National

લિવ-ઈન રિલેશનમાં રહેવાથી જન્મેલા બાળકને પૈતૃક સંપત્તિમાં હક મળશે

નવી દિલ્હી: શ્રદ્ઘા મર્ડર કેસ પછી લિવ-ઈન રિલેશનશિપ અંગે ધણાં સવાલો લોકોના મનમાં થઈ રહ્યાં છે. લિવ-ઇન રિલેશનશિપ એટલે કે જ્યારે છોકરો અને છોકરી લગ્ન વિના લાંબા સમય સુધી એક જ ઘરમાં સાથે રહે છે. જે રીતે શ્રદ્ઘા મર્ડર કેસમાં શ્રદ્ઘાએ સહન કર્યું પછી લોકોના મનમાં સવાલો થઈ રહ્યાં છે કે શું આ માટે કોઈ કાયદો ધડવામાં નથી આવ્યો. તો મળતી માહિતી મુજબ લિવ-ઈનમાં રહેનારાઓ માટે કાયદાઓ તો ધડવામાં નથી આવ્યા પરંતુ સુપ્રીમ કોર્ટ અને કોર્ટના નિર્ણયોએ લિવ-ઈન રિલેશનશિપને કાનૂની માન્યતા આપી છે. 2018માં એક સર્વે કરવામાં આવ્યો હતો. આ સર્વેમાં સામેલ 80% લોકોએ લિવ-ઈન રિલેશનશિપને સમર્થન આપ્યું હતું. તેમાંથી 26% લોકોએ કહ્યું હતું કે જો તક મળે તો તેઓ પણ લિવ-ઈન રિલેશનશિપમાં રહેશવાનું પસંદ કરશે.

હજુ પણ આપણા દેશમાં લિવ-ઈન રિલેશનશિપમાં રહેતા લોકોને સમાજમાં સારી નજરથી જોવામાં આવતા નથી. જ્યાં આવા રિલેશનશિપમાં રહેતી છોકરીઓના ચારિત્ર્ય પર સવાલો ઉઠાવવામાં આવે છે ત્યાં છોકરાઓ વિશે પણ વિવિધ પ્રકારની વાતો કરવામાં આવે છે. 16 વર્ષ પહેલા સુપ્રીમ કોર્ટે એક ચુકાદામાં સ્પષ્ટ કર્યું હતું કે ‘પુખ્તવયની ઉંમરે વ્યક્તિ કોઈની સાથે રહેવા અથવા લગ્ન કરવા માટે સ્વતંત્ર છે’. સુપ્રીમ કોર્ટના આ નિર્ણયથી લિવ-ઈન રિલેશનશિપને કાનૂની માન્યતા મળી હતી. આ નિર્ણયમાં કોર્ટે એમ પણ કહ્યું હતું કે, ‘કેટલાક લોકોની નજરમાં તે અનૈતિક હોઈ શકે છે, પરંતુ આવા સંબંધમાં રહેવું ગુનાના દાયરામાં નથી આવતું.’ જો કે જો કોઈ પરિણીત વ્યક્તિ છૂટાછેડા લીધા વિના કોઈની સાથે લિવ-ઈનમાં રહે છે, તો તેને ગેરકાયદેસર ગણવામાં આવે છે. પરંતુ ગયા વર્ષે પંજાબ-હરિયાણા હાઈકોર્ટે એક કેસમાં ચુકાદો આપ્યો હતો કે, “પરિણીત હોવા છતાં લિવ-ઈન રિલેશનશિપમાં રહેવું એ ગુનો નથી અને તે વ્યક્તિએ છૂટાછેડાની કાર્યવાહી શરૂ કરી છે કે નહીં તેનાથી કોઈ ફરક પડતો નથી.”

લિવ-ઈનમાં રહેતી મહિલાઓના અધિકારો શું છે?
નેશનલ ફેમિલી હેલ્થ સર્વે-5 (NFHS-5)માં બહાર આવ્યું છે કે દેશમાં 16 ટકાથી વધુ મહિલાઓએ એવી છે જેઓને તેમના બોયફ્રેન્ડ તરફથી જાતીય હિંસાનો સામનો કરવો પડ્યો છે. જ્યારે કોઈ મહિલાની સાથે તેની ઈચ્છા કે સંમતિ વિરુદ્ધ સંબંધ બાંધવામાં આવે છે ત્યારે તેને જાતીય હિંસા ગણવામાં આવે છે. આ જ સર્વેમાં એ પણ બહાર આવ્યું છે કે 0.2 ટકા મહિલાઓએ વર્તમાન બોયફ્રેન્ડ અને 0.1 ટકાએ ભૂતપૂર્વ મહિલા તરફથી શારીરિક હિંસાનો સામનો કરવો પડ્યો હતો. આ આંકડા દર્શાવે છે કે રિલેશનશિપમાં રહેતી મહિલાઓને પણ શારીરિક કે જાતીય હિંસાનો સામનો કરવો પડે છે.

સુપ્રીમ કોર્ટે લિવ-ઇન રિલેશનશિપમાં રહેતી મહિલાઓને ઘરેલુ હિંસા કાયદાથી રક્ષણ આપ્યું છે. લિવ-ઈનમાં રહેતી મહિલા સાથે કોઈપણ પ્રકારની હિંસા થાય તો તે કોર્ટ અથવા પોલીસનો સંપર્ક કરી શકે છે. એટલું જ નહીં લિવ-ઈનમાં રહેતી મહિલાને પણ પરિણીત મહિલાની જેમ ભરણપોષણ મેળવવાનો અધિકાર છે. જો કોઈ મહિલાને તેના જીવનસાથી દ્વારા તેની સંમતિ વિના ત્યજી દેવામાં આવે છે, તો તેને કાયદા હેઠળ ભરણપોષણ મેળવવાનો અધિકાર છે. 2011માં એક કેસમાં સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો હતો કે લિવ-ઇન રિલેશનશિપમાં રહેતી મહિલાને CrPCની કલમ 125 હેઠળ ભરણપોષણનો અધિકાર છે.

લવ-ઇન રિલેશનશિપમાં જન્મેલા બાળકનો પિતાની પૈતૃક સંપત્તિમાં પણ હક છે. એક કેસમાં સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતા કરી હતી કે જો કોઈ સ્ત્રી અને પુરુષ વર્ષોથી પતિ-પત્ની તરીકે સાથે રહેતા હોય, તો એવું માની શકાય છે કે બંનેએ લગ્ન કર્યા હોવા જોઈએ અને તેના આધારે તેમનું બાળક થશે. જો બાળક હોય તો તે પૈતૃક મિલકત માટે હકદાર હશે. આ મામલો કેરળ હાઈકોર્ટથી લઈને સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. કેરળ હાઈકોર્ટે લિવ-ઈન રિલેશનશિપમાં રહેતા દંપતીના પુત્રને પૈતૃક સંપત્તિમાં હક આપવાનો ઈન્કાર કરી દીધો હતો. આના પર હાઈકોર્ટના નિર્ણયને ઉલટાવતા આ વર્ષે જૂનમાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, “જો કોઈ સ્ત્રી અને પુરુષ લાંબા સમયથી પતિ-પત્ની તરીકે રહે છે, તો એવું માની શકાય છે કે બંનેએ લગ્ન કર્યા હશે. ” જો કે કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું છે કે આ ધારણાને ત્યારે જ માન્ય ગણી શકાય જ્યારે તે સાબિત થાય કે સ્ત્રી અને પુરુષ લાંબા સમયથી સાથે રહેતા હશે, પરંતુ બંનેએ લગ્ન કર્યા ન હતા. પરંતુ લિવ-ઈનમાં જન્મેલા બાળકનો પૈતૃક સંપત્તિમાં લાંબા સમય સુધી હક છે. 2011માં સુપ્રીમ કોર્ટે એક કેસમાં કહ્યું હતું કે જો લિવ-ઇન રિલેશનશિપમાં રહેતા દંપતી બાળકને જન્મ આપે છે, તો તેનો પૈતૃક સંપત્તિ પર તે જ રીતે અધિકાર ઘરાવશે જેટલો કાયદેસર લગ્નથી જન્મેલા બાળકનો હોય છે.

લિવ-ઇન રિલેશનશિપ ક્યારે ગણવામાં આવે છે?
2013માં ઈન્દિરા શર્મા વિરુદ્ધ બીવી શર્માના કેસમાં સુપ્રીમ કોર્ટે લિવ-ઈન રિલેશનશિપને લગતી ગાઈડલાઈન આપી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે લિવ-ઈન રિલેશનશિપ ત્યારે જ કહેવાય જ્યારે સ્ત્રી અને પુરુષ લાંબા સમયથી સાથે હોય. એનો અર્થ એ નથી કે તેઓ એક-બે દિવસ સાથે રહ્યા અને પછી અલગ રહેવા લાગ્યા, પછી થોડા મહિનાઓ કે વર્ષો પછી તેઓ સાથે રહેવા લાગ્યા અને પછી અલગ થઈ ગયા. જો કે આ માટે કોઈ નિશ્ચિત સમયમર્યાદા નથી. આ સિવાય લિવ-ઈન રિલેશનશિપ ત્યારે ધ્યાનમાં લેવામાં આવશે જ્યારે સ્ત્રી અને પુરુષ એક જ ઘરમાં રહેતા હોય, એક જ ઘરની વસ્તુઓનો ઉપયોગ કરતા હોય, બંને પુખ્ત હોય. મતલબ કે જો છોકરીની ઉંમર 18 વર્ષથી વધુ અને છોકરાની ઉંમર 21 વર્ષથી વધુ હોય તો તેઓ લિવ-ઈન રિલેશનશિપમાં રહી શકે છે.

અગાઉ 2010માં, સુપ્રીમ કોર્ટે ડી. વેલુસામી વિ. ડી. પચાઈમ્મલના કેસમાં લિવ-ઈન રિલેશનશિપની શરતો મૂકી હતી. કોર્ટે કહ્યું હતું કે આવા સંબંધોમાં રહેતા લોકોને એક કપલ તરીકે ગણવામાં આવે અને તેમની ઉંમર લગ્ન માટે કાયદાકીય રીતે માન્ય હોવી જોઈએ. સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું હતું કે જો કોઈ પુરુષ કોઈ મહિલાને નોકર તરીકે રાખે છે, તેને દર મહિને એક નિશ્ચિત રકમ ચૂકવે છે અને બંને વચ્ચે શારીરિક સંબંધો પણ બને છે તો તેને લિવ-ઈન રિલેશનશિપ ગણવામાં આવશે નહીં અને આવા મામલા ઘરેલું હિંસા ગણાવામાં આવશે.

Most Popular

To Top