National

આપણા દેશના રાજકીય નેતાઓએ ઇઝરાયલ પાસેથી શીખ લેવી જોઇએ, ઇઝરાયલનું આ વ્યવસ્થિત પ્લાનિંગ કામ કરી ગયું

ભારત (India) દેશના રાજકારણીઓ ગમે તેટલી મોટી મોટી વાતો કરે અને ભાષણો આપે પરંતુ એક વાત તો સ્પષ્ટ છે કોરોના કાળમાં તેઓ સોશિયલ ડિસ્ટન્સિંગનો અમલ કરાવવામાં સફળ રહ્યાં નથી. લોકડાઉનનો અમલ કરાવવામાં પણ નરી નિષ્ફળતા જ જોવા મળી છે. કોરોનાના દર્દીઓને હોસ્પિટલ સુધી પહોંચાડવા માટેની પૂરતી વ્યવસ્થા પણ આ નેતાઓ કરી શક્યા નથી. જ્યારે સમગ્ર દુનિયાના (World) નેતાઓ પક્ષ વિપક્ષ ભૂલી જઇને કોરોના સામે એકજૂટ થઇને લડી રહ્યાં છે. ત્યારે આપણા દેશના રાજકારણી આક્ષેપ પ્રતિઆક્ષેપમાં જ ઊંચા આવતા નથી. શાસક પક્ષ તેની સફળતા ગણાવવામાંથી બહાર આવતો નથી અને વિપક્ષ તેની ભૂલો કાઢવા સિવાય બીજુ કોઇ કામ કરી રહ્યો નથી. આવા નેતાઓને કોઇપણ પદ સોંપતા પહેલા એક વખત ઇઝરાયેલ (Israel) મોકલવા જોઇએ. તો જ સદબુદ્ધિ આવશે કે, કોઇપણ પ્રકારની મુશ્કેલીનો સામનો આ નાનકડો દેશ (Small Country) કેવી રીતે કરી રહ્યો છે.

છેલ્લા ચાર મહિનાથી વેક્સિનેશન માટેની જાગૃતિનું અભિયાન ચલાવતા આપણા દેશના નેતાઓ વેક્સિનનો પૂરવઠો પણ પૂરો પાડી શકતાં નથી તો તેમના પર બીજી શું અપેક્ષા રાખી શકાય? વેક્સિનેશન માટે દેશની પ્રજા એક સેન્ટર પરથી બીજા સેન્ટર પર ધક્કા ખાઇ રહી છે તે જ કડવી વાસ્તવિકતા છે. તેની સામે ઇઝરાયલ એક એવો દેશ છે કે, જેણે કોરોના સામે મલ્લ યુદ્ધ કરીને તેને રીતસરનો પછાડી દીધો છે. ઇઝરાયલ જેવો નાનો દેશ કે જેની વસ્તી માત્ર 90 લાખ છે ત્યાં 3 મહિના પહેલા રોજ 10000 કેસ આવી રહ્યાં હતા. આ રેશિયો ભારત કરતાં ખૂબ જ ઊંચો હતો પરંતુ હવે એવી સ્થિતિ છે કે, આ દેશમાં હવે રોજ માત્ર 100 જ કોરોના પોઝિટિવ દર્દી નોંધાઇ રહ્યાં છે.

જ્યારે આપણા કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષ વર્ધનને ખબર જ નથી કે લશ્કર ક્યાં લડે છે. હજી તો તેઓ તે પણ જાણી શક્યા નથી કે દેશને કુલ કેટલા ટન ઓક્સિજનની દૈનિક જરૂરિયાત છે અને જો એ જાણી ગયા પણ હોય તો રાજ્ય સુધી પૂરવઠો પહોંચડાવો કેવી રીતે તેનું કોઇ આયોજન તેમની પાસે નથી. તેની સામે ઇઝરાયલના સ્વાસ્થ્ય મંત્રાલય સાથે સંકળાયેલા ડો. અશેર શાલમન જણાવે છે કે,ઇઝરાયલ રોજના 10000 પોઝિટિવ દર્દીઓ ઘટાડીને 100 પર લાવવામાં સફળ રહ્યું છે તેનું સૌથી મોટું કારણ વેક્સિનેશન છે. ઇઝરાયલમાં 80 ટકા લોકોનું વેક્સિનેશન થઇ ચૂક્યું છે. તેઓ હવે ધીરે ધીરે નિયંત્રણો ખસેડવાની સ્થિતિમાં આવી ગયા છે. હજી કોરોના સંપૂર્ણ રીતે નેસ્તનાબૂદ નથી થયો તેના કારણે હજી તેમના દેશમાં થોડા ગણા નિયંત્રણો યથાવત છે. વેક્સિનેશન કાર્યક્રમને કોઇપણ જાતની અંધાધૂંધી વગર સફળતાપૂર્વક પાર પાડવા માટે સૌથી પહેલા તેમણે ડેટા પર કામ કર્યું. તેમણે નક્કી કર્યું કે, વેક્સિનેશન માટે કેટલા હેલ્થ સેન્ટર્સ અને કેટલી હોસ્પિટલ્સની જરૂર પડશે.

સેના, પોલીસ બળ અને હેલ્થ કોમ્યુનિટીની કેટલી જરૂર પડશે. તે નક્કી કરવામાં આવ્યું અને ત્યાર બાદ એ પણ નક્કી કરવામાં આવ્યું કે, સૌથી પહેલા રજિસ્ટ્રેશન થશે અને લોકોને એક સાથે બોલાવીને ભીડ કરવાના બદલે તેમને એક એક કરીને બોલાવવામાં આવે. આ યોજનામાં કેટલી સોંયની જરૂર પડશે તેવી નાની નાની બાબતોનું પણ ધ્યાન રાખવામાં આવ્યું. ઇઝરાયલ જે વેક્સિનનો ઉપયોગ કરે છે તે ફાયઝર છે અને તેની એક્સપાયરી પણ ખૂબ શોર્ટ છે અને ખાસ કરીને તાપમાનનું ધ્યાન પણ રાખવું પડશે. બસ આવી તમામ વિગતો એકત્ર કર્યા પછી વેક્સિનેશન શરૂ કરવામાં આવ્યું એટલું જ નહીં જો દિવસ પૂરો થયા પછી વેક્સિનના ડોઝ વધે તો પોલીસ, ફાયર બ્રિગેડ અને આવશ્યક સેવાઓ સાથે જોડાયેલા લોકોને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા અને તેમનું રસીકરણ કરી દેવામાં આવતું હતું જેના કારણે એક પણ ડોઝ ફેઇલ નહીં જાય. જ્યારે તેની સામે ભારતમાં એવી હાલત છે કે, રસી લીધા વગર જ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ફોટા સાથે રસીકરણનું સર્ટિફિકેટ લોકોને પહોંચી જાય છે.

એટલું નહીં ઇઝરાયેલ વેક્સિનેશન કાર્યક્રમમાં બે દસ્તાવેજો પર કામ કર્યું જેમાં પહેલું કામ આંતરરાષ્ટ્રીય ધારાધોરણને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું જેમાં જે વેક્સિન સર્ટિફિકેટ આપવામાં આવતું હતું તેમાં વેક્સિન લેનાર વ્યક્તિના નામની સાથે તેનો પાસપોર્ટ નંબર પણ નોંધી દેવામાં આવતો હતો જેના કારણે આંતરરાષ્ટ્રીય મુસાફરીમાં તેમને કોઇ તકલીફ નહીં પડે તો બીજી તરફ ડોમેસ્ટિક સગવડો માટે વેક્સિન લેનારને ગ્રીન પાસ ઇસ્યુ કરવામાં આવ્યો જેના આધારે વેક્સિન લેનાર ઇઝરાયલી હોટલ, રેસ્ટરાં, લાઇન કન્સર્ટ, સ્વિમિંગપુલ જેવા સાર્વજનિક સ્થળોએ આરામથી હરી ફરી શકે.

આવું તેઓ એટલા માટે કરી શકે છે કારણ કે, ત્યાં અત્યાર સુધીમાં જેટલા પણ વડાપ્રધાન બન્યા છે તેઓ અથવા તો સેનામાંથી આવતા હોય છે અથવા તો મોસાદમાંથી આવતા હોય છે. જ્યારે આપણા દેશની હાલત એવી છે કે, રાજકારણમાં પ્રવેશવા માટે ભણતર કોઇ ક્રાઇટેરિયા જ નથી. અભણ માણસોને સત્તા સાચવવા માટે મંત્રી તરીકે આપણા પર ઠોકી બેસાડવામાં આવે છે. કોરોના સંક્રમણ અટકાવવામાં તો ઠીક પરંતુ વેક્સિનેશન કાર્યક્રમમાં તમામ મોરચે નિષ્ફળ ગયેલા આપણા દેશના નેતાઓને ઇઝરાયલ મોકલવા જોઇએ. કમ સે કમ ત્યાં જઇને તેઓ એટલું તો શીખશે કે કામ કેવી રીતે કરી શકાય છે.

Most Popular

To Top