Gujarat

કાલોલ APMCની ચૂંટણીમાં સત્તા માટે ભાજપમાં બે ભાગ પડી જતા જૂથવાદનું ઘમાસાણ શરૂ

કાલોલ: કાલોલ એપીએમસી સમિતિમાં આગામી ૨૯ ઓક્ટોબરે યોજાનારી ખેડૂત વિભાગમાં ચુંટણી માટે ૨૩ ઉમેદવારોએ મેદાનમાં ઝંપલાવતા આંતરિક ઘમસાણનો રસાકસી ભર્યો માહોલ સર્જાયો છે. કાલોલ એપીએમસીની ૧૬ સભ્યોની સમિતિ માટેની ચૂંટણીમાં વેપારી મંડળના ૪ સભ્યો અને સહકારી મંડળીના ૨ સભ્યો બિનહરીફ વરણી કરવામાં આવી છે. જ્યારે ખેડૂત વિભાગના ૧૦ સભ્યોની બેઠક માટે ૨૩ ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવતા ખેડૂત વિભાગની ચુંટણી માટેનો ગરમાયો છે.

ખેડૂત વિભાગની ચુંટણીમાં ઝંપલાવતા ૨૩ ઉમેદવારોમાં ૪ સભ્યો કોંગ્રેસ પ્રેરિત છે જ્યારે એપીએમસીમાં સત્તારૂઢ ભાજપ પ્રેરિત પેનલ માટે ૧૯ ઉમેદવારોએ પોતાની દાવેદારી નોંધાવતા અંતે અપેક્ષિત રીતે ભાજપમાં ભડકો થતા બળિયાના બે ભાગ પડી જતા ભાજપની સત્તાવાર પેનલમાં ૧૦ સભ્યો અને ભાજપ પ્રેરિત પરિવર્તન પેનલના નામે ૯ સભ્યોના જુથવાદના બે ભાગલા પડી ગયા હતા. જેને પગલે શિસ્તબદ્ધ પાર્ટી ગણાતી ભાજપમાં કાયમ સાથે મળીને દોડતા ભાજપના કાર્યકરોમાં એપીએમસીની સત્તા માટે બે જુથો આમને સામને આવી જતાં અંદરોઅંદર ભાજપની ભાંજગડનો માહોલ સર્જાયો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ખેડૂત વિભાગમાં આગામી ૨૯ ઓક્ટોબરે યોજાનારી ચૂંટણી માટે તાલુકાની ૧૫ ખેડૂત મંડળીઓના ૧૮૫ મતદારો ૧૦ સભ્યોને ચુંટવા માટે મતદાન કરશે જેથી મતદારોને રીઝવવા માટે ભાજપના ૧૯ સભ્યોના ભાગલા પડી જતા ૧૮૫ મતદારો માટે દિવાળી પહેલાની દિવાળીનો માહોલ સર્જાયો છે. ભાજપના સત્તાધીશોના ઈશારે પીઢ કાર્યકરો ગણાતા નવ સભ્યોએ પોતાની પ્રતિષ્ઠાના જોરે ચુંટણી લડી લેવાનો દાવ અજમાવતા કાલોલ એપીએમસીની ચુંટણી ભાજપ માટે ભવિષ્યની વિધાનસભાની ચૂંટણી માટેની દાવેદારી અને દાવપેચનું ઘમાસાણ સર્જાવાના એંધાણનું ચિત્ર સ્પષ્ટ બની ગયું હોવાની લોકચર્ચા જામી છે.

ભાજપ વિરૂધની પેનલને જીતાડવાનો કારસો 

કાલોલ એપીએમસી સમિતિમાં ખેડૂત વિભાગની ચુંટણી માટે ભાજપમાં પડેલા બે ભાગમાં કાલોલ મતવિસ્તારના ધારાસભ્ય પાર્ટીની શિસ્ત અને શાખને ધોરણે ભાજપ પ્રેરિત પેનલને સાથ સહકાર આપે છે પરંતુ તેની સામે ધારાસભ્યના નજીકના માણસો ભાજપની પેનલ સામે મેદાને પડેલી પરિવર્તન પેનલને જીતાડવા માટે પ્રચાર કરી રહ્યો છે, ભાજપ પક્ષ પ્રમુખ અને ધારાસભ્ય આમને સામને હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. ભાજપ પ્રેરિત પેનલનો પ્રચાર કરી રહ્યો છે ટુંકમાં પિતા-પુત્ર પણ આમને સામને પ્રચાર કરી રહ્યા હોવાના સુત્રોએ છેવટે સત્તા માટે સૌ સ્વાર્થી હોવાની લોકચર્ચાએ જોર પકડયું છે.

એપીએમસીમાં નવો વળાંક..

જોકે કાલોલ એપીએમસીની ચુંટણીમાં ભાજપમાં સર્જાયેલ ભાગલા મધ્યે અને ભાજપની શિસ્તભંગની કાર્યવાહીના પડઘમને પગલે પરિવર્તન પેનલના નવ સભ્યો પૈકીના ભાજપના એરાલ જિલ્લા પંચાયત સદસ્યના પિતા શાંતિલાલ એસ પરમારે મંગળવારે સાંજે કાલોલ તાલુકાના ભાજપ પ્રમુખને પત્ર લખીને પોતાનો ભાજપની પેનલને ટેકો જાહેર કર્યો હતો. જોકે હવે ‘સાપ મરે અને લાઠી પણ ના તુટે’ એ રીતે તેઓ સ્વતંત્ર ચુંટણી લડશે અને પોતે જીતશે તો ભાજપની પેનલમાં જોડાશે તેવો લેખિતમાં વિશ્વાસ આપ્યો હતો.

Most Popular

To Top