ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ ભારતીય ક્રિકેટરો પર રંગભેદી ટીપ્પણી થઇ હોવાની વાતની પુષ્ટિ કરી

મેલબોર્ન, તા. 27 (પીટીઆઇ) : ઓસ્ટ્રેલિયા સામેની સિડની ટેસ્ટ દરમિયાન ભારતીય ઝડપી બોલર મહમંદ સિરાજ સામે રંગભેદી ટીપ્પણી થઇ હોવાની વાતની ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (સીએ) દ્વારા પુષ્ટિ કરવામાં આવી હતી. જો કે સાથે જ તેમણે આ રંગભેદી ટીપ્પણીને કારણે બંધ રહેલી રમત દરમિયાન જે છ પ્રેક્ષકોને મેદાનમાંથી બહાર કાઢી મુકાયા હતા તેમને નિર્દોષ ગણાવ્યા હતા. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સીલ (આઇસીસી)ને પોતાનો રિપોર્ટ સોંપી દેનાર ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ એવું કહ્યું હતું કે આ ઘટનાની તપાસ હજુ પણ ચાલું જ રખાઇ છે.
સીએના ઇન્ટીગ્રીટી અને સિક્યોરિટી પ્રમુખ સીન કારોલે કહ્યું હતું કે સીએ એ વાતની પુષ્ટિ કરે છે કે ભારતીય ક્રિકેટ ટીમના સભ્યો સામે રંગભેદી ટીપ્પણી કરવામાં આવી હતી, આ કેસમાં સીએની તપાસ ચાલુ જ છે અને સીસીટીવી ફૂટેજ જોવામાં આવી રહ્યા છે, ટિકીટના આંકડા પણ જોવામાં આવી રહ્યા છે અને પ્રેક્ષકોની પૂછપરછ પણ ચાલી જ રહી છે.
કારોલના જણાવ્યા અનુસાર તપાસથી એ માહિતી મળી છે કે મીડિયાએ સિડની ટેસ્ટના ચોથા દિવસે 86મી ઓવરમાં પ્રેક્ષક ગેલેરીમાં જે પ્રેક્ષકોના ફોટાઓ દર્શાવ્યા હતા, તેમણે રંગભેદી ટીપ્પણી કરી નહોતી, સીએ આ ઘટના માટે ફરીવાર ભારતીય ટીમની માફી માગે છે. સીએ દ્વારા કહેવાયું હતું કે ઘટના સમયે પણ અમે કહ્યું હતું કે આ પ્રકારનું વલણ કોઇપણ ભોગે સહન કરવામાં નહીં આવે.

Related Posts