Sports

એજબેસ્ટન ટેસ્ટના ચોથા દિવસે ભારતીય ચાહકો સાથે રંગભેદના આરોપની વોરવિકશર તપાસ કરશે

બર્મિંઘમ: ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ઇસીબી) અને વોરવિકશર કાઉન્ટી ક્રિકેટ ક્લબે (Cricket Club) કહ્યું છે કે ભારત (India) અને ઇંગ્લેન્ડ (England) વચ્ચેની પાંચમી ટેસ્ટમેચ (Test Match) દરમિયાન ચોથા દિવસે ભારતીય ચાહકો સાથે રંગભેદી ગેરવર્તનના આરોપની તપાસ શરૂ કરી દેવાઇ છે, ઘણાં ભારતીય ક્રિકેટ ચાહકોએ (Cricket Fan) ચોથા દિવસની રમત દરમિયાન અન્ય ચાહકો દ્વારા રંગભેદી વર્તન કરાયું હોવાની માહિતી સોમવારે ટ્વિટર પર શેર કરવામાં આવી હતી. તેમણે દાવો કર્યો હતો કે બ્રિટનના કેટલાક ચાહકો દ્વારા તેમના પ્રત્યે રંગભેદી ટીપ્પણીઓ કરવામાં આવી હતી.

યોર્કશરના માજી ક્રિકેટર અઝીમ રફીકે રંગભેદી વર્તનની માહિતી આપતી સોશિયલ મીડિયા પોસ્ટને રિટ્વિટ કરી હતી. બ્રિટનની સંસદીય સમિતિ સમક્ષ ગત વર્ષે રફીકની સાક્ષી પછી યોર્કશરમાં સંસ્થાગત રંગભેદના દાવાની તપાસ શરૂ થઇ હતી અને મોટા સુધારાવાદી પગલાં ભરવામાં આવ્યા હતા. રફીકે કહ્યું હતું કે આ વાંચીને હું નિરાશ થયો છું. એજબેસ્ટનના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટથી રફીકના ટ્વિટનો જવાબ આપતાં કહ્યું હતું કે આ વાંચીને અમને ઘણો ખેદ થયો છે. અને અમે આ પ્રકારના વર્તનને માફ કરીશું નહીં. અમે જેમ બને તેમ ઝડપથી તપાસ કરીશું.

વોરવિકશરે પછીથી નિવેદન બહાર પાડીને કહ્યું હતું કે અમે આ બાબતે તપાસ કરી રહ્યા છીએ. એજબેસ્ટનાન મુખ્ય કાર્યકારી સ્ટુઅર્ટ કેને કહ્યું હતું કે શરૂઆતના ટ્વિટ જોયા પછી મેં આ મુદ્દાને ઉઠાવનારા વ્યક્તિઓની સાથે અંગતપણે વાત કરી હતી અને હવે અમે એ વિસ્તારના કર્મચારીઓ સાથે વાત કરી રહ્યા છીએ, જેનાથી એ જાણી શકાય કે શું થયું હતું. તેમાં કહેવાયું હતું કે એજબેસ્ટનમાં કોઇએ પણ કોઇ જાતના દુર્વ્યવહારનો સામનો કરવો ન જોઇએ. હોલીસ સ્ટેન્ડમાં હાજર એક પ્રેક્ષકે એવો પણ આરોપ મૂક્યો હતો કે ઘણી ફરિયાદ છતા ત્યાં હાજર કર્મચારીઓએ કોઇ પગલાં ભર્યા નહોતા.

રંગભેદી ગેરવર્તન કરનારાઓને વારંવાર બતાવ્યા છતાં કર્મચારીઓએ કોઇ પ્રતિક્રિયા ન આપી
અનિલ સેહમી નામક પ્રેક્ષકે ટ્વિટ કરીને લખ્યું હતું કે એજબેસ્ટનના બ્લોક 22 એરિક હોલીસમાં ભારતીય ચાહકો સાથે રંગભેદી ગેરવર્તન કરવામાં આવ્યું. લોકોએ અમને ગાળો ભાંડી હતી. અમે ત્યાં હાજર કર્મચારીઓને તેની જાણાકારી આપી હતી અને તેમને એ કસુરવારો ઓછામાં ઓછા 10 વાર બતાવ્યા હતા પણ તેમણે કોઇ પ્રતિક્રિયા આપી નહોતી, ઉલટાનું અમને જ અમારી સીટ પર બેસવા માટે કહેવાયું હતું. તેણે લખ્યું હતું કે અમારી સાથે હાજર મહિલાઓ અને બાળકોની સુરક્ષાનો પણ અમને ડર હતો, પણ અમે બહાર નીકળ્યા ત્યારે પણ કોઇ જાતની મદદ મળી નહોતી. આજના સમયમાં આ અસ્વીકાર્ય છે.

પ્રશંસકો વચ્ચે સ્લેજીંગ મોટી વાત નથી પણ આજે જે થયું તે સૌથી બદતર હતું : કૌશલ મલાડેનું ટ્વિટ
એક અન્ય પ્રેક્ષક કૌશલ મલાડેએ લખ્યું હતું કે એ જણાવતા દુખ થાય છે કે અમારા ઘણાં સભ્યોએ કેટલાક લોકો દ્વારા રંગભેદી ગેરવર્તનનો સામનો કરવો પડ્યો હતો. અમે એજબેસ્ટના અધિકારીઓ સાથે બધી માહિતી શેર કરીશું. અમારું સર્મથન કરનારા ઇંગ્લેન્ડના પ્રશંસકોનો આભાર. તેણે વધુમાં લખ્યું હતું કે પ્રશંસકો વચ્ચે સ્લેજીંગ થાય તેમા કોઇ સમસ્યા નથી પણ આજની મેચ દરમિયાન જે થયું તે અત્યાર સુધનો સૌથી બદતર દુર્વ્યવહાર હતો. કર્મચારીઓએ ભારતીય ચાહકોને બેસાડી દઇને આ પ્રકારનું ગેરવર્તન ચાલવા દીધું હતું.

Most Popular

To Top