Sports

ઇંગ્લેન્ડ બન્યું T20 વર્લ્ડ કપ વિજેતા: ફાઈનલમાં પાકિસ્તાનને 5 વિકેટે હરાવ્યું

T20 વર્લ્ડ કપ (T20 World Cup) 2022નો ખિતાબ ઇંગ્લેન્ડએ જીતી લીધો છે. રવિવારે પાકિસ્તાન અને ઈંગ્લેન્ડની (Pakistan And England) ટીમો આમને-સામને હતી. રસાકસી ભરેલી આ મેચનું પરિણામ ઈંગ્લેન્ડની તરફેણમાં આવ્યું હતું. બંને ટીમો પહેલા જ T20 વર્લ્ડ કપ જીતી ચૂકી છે. હવે ઇંગ્લેન્ડ (England) પણ વેસ્ટ ઈન્ડિઝની સાથે આ ટ્રોફી (Trophy) બે વખત જીતનારી બીજી ટીમ બની ગઈ છે. આ પહેલા પાકિસ્તાને ઈંગ્લેન્ડ સામે 138 રનનો લક્ષ્યાંક (Target) આપ્યો હતો. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ (Batting) કરતા પાકિસ્તાને 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 137 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ઇંગ્લેન્ડએ 138 રનના લક્ષ્યાંકનો પીછો કરતા 19.0 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 138 રન બનાવ્યા હતા. બેન સ્ટોક 52 રન બનાવી અણનમ રહ્યો હતો.

પાકિસ્તાનની બેટિંગ ફ્લોપ રહી હતી. છ બેટ્સમેન ડબલ ફિગરને પણ સ્પર્શી શક્યા ન હતા. શાન મસૂદે સૌથી વધુ 38 રન બનાવ્યા હતા. આ સાથે જ કેપ્ટન બાબરે 32 રનની ઇનિંગ રમી હતી. ઈંગ્લેન્ડ તરફથી સેમ કુરેને સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી. બીજી તરફ ઇંગ્લેન્ડએ શરૂઆતની પાંચ ઓવરમાં સારી શરૂઆત કર્યા બાદ મેચ ધીમી પડી ગઈ હતી. બટલર અને હેરી બ્રૂકના આઉટ થયા બાદ ઇંગલેન્ડની ટીમ પર દબાણ વધ્યું હતું. જોકે બેન સ્ટોક્સે છેલ્લી પાંચ ઓવરમાં મેચની દિશા બદલી નાંખી હતી. 18મી ઓવરમાં મોઈનઅલીને મોહમ્મદ વસીમે બોલ્ડ કર્યો હતો.

10 ઓવર બાદ ઈંગ્લેન્ડનો સ્કોર ત્રણ વિકેટના નુકસાને 77 રનને પાર કરી ગયો હતો. બેન સ્ટોક્સ અને હેરી બ્રુક ક્રિઝ પર હતા. ઇંગ્લેન્ડે શરૂઆતની ઓવરોમાં ઝડપથી રન બનાવ્યા હતા, પરંતુ ત્રણ વિકેટ પડી ગયા બાદ રમત ધીમી થઈ ગઈ હતી. જો કે ઈંગ્લેન્ડની બેટિંગમાં ઊંડાણ છે અને ડેથ ઓવરોમાં આ ટીમ ઝડપી રન બનાવીને સરળતાથી લક્ષ્યનો પીછો કરી શકે તેવી દર્શકોને અપેક્ષા હતી. આઠ ઓવર રમીને ઈંગ્લેન્ડે ત્રણ વિકેટ ગુમાવીને 61 રન બનાવ્યા હતા. જ્યારે છઠ્ઠી ઓવરમાં રઉફે બટલરને આઉટ કર્યો હતો. બટલરે 26 રન બનાવ્યા હતા. 6 ઓવર બાદ ઇંગલેન્ડનો સ્કોર 53 રન હતો. 82 રન પર ઇંગલેન્ડની ચોથી વિકેટ પડી હતી. શાદાબે હેરી બ્રૂકને આઉટ કર્યો હતો. 14 ઓવર બાદ ઇંગલેન્ડને 36 બોલમાં 49 રનની જરૂર હતી.

ટી20માં ઈંગ્લેન્ડ બીજી વખત ચેમ્પિયન બન્યું છે. આ પહેલા 2010માં પણ ટીમ T20 ચેમ્પિયન બની હતી. ત્યારે ઈંગ્લિશ ટીમનો કેપ્ટન પોલ કોલિંગવૂડ હતો. એકંદરે ઇંગ્લેન્ડનું આ ત્રીજું વર્લ્ડ કપ ટાઇટલ છે. 2019માં ઈંગ્લેન્ડની ટીમ ODI ચેમ્પિયન પણ બની હતી. આ સાથે જ પાકિસ્તાનની આ ત્રીજી ફાઈનલ હતી. 2007માં પ્રથમ T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાનને ભારત સામે હારનો સામનો કરવો પડ્યો હતો. આ સાથે જ 2009માં ટીમ T20 ચેમ્પિયન બની હતી. હવે 2022માં ફરી એકવાર પાકિસ્તાનની ટીમને ફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો.

Most Popular

To Top