નહીં દર્દ અપાય છે. અમારો ફિલ્મ મુન્નાભાઈ MBBS જેવો ઘાટ થયો છે. આખરે માર્શલોની મધ્યસ્થી બાદ તાત્કાલિક સંજયનો એક્સ-રે કાઢી આપવામાં આવ્યો હતો.

સ્મીમેર હોસ્પિટલના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, રવિવારે બપોરે ઘરના પતરાની ઉંચાઇથી નીચે પડતાં જ સંજયના પગમાં લોખંડનો સળિયો ઘૂસી ગયો હતો. પગમાં ઘૂસેલા સળિયા સાથે સંજયને તેના પરિવારજનો સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ લઈને આવ્યા હતા. જ્યાં આમ થી તેમ ધક્કા ખાધા બાદ સંજયને માર્શલોની મધ્યસ્થી બાદ સારવાર આપવામાં આવી હતી.

Most Popular

To Top