Sports

નેધરલેન્ડ સામે  ભારતની મોટી જીત, 56 રનથી હરાવ્યું

નવી દિલ્હીઃ ટી-૨૦ વર્લ્ડકપમાં (T20WorldCup2022) ભારતનો (India) વિજયી રથ મક્કમતાથી આગળ વધી રહ્યો છે. આજે ઓસ્ટ્રેલિય ખાતે રમાયેલી ટી-૨૦ વર્લ્ડકપની બીજી મેચમાં ભારતે નેધરલેન્ડને ૫૬ રનથી હરાવ્યું છે. આ એક તરફી મેચમાં બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગ ત્રણેય ક્ષેત્રમાં ભારતના ખેલાડીઓ સામે નેધરલેન્ડના ખેલાડીઓ નબળા અને વામણા પુરવાર થયા હતા. ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

ઓપનિંગ બેટ્સમેન કે.એલ. રાહુલ નેધરલેન્ડ સામે પણ નિષ્ફળ રહ્યો હતો. રાહુલની નિષ્ફળતા ભારત માટે ચિંતાનો વિષય બનેલી છે, પરંતુ આજે કેપ્ટન રોહિત શર્મા અને ત્યાર બાદ પાછલી મેચના હીરો વિરાટ કોહલી અને મિ. ૩૬૦ ડિગ્રી સૂર્યાકુમાર યાદવની તોફાની બેટિંગે ચાહકોનું દિલ જીતી લીધું હતું. ૨૦ ઓવરના અંતે ભારતે ૧૭૯ રન બનાવ્યા હતા. ભારત તરફથી રોહિત શર્મા, વિરાટ કોહલી અને સૂર્યા કુમાર યાદવે અર્ધશતક ફટકાર્યા હતા. ભારતે આપેલા ટાર્ગેટ સામે નેધરલેન્ડની શરૂઆત નબળી રહી હતી. ચેમ્પિયન ભારત સામે નેધરલેન્ડના ખેલાડીઓ ખાસ ટકી શક્યા નહોતા. અક્ષર પટેલ અને અશ્વિનની કરકસરયુક્ત બોલિંગ સામે નેધરલેન્ડના બેટ્સમેન રન બનાવવામાં સંઘર્ષ કરી રહ્યાં હતાં. આખરે નેધરલેન્ડને ૧૨૩ રન પર અટકાવી દીધું હતું.  

ટી-૨૦ વર્લ્ડકપમાં ભારતની આ સતત બીજી જીત છે. ગયા રવિવારે ૨૩ ઓક્ટોબરના રોજ હાઈડ્રામા મેચમાં પાકિસ્તાનને છેલ્લી બોલે હરાવ્યા બાદ આજે ખૂબ જ સરળતાથી નેધરલેન્ડને હરાવીને ભારત ગ્રુપ બીમાં ૪ પોઈન્ટ સાથે ટોચ પર પહોંચ્યું છે. નેધરલેન્ડ અને ભારત વચ્ચેની આજની મેચ એકતરફી રહી હતી. કોઈ ચમત્કાર જોવા મળ્યો નહોતો. પહેલી વખત ભારત અને નેધરલેન્ડ ટી-૨૦ આંતરરાષ્ટ્રીય મેચ રમી રહ્યું હતું.

ભારતે ટોસ જીતીને પહેલી બેટિંગ લીધી હતી. ત્યારે શરૂઆતમાં નેધરલેન્ડના બોલર્સ સામે ભારતીય બેટ્સમેનો રન બનાવવામાં સંઘર્ષ અનુભવતા હતા. પહેલાં ૬ ઓવરના પાવર પ્લેમાં ભારતનો રન રેટ ખૂબ જ ઓછો રહ્યો હતો. કે.એલ. રાહુલ સસ્તામાં આઉટ થયા બાદ વિરાટ કોહલી અને રોહિત શર્માએ બેટિંગની ધુરા સંભાળી હતી. રોહિત શર્મા હિટીંગ કર્યું હતું. તે ફિફ્ટી બાદ આઉટ થયો હતો. ત્યાર બાદ વિરાટ કોહલી અને સૂર્યાકુમાર યાદવે મેદાનની ચારે તરફ રનોની આતંશબાજી કરી હતી. ત્રણ બેટ્સમેનની ફિફ્ટીના સ્થવારે ભારતે ૧૭૯-૨ રન બનાવ્યા હતા.  ભારત તરફથી રોહિત શર્માએ ૫૩, વિરાટ કોહલીએ ૬૨ અને સૂર્યાકુમાર યાદવે ૫૧ રન બનાવ્યા હતા.  નેધરલેન્ડ ૨૦ ઓવરમાં ૧૨૩ રન જ બનાવી શક્યું હતં. નેધરલેન્ડે ૯ વિકેટ ગુમાવી હતી.  ભારત તરફથી ભૂવનેશ્વર કુમારે ૨, અક્ષર પટેલે ૨ અને રવિચંદ્રન અશ્વિને ૨ વિકેટ લીધી હતી. 

Most Popular

To Top